Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

પ્રદ્યુમન પાર્ક પાસે ૮ શખ્‍સોએ સરકારી જમીનમાં ૩૨ ઓરડી બનાવી ભાડે આપી : ફોજદારી કાર્યવાહીની તૈયારી

મંચ્‍છાનગરમાં વર્ષ ૨૦૧૦માં ૭૫૦ સામે આજે ૧૦૦૪ ઝુંપડા

રાજકોટ તા. ૧૯ : લાલપરી-રાંદરડા તળાવ ડેવલપમેન્‍ટ, આઈકોનિક બ્રિજ સહિત ૨૦ કરોડના ખર્ચે  એન્‍ટ્રી,પાર્કિંગ સહિત કામો તથા લાયન સફારી પાર્ક સહિતના વિકાસકાર્યોમાં અવરોધરૂપ ૩૦ વર્ષ જુના દબાણો સ્‍લમ પોલીસી અન્‍વયે દૂર કરીને વૈકલ્‍પિક જગ્‍યા આપવાની પ્રક્રિયા અન્‍વયે મ્‍યુનિ.કમિશનરના સૂચનાથી ટી.પી.શાખાની ૭ ટીમો દ્વારા સર્વે કરાયો છે જે અન્‍વયે પ્રાથમિક પ્રાપ્ત માહિતી અનુસાર ૮ વ્‍યકિતઓએ ૩૨ ઓરડી ભાડે આપી છે જેમાં કોર્પોરેટરના સંબંધી પણ સામેલ હોવાનું જાણવા મળ્‍યું છે. સર્વેમાં ચોંકાવનારી માહિતી બહાર આવતા મનપા તંત્ર દ્વારા આ શખ્‍સો સામે ગ્રેન્‍ડ લેબીંગની કાર્યવાહી કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્‍યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પ્રદ્યુમન પાર્ક વિસ્‍તારના મંચ્‍છાનગરમાં કૂલ આશરે ૧૦૦૪ કાચા મકાનો સર્વેમાં મળી આવ્‍યા છે જે પંદર વર્ષ પહેલા સર્વે કરાયો ત્‍યારે આશરે ૭૫૦ જેટલા હતા. આ પૈકી આશરે ૩૨ ઓરડીઓ ભાડે અપાઈ છે. જેમાં કોર્પોરેટરના પતિ કવા ગોલતરના ભાઈની ૮ ઓરડી હોવાનું પણ જાણવા મળે છે.

આશરે ૩૨ આસપાસ ઓરડીઓ ભાડે અપાઈ છે અને તે ગંભીર બાબત છે જેમાં નિયમોનુસાર કડક પગલા લેવાશે. જયારે મોટાભાગના લોકો પોતે અહીં કાચા મકાનોમાં રહે છે જેમના રહેઠાણના પુરાવા વગેરે મેળવ્‍યા બાદ તેમને સ્‍લમ સંબંધી નીતિ અનુસાર જો વૈકલ્‍પિક આવાસ મળવાપાત્ર થશે તો તે દિશામાં કાર્યવાહી કરાશે.જયારે ટી.પી.વિભાગના સૂત્રોએ જણાવ્‍યું કે સર્વેનું કામ પૂરૂં થયું છે અને આ અંગેનો રિપોર્ટ કમિશનરને રજૂ કર્યો હતો

(5:05 pm IST)