Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલયની ૧૮ મી સાલગીરીએ ધાર્મિક આયોજનો સંપન્ન : ૧૮ ઘરોમાં પરમાત્‍માની ધજાની પધરામણી

પંચ દિવસીય મહોત્‍સવમાં સિધ્‍ધચક્ક પૂજન, પંચકલ્‍યાણક પૂજા, સામુદાયીક સામાયીક યોજાયા :પૂ.જે.પી.ગુરૂદેવની નિશ્રામાં આધુનિક ધર્મશાળા-ભોજનશાળાનું ખાતમુહુર્તઃ પૂ.ગુરૂજીના ૪૩માં દિક્ષાદિને ધ્‍યાન કળશ યાત્રા યોજાઇ

રાજકોટ, તા., ૧૯: શહેરની જનતાના આસ્‍થાના કેન્‍દ્રસમા શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ દાદાના જિનાલયની અઢારમી સાલગીરી પ્રસંગે પૂ. ક્રાંતિકારી પ્રવચનકાર મુનિ શ્રી જય પ્રભ વિજયજી  (જે.પી.ગુરૂદેવ)ની નિશ્રામાં અવિસ્‍મરણીય કાર્યક્રમ આયોજીત  થયેલ. જેમાં પાંચ દિવસીય મહોત્‍સવમાં શ્રી સિધ્‍ધચક્ર પૂજન, પાર્શ્વનાથ ભગવાનની પંચકલ્‍યાણ પૂજા, સામુદાયીક સામાયીક આદિ વિવિધ આયોજનમાં ઉત્‍સાહપુર્વક સર્વ ભાગ્‍યશાળીઓએ લાભ લીધેલ.

વિશષરૂપે ૧૮ મી સાલગીરી પ્રસંગે પરમાત્‍માની ધજા (રાજકોટમાં પ્રથમ વખત) ૧૮ ઘરમાં પધરામણી થયેલ અને એમાં લોકોએ ઉત્‍સાહપુર્વક ભાગ લીધેલ હતો.

સોનામાં સુગંધ ભળે તેમ પ.પૂ. તથાગચ્‍છાધિપતી આ.શ્રી વિ.પ્રેમસુરીશ્વરજી મહારાજના દિવ્‍ય આશીષ તથા શ્રી ગુરૂપ્રેમના આજીવન ચરણોપાસક પ.પૂ. ગચ્‍છાધિપતી આ.શ્રી વિ.કુલચંદ્રસુરીશ્વરજી (કે.સી.મ. સા.ની) પાવન પ્રેરણા તથા સહયોગથી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થમાં  લાભાર્થી પરીવાર દ્વારા  એ.સી.તથા નોન એસી ૪૬ રૂમની આધુનિક ધર્મશાળા તેમજ ભોજનશાળાનું ખાતમુહુર્ત કરવામાં આવેલ છે. જે ટુંક સમયમાં તૈયાર થઇ લોકોની સેવા માટે ખુલ્લુ મુકવામાં આવશે.

વિશેષરૂપે ૧૪ના રોજ પૂ.મુની શ્રી જયપ્રભ વિજયજી (જે.પી.ગુરૂદેવ) નો ૪૩ મો દીક્ષા દિવસ ઉજવવામાં આવેલ. જેમાં ૪૩ લકઝરી ગાડીઓ દ્વારા શ્રી મણીયાર દેરાસરથી શ્રી નાગેશ્વર દેરાસર સુધી ધ્‍યાન કળશયાત્રાનુ આયોજન કરવામાં આવેલ. જેમાં ધ્‍યાન શીબીર અને પાંચ કલરના ૪૩૦૦ બલુન વિધશાંતિ અર્થે આકાશમાં છોડવામાં આવેલ. આ પાંચ દિવસના પ્રસંગમાં સેવા આપનાર તમામ મંડળો, સ્‍વયંસેવકો તથા સેવા આપનાર તમામનો શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ વતી પ્રમુખ ડો. હરીશભાઇ મહેતા મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.ભરતભાઇ મહેતા તથા સર્વે ટ્રસ્‍ટીગણે આભાર વ્‍યકત કર્યો હતો.

પૂ.જે.પી.ગુરૂદેવનું મૌન જાપ ૧૪ થી ર૩ માર્ચ સુધી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થના ઉપાશ્રયમાં સુખરૂપ ચાલી રહેલ છે.

(4:04 pm IST)