Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શનિવાર શ્રી અખંડ હરીનામ સંકીર્તન મંદિરનો ૩૪મો પાટોત્સવ

દીવના સંગીતકાર જીજ્ઞેશ ટીલાવત તથા સાથીદારો સાથે સંગતમય સંકીર્તન

રાજકોટ, તા.૧૯: શ્રી પ્રેમભિક્ષુક માર્ગ, કાલાવડ રોડ સ્થિત શ્રી અખંડ સંકીર્તન્ મંદિરે વિશ્વકલ્યાણની નિષ્કામ મંગલ ભાવનાથી ચાલી રહેલ અખંડ સંકીર્તનના ૧૨૪૨૦માં દિવસે શનીવારે તા.૨૧ના રોજ ૩૪મો પાટોત્સવ અને ૩૫ માં વર્ષમાં મંગલ પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે.

ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત સવારે ૫:૩૦ વાગ્યે પ્રભાતફેરી નીકળશે. રાત્રે ૯ થી ૧૦ શ્રી રામનામ મહારાજ તથા શ્રી સદ્ગુરૂ પાદુકા પૂજન- અભીષેક અને વિશેષ નામ સંકીર્તન તથા ઉત્સવ આરતી થશે. આ પાવન પ્રસંગે દીવના સંગીતકાર અને નામપ્રેમી શ્રી જીજ્ઞેશ ટીલાવત અને બંસરીવાદક, શ્રી વિપુલભાઈ ઉપસ્થિત રહી પ્રેમ પરિવાર, રાજકોટના ગાયક કલાકારો સાથે રાત્રે ૧૦ થી ૧ વિશેષ સંગીતમય સંકીર્તનનો લાભ આપશે.

આ અખંડ સંકીર્તનની મંગલ શરૂઆત તા.૨૦ના રોજ પૂ.સંત મોરારીબાપુ દ્વારા કરવામાં આવેલ જે આજે ૩૪ વર્ષથી અવિતરપણે ચોવીસે કલાક સનાતન ધર્મના સિધ્ધાંત અનુસાર ''સર્વે ભવન્તુ સુખિનઃ...'' ની સૃષ્ટિના કલ્યાણની ભાવનાથી ચાલુ છે. જેમાં આજ સુધી કેટલાક સંતો, મહંતો, સન્યાસીઓના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વગેરે મહાનુભાવો પણ લાભ લઈ ચુકયા છે.

શ્રી અખંડ હરિનામ સંકીર્તન પ્રવર્તક શ્રીચૈતન્યાવતાર સંકીર્તન સમ્રાટ પૂ.શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પ્રેરણાથી આજે રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અને મહુવા તથા બિહાર રાજયમાં મુઝફફરપુર ગામે અખંડ સંકીર્તનનો વર્ષોથી ચાલુ રહયા છે જેની ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાયેલ છે. પૂ.મહારાજશ્રી બ્રહ્મલીન સને ૧૯૭૦માં થયાને ૪૮ વર્ષ થયા પછી પણ તેમના ચિંધ્યા જીવનના ધ્યેય તરફ લઈ જતાં રાજમાર્ગ પર આ કલ્યાણકારી પ્રવૃતિ ચાલી રહેલ છે તે નોંધનીય છે.

''નહીં કલિ કર્મ ન ભકિત વિવેકુ, રામનામ અવલંબન એકુ'' આ કલિકાલમાં સંતો અને  શાસ્ત્રોએ પ્રતિપાષ્ઠિત કરેલ હરિનામ સંકીર્તન એક અમોઘ ઔષધ છે. આ અખંડ સંકીર્તન મહાયજ્ઞમાં સમયનું વધુને વધુ  યોગદાન આપવા અનુરોધ કરાયો છે.(૩૦.૧૧)

(4:12 pm IST)