Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

ઝુલતા પુલની સેફટી સિસ્‍ટમ વિકાસાવી ધોળકીયા સ્‍કુલના બાળવૈજ્ઞાનિકો ધ્‍વની સોજીત્રા અને સાક્ષી ખૂંટની આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પસંદગી

૨૪ વર્ષમાં ૨૬ આંતરરાષ્‍ટ્રીય વિજેતા બાળવૈજ્ઞાનિકોને તૈયાર કરતી ધોળકીયા સ્‍કુલ

રાજકોટ : અકિલા કાર્યાલય ખાતે ધોળકીયા સ્‍કુલના બાળવૈજ્ઞાનિકો ધ્‍વની સોજીત્રા અને સાક્ષી ખૂંટ નજરે પડે છે. બાજુમાં માર્ગદર્શક આકાશભાઇ કચ્‍છી અને સંચાલક જીતુભાઇ ધોળકીયા તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૧૯ : ભારતમાં શાળા કક્ષાના બાળકોમાં રહેલા નવીનતમ વિચારોને રીસર્ચ પેપર (સંશોધનપત્ર) સ્‍વરૂપે રજૂ કરવા માટે દર વર્ષે સાયન્‍સ સોસાયટી ઓફ ઈન્‍ડિયા (SSI) દ્વારા  ઈન્‍સેફ નેશનલ ફેર'નું આયોજન થતું હોય છે અને આ ફેરમાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ પ્રોજેક્‍ટસ્‌ અમેરિકા અને વિશ્‍વના અન્‍ય દેશોમાં યોજાતા ઈન્‍ટરનેશનલ સાયન્‍સ ફેરમાં ભારતદેશનું પ્રતિનિધિત્‍વ કરવા જતા હોય છે.

વૈજ્ઞાનિકોની ઝીણવટભરી તપાસ - સંશોધનની ગુણવત્તા - ઉપયોગિતા અને બાળવૈજ્ઞાનિકો  સાથેના ઈન્‍ટરવ્‍યુના આધારે તેમાંથી પસંદગી કરીને શ્રેષ્ઠ સંશોધનોને નેશનલ ફેર માટે પસંદ કરવામાં આવ્‍યા હતા. આ ફેરમાંથી શ્રેષ્ઠ સંશોધન તરીકે સમગ્ર ગુજરાતમાંથી પાંચ પ્રોજેક્‍ટ પસંદગી પામ્‍યા છે. તેમાંના ચાર પ્રોજેકટ ધોળકિયા સ્‍કૂલના બાળવૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા સંશોધનો છે. આવી જ રીતે બેંગ્‍લોર, ચેન્‍નઈ, મુંબઈ, કલકત્તા, પુત્તુર, રાયગઢ વગેરે સ્‍થળે યોજાયેલ રીજીઓનલ ફેરમાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ પ્રોજેક્‍ટ નેશનલ સાયન્‍સ ફેરમાં રજૂઆત પામ્‍યા હતા.

તેમાંનો એક પ્રોજેક્‍ટ ધો. ૬ માં અભ્‍યાસ કરતા શ્રીમતિ રેખાબેન અને શૈલેષભાઈ સોજીત્રાની સુપુત્રી ચિ. ઘ્‍વનિ અને શ્રીમતિ નીતાબેન અને વિપુલભાઈ ખૂંટની સુપુત્રી ચિ. સાક્ષીએ ઝૂલતા પુલની સેફટી માટે સેફટી મોનીટરિંગ સિસ્‍ટમ વિકસાવેલ છે. ૧૯૭૫ માં મચ્‍છુ ડેમ તૂટયો અને અનેક લોકો એ પોતાના સ્‍વજનો ગુમાવ્‍યા.... એ ઘટના હજુ મોરબીના માનસપટ પરથી ભૂંસાઈ નથી. ત્‍યાં જ ૩૦ ઓક્‍ટોબર, ૨૦૨૨ના ફરી પાછી મોરબી એ એક ગોઝારી દુર્ઘટનાનો અનુભવ કર્યો. ૧૨૫ વર્ષથી વધુ જૂનો મોરબીનો ઝૂલતો પુલ તુટી પડયો અને કેટકેટલા લોકોએ પોતાના જાન ગુમાવ્‍યા આવી ગોઝારી ઘટનાથી દ્રવિત થવાની સાથે જ પ્રેરિત થયેલા ધોળકિયા સ્‍કૂલના બાળવૈજ્ઞાનિકો સોજીત્રા ઘ્‍વનિ અને ખૂંટ સાક્ષીએ એવો સાયન્‍સ પ્રોજેકટ બનાવ્‍યો કે જેમાં ઝૂલતો પુલ તુટી જ ના પડે. આ બાળ વૈજ્ઞાનિકોએ ઝૂલતા પુલની નાની પ્રતિકૃતિ તૈયાર કરી પ્રાયોગિક રીતે તેની સાથે વેઈટ બેલેન્‍સ તેમજ કાઉન્‍ટર સર્કિટ પણ મૂકી.

જ્‍યારે કોઈપણ વ્‍યક્‍તિ બ્રીજ પર દાખલ થશે ત્‍યારે એ વ્‍યક્‍તિની સંખ્‍યા તેમજ વજન ગણાશે તેમ જ બ્રીજ ઉપર રહેલા લોકોના કુલ વજનની પણ ગણતરી થશે અને બ્રીજની ક્ષમતા કરતા વજન વધશે અથવા માણસોની સંખ્‍યા વધશે ત્‍યારે તરત જ બ્રીજના ગેટ પાસે રહેલું બેરીગેટ બંધ થશે તેમ જ એલર્ટ મેસેજ સ્‍વરૂપ સાયરન વાગશે સાથે સાથે બ્રીજની સારસંભાળ લેનાર ઓથોરિટીને મોબાઈલ ઉપર મેસેજ આવશે પરિણામે થતી જાનહાની તેમજ પ્રોપર્ટીને થતું નુકસાન અટકાવી શકાશે. આ બાળવૈજ્ઞાનિકોનો પ્રોજેકટ નેશનલ સાયન્‍સ ફેર-૨૦૨૪ માં રજૂ પામ્‍યો હતો.

રાષ્‍ટ્રીયકક્ષાના વિજ્ઞાન મેળામાં મેડલ પ્રાપ્‍ત કરતાની સાથે જ વૈજ્ઞાનિકો અને સાયન્‍સ એક્‍સપર્ટ દ્વારા આ પ્રોજેકટને વધુ સાયન્‍ટિફિક બનાવવા માટે ચેલેન્‍જ મળેલ હતી. શાળાના બાળવૈજ્ઞાનિક સાક્ષી અને ઘ્‍વનિએ ઝૂલતા પુલ'ની સેફટી માટે વિકસાવેલ સેફટી મોનિટરિંગ સિસ્‍ટમનું ટેસ્‍ટીંગ કરવા માટે ઝૂલતા પુલના પ્રોટોટાઈપ મોડેલની જરૂર પડે છે. આથી બંને દીકરીઓએ તેમના ભાઈ ચિરાગભાઈ સાથે આ પ્રોજેકટ પર કામ કરવા લાગી પડયા.

વિદ્યાર્થીઓની સખત મહેનત અને પરિશ્રમ તથા શાળાના શિક્ષકોના સતત માર્ગદર્શનથી ઝૂલતા પુલના આબેહૂબ પ્રોટોટાઈપ મોડેલ તૈયાર કર્યુ જે એક ટેબલની સાઈઝનું બનાવવામાં આવ્‍યું અને આ પુલ ઉપર ૫૦ કિલોનું વજન સરળતાથી સહન કરી શકે તેવી ક્ષમતાનું મોડેલ તૈયાર કર્યા બાદ સેફટી મોનિટરિંગ સિસ્‍ટમ તેની સાથે જોડવામાં આવી અને બ્રીજ પર પાંચ કિલોની ક્ષમતા સેટ કરવામાં આવી. આ માટે તેની સાથે ચાર લોડ સેલ લગાવવામાં આવ્‍યા તેમજ બ્રીજના બંને ગેટ પાસે વાઈબ્રેશન સેન્‍સર લગાવવામાં આવ્‍યું. આ તમામ સેન્‍સર્સને પ્રોગ્રામેબલ સર્કિટ સાથે લગાવી પ્રોગ્રામિંગ કરવામાં આવ્‍યું અને ત્‍યારબાદ ટેસ્‍ટીંગ કરવામાં આવ્‍યું આ ટેસ્‍ટીંગ મુજબ બ્રિજ નિતિ ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં આંદોલિત થશે એટલે કે ઝૂલશે તો તરત જ તેના સિગ્નલ ઓથોરિટીને મોકલાઈ જશે જેથી સમયસર સમારકામ કરી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે વિજ્ઞાનક્ષેત્રે ધોળકિયા સ્‍કૂલના બાળવૈજ્ઞાનિક સતત અવ્‍વલ રહ્યા છે. નાનપણથી જ બાળકોમાં વૈજ્ઞાનિક સંશોધન વૃદ્ધિ કેળવાય, એનાલીટીકલ એટીટયુડ કેળવાય તે માટે વિજ્ઞાનમેળા, વૈજ્ઞાનિક ડીબેટ, વકતૃત્‍વ સ્‍પર્ધા, વૈજ્ઞાનિક રમકડાં, વૈજ્ઞાનિક પ્રયોગો જેવા અનેક વિજ્ઞાન આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ ઉત્‍સાહપૂર્વક ભાગ લે તેમજ વિજ્ઞાનમેળામાં દરેક બાળક નવીનત્તમ વિચાર સાથે પોતાનો પ્રોજેકટ અથવા પ્રોજેકટના વિચારો રજુ કરે છે. ક્રમશઃ શાળાકક્ષા, આંતર શાળાકક્ષા, શહેર જિલ્લા, રાજ્‍ય અને રાષ્‍ટ્રકક્ષા સુધી પ્રોજેકટની પસંદગી પામે છે અને વિદ્વાન પ્રાઘ્‍યાપકો, શાળાના વિજ્ઞાન શિક્ષકોની ટીમ તેમજ રાજકોટની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીના એકસપર્ટ તેમજ ભારતની વિવિધ વૈજ્ઞાનિક સંસ્‍થાના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન સાથે સંશોધન અને પ્રોજેકટને ગુણવત્તાસભર બનાવવામાં આવે જેથી બાળકોના મગજમાં આવેલા એક નવીનત્તમ વિચારને ખુબ જ ઉપયોગી એવા સંશોધન પ્રોજેકટમાં વિકસાવી શકાય છે અને સમગ્ર માનવજાત માટે સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ આધારિત સંશોધનો થતાં રહે તે માટે ધોળકિયા શાળા પરિવાર દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે

(4:05 pm IST)