Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

નકલી ડીગ્રી-માર્કશીટ કૌભાંડમાં પ્રકાશને સાથે લઇ ક્રાઇમ બ્રાંચની ટૂકડી દિલ્હી રવાના

વડોદરાની ઓફિસમાંથી ત્રણ લેપટોપ અને નકલી માર્કશીટ-ડીગ્રી જપ્તઃ સુત્રધાર ૬ દિ' રિમાન્ડ પર

રાજકોટ તા. ૧૯: રૈયા રોડ પર વૈશાલીનગર-૯ના ખુણે  વે ટુ લર્ન-સનરેયઝ નામથી એન્જિનીયરીંગના  કલાસીસ ચલાવતો કુવાડવા રોડ મારૂતિનંદન નગર-૩માં રહેતો પ્રકાશ સુરેશભાઇ ગોહેલ (રાવળ) (ઉ.૩૬) નામનો શખ્સ બહારના રાજ્યોની અલગ-અલગ યુનિવર્સિટીની નકલી ડીગ્રીઓ અને બોગસ માર્કશીટ વેંચવાના કૌભાંડમાં ઝડપાઇ જતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં છ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. પ્રકાશે પોતે ચાર વર્ષથી દિલ્હી, વડોદરા અને અંકલેશ્વરના શખ્સો સાથે મળી આ ગોરખધંધા કરતો હોવાનું કબુલ્યું હોઇ ક્રાઇમ બ્રાંચની ટૂકડી પ્રકાશને સાથે લઇ તપાસાર્થે દિલ્હી જવા રવાના થઇ છે.

 ક્રાઇમ બ્રાંચે પ્રકાશની ઓફિસમાંથી ૫૧ ડીગ્રી સર્ટિફિકેટ અને ૨૧ જેટલી નકલી માર્કશીટ કબ્જે કર્યા હતાં.  આ મામલે પ્રકાશ ગોહેલ તેમજ દિલ્હીના એચ.એચ. ફાઉન્ડેશનના સંચાલક, વડોદરાના પંકજ સંઘવી તથા અંકલેશ્વર જીઆઇડીસી જલધારા ચોકડી પાસે એમઆઇટી એજ્યુકેશન ગ્રુપ ધરાવતાં   હિતેષ પટેલ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૮, ૪૭૧, ૧૨૦-બી મુજબ ગુનો નોંધાયો હતો. ગઇકાલે એક ટૂકડી વડોદરા તપાસાર્થે પહોંચી હતી. ત્યાં આરોપી હાથ લાગ્યો નથી પણ ઓફિસમાંથી ત્રણ લેપટોપ અને બીજી નકલી ડીગ્રી-માર્કશીટ કબ્જે કરાયા છે.

પ્રકાશની ઓફિસમાંથી ધોરણ-૧૦ની ૨૦૦૩ની ઉત્તરપ્રદેશની માર્કશીટ, જયપુર નેશનલ યુનિવર્સિટીની ૨૦૧૫ની બીએસસી ફર્સ્ટ યરની, શિલોંગ મેઘાલયની વિલીયમ કેરી યુનિવર્સિટીની બીએસસી પ્રથમ વર્ષની, યુ.પી.ની ધોરણ-૧૨ની ૨૦૧૧ની માર્કશીટ, જુના રાજસ્થાનની બીએડની સિંઘાનીયા યુનિવર્સિટીની માર્કશીટ, કાશી વિદ્યાપીઠ વારાણસીની બીકોમની નકલી માર્કશીટ, અરૂણાચલ પ્રદેશની એમએની હિમાલયન યુનિવર્સિટીની માર્કશીટ, સનરાઇઝ યુનિવર્સિટી રાજસ્થાનની બીએસસીની ત્રણ નકલી માર્કશીટ, રાજસ્થાનની એમટેકના અભ્યાસની ચાર માર્કશીટ, સનરાઇઝ યુનિવર્સિટી રાજસ્થાનની બીકોમની ત્રણ માર્કશીટ, કાનપુરની છત્રપતિ સાહુજી મહારાજ યુનિવર્સિટીની એમબીએની નકલી માર્કશીટ તેમજ રાજસ્થાન સનરાઇઝ યુનિવર્સિટીની બીકોમની ત્રણ માર્કશીટ સહિતનો જથ્થો કબ્જે લેવાયો હતો.

 પ્રકાશ અખબારોમાં ધોરણ ૧૦-૧૨ નાપાસ વિદ્યાર્થીઓ અમને મળે તે મતલબની જાહેર ખબર છપાવી મુરગા શોધતો હતો અને ૫૦ થી ૬૦ હજાર કે તેથી વધુ પૈસા મેળવી નકલી માર્કશીટ અને ડીગ્રીઓ વેંચ્તો હતો. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. એચ. બી. ધાંધલ્યા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, સંજયભાઇ કુમારખાણીયા, સામતભાઇ ગઢવી સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે.

(4:17 pm IST)