Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

ગોંડલના રાણસીકી ગામે ડાક-ડમ્‍મર સાથે ચામુંડા માતાજીનો નવરંગો માંડવો

શનિવારે રાવરાણી પરિવારના માતાજીના મઢે ભવ્‍ય આયોજન :રાવળદેવ ધર્મેશભાઇ અને ધીરૂભાઇ ડાકની રમઝટ બોલાવશે : દર્શન-પૂજન, મહાપ્રસાદ, દાંડિયારાસ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

રાજકોટ : ગોંડલ તાલુકાના રાણસીકીમાં આવેલ રાવરાણી પરિવારના માતાજીના મઢ ખાતે શ્રી ચામુંડા માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ તકે માતાજીના માંડવામાં  સુપ્રસિદ્ધ રાવળદેવ ધર્મેશભાઇ અને રાવળદેવ ધીરુભાઇ કાથડભાઇ ડાક-ડમ્‍મર સાથે માતાજીની આરાધના કરશે. આ સમગ્ર કાર્યક્રમ તા. ૨૩ માર્ચને શનિવારે આખો દિવસ યોજાશે. જેમાં શનિવારે સવારે ૭ કલાકે થાંભલી રોપવામાં આવશે, બપોરે ૧૨ કલાકે તથા સાંજે ૬ કલાકે મહાપ્રસાદ, સાંજે ૭ કલાકે દાંડિયારાસ રાખેલ છે. આ તકે ભરતભાઇ રાવરાણી અને વિપુલભાઇ રાઠોડ દાંડિયા રસિકોને રાસ-ગરબાની રમઝટ સાથે ડોલાવશે.

૨૪ કલાક યોજાનાર ચામુંડા માતાજીના નવરંગા માંડવાનું આયોજન ભૂવાશ્રી કિશોરભાઇ નાનજીભાઇ રાવરાણી, નટુભાઇ નાનજીભાઇ રાવરાણી, રમેશભાઇ નાનજીભાઇ રાવરાણી અને પ્રકાશ રમેશભાઇ રાવરાણી દ્વારા કરવામાં આવ્‍યું છે. આ તકે કળના (ચામુંડા માતાજી)ભૂવાશ્રી કિશોરભાઇ રાવરાણી અને કલમના ભૂવાશ્રી મનસુખભાઇ બોઘાભાઇ વીરડિયા(ખોડિયાર માતાજી) ઉપરાંત કાર્યક્રમના માર્ગદર્શક સડક પીપળિયા મકનબાપા સેવાધામના ગાદીપતિ અને ગૌ ભક્‍તશ્રી નરેન્‍દ્ર ભગતની પ્રેરક ઉપસ્‍થિતિ રહેશે.

આ તકે માતાજીના માંડવામાં કુટુંબના ભૂવાશ્રી વડિયાના કાળુભાઇ રાવરાણી, વિપુલભાઇ રાવરાણી, જમનાવડ મઢના મનજીભાઇ રાવરાણી, કાળુભાઇ રાવરાણી, ભૂખી મઢના અશ્વિનભાઇ રાવરાણી તેમજ ભાયાવદર અને બધિયા મઢના મોહનભાઇ રાવરાણી ઉપસ્‍થિત રહેશે. આ સાથે માંડવાના ભુવાશ્રીઓમાં ખોડિયાર માતાજી, ચામુંડા માતાજી, મોમાઇ માતાજી, મચ્‍છો માતાજીના ભૂવાશ્રીઓ બિરાજશે. તેમજમ જેસલપીરના ભૂવા અને કમઢિયા મામા સરકાર માંડવાના ભૂવાશ્રીઓ બિરાજમાન થશે.

આ સમગ્ર ધાર્મિક પ્રસંગે ચામુંડા માતાજીના માંડવાના પ્રસંગે ભુવાશ્રીઓ તથા રાવરાણી પરિવાર દ્વારા ભક્‍તોને માતાજીના દર્શન કરવા, મહા-સાદ તેમજ પૂજનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(4:03 pm IST)