Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

આગામી ૨૪મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ દેશની તમામ ગ્રામસભાઓને એકી સાથે સંબોધશે

ગ્રામ સ્વરાજ અભિયાનઃ જીલ્લા ભાજપની બેઠકઃ વિગતો આપતા પ્રમુખ સખીયાઃ ૫ મે સુધી અઢળક કાર્યક્રમોઃ ગ્રામ સ્વરાજના ઈન્ચાર્જ તરીકે વિજય કોરાટ

રાજકોટ તા.૧૯: જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયા તથા મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, ભરતભાઇ બોઘરાની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત રાજકોટ જીલ્લાના તાલુકા અને જીલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ માકડિયા, બાવનજીભાઇ મેતલિયા, જીલ્લાના હોદેદારો તાલુકા/શહેરના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડી.કે.સખીયાએ ગ્રામ સ્વરાજ અભિયાનનના કાર્યક્રમની રૂપરેખા આપતા પહેલા ''ગ્રામ સ્વરાજ અભિયાન''ના સંપૂર્ણ ઇન્ચાર્જ તરીકે જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઇ કોરાટની વરણી કરી હતી.

વધુમાં સખીયાએ જણાવ્યું હતું કે, આપણે તા.૧૪ એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરજીના જન્મ જયંતિ નિમિતે કોટડાસાંગાણી ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ. ઉપરાંત  તા.૧૮ એપ્રિલ સ્વચ્છ ભારત પર્વ અંતર્ગત દરેક પંચાયતના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ગામડાઓમાં ખુલ્લામાં શૌચ થાય છે તે ગામડાઓને તેમાંથી મુકત કરવાનો પ્રયાસ, જનજાગૃતિ કાર્યક્રમો, તા.૨૦ એપ્રિલ ઉજ્જવલા પંચાયત અંતર્ગત ગરીબ લાભાર્થીઓને ગેસ સીલીન્ડરનું વિતરણ તથા સંમેલનનો આયોજન, તા.૨૪ એપ્રિલ પંચાયત રાજ દિવસ જે રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત ઇ-પંચાયત પુરસ્કાર, પંચાયતોને દિનદયાલ ઉપાધ્યાય પંચાયત, સશકિતકરણ પુરસ્કાર, ગ્રામસભાઓને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભા પુરસ્કાર, જેવા રાષ્ટ્રીય પુરસ્કારોનું વિતરણ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આપવામાં આવશે. ગ્રામપંચાયતોની મુખ્યભૂમિકા હોય તેવા સફળ લેખનના પ્રદર્શનોનું આયોજન ઉપરાંત વડાપ્રધાન દેશની બધીજ ગ્રામસભાઓને દુરદર્શન દ્વારા સંબોધન કરશે.

તા.૨૮ એપ્રિલ ૨૦૧૮ ગ્રામશકિત દિવસ તરીકે ઉજવવામાં આવશે જેમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના વગેરેના હકક પત્ર આપવામાં આવશે. પુરસ્કાર વિતરણ કરવાના કાર્યક્રમો યોજવામાં આવશે. તદઉપરાંત તા.૩૦ એપ્રિલના રોજ માન.વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં આયુષ્યમાન ભારતની જાહેરાત કરીને તંદુરસ્ત રાષ્ટ્ર થકી જન-જનની સ્વાસ્થ્યની સુરક્ષા મિશન અને અન્ય સ્વાસ્થ્ય સંબધી જાણકારી આપીને લોકોની તંદુરસ્તીની ખેવના એજ ભાજપાનો સંકલ્પ છે. તા.૨મે કિશાન કલ્યાણ કાર્યશાળા અંતર્ગત કિશાનોની આવક બમણી કરવા માટે થઇ ૨૦૨૨ સુધીમાં તમામ કિશાનોને પાક ઉત્પાદનો વિષેની માહિતી આપવા કાર્યશાળા ખોલવામાં આવશે. તા.૫મે, ૨૦૧૮ શનિવારના રોજ આજીવિકા તથા ૪૦૦૦ કૌશલ્યવિકાસ મેળાઓ યોજીને સ્વસહાય જૂથની સ્વયંસેવક બહેનોને માર્ગદર્શન કેમ્પ કરવામાં આવશે અને ત્યારબાદ વડાપ્રધાનશ્રીનું લાઇવ ઉદબોધન કરવામાં આવશે.બેઠકનું સંચાલન ભાનુભાઈ મેતાએ કર્યુ હતું. તેમણે અને ડો. ભરતભાઈ બોઘરાએ વિશેષ વિગતો આપી હતી.(૭.૨૬)

 

(2:44 pm IST)