Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

શનિવારે ઢેબરા તેરસ : પાલીતાણા છ ગાઉ યાત્રામાં ભાવિકો ઉમટશે

ડુંગર ઉપર ૧૨૫૦ નાના-મોટા દહેરાસરો : શેત્રુંજય પર્વત ઉપર કુલ ૩૫૦૦ પગથીયાઃ પાલમાં ઢેબરા, દહિં, લાડવા ગાંઠીયા, ખાખરા, લીલી દ્રાક્ષ, તરબુચ, લચ્‍છી, તજ- લવીંગ વળીયારીના શરબતો પિરસાશેઃ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત, એસ.ટી. બસો સતત દોડશે

રાજકોટ તા. ૧૯ : જૈન સમુદાયમાં વિશેષ મહત્‍વ ધરાવતી શેતુંજય તિર્થની છ ગાઉ યાત્રાનો પાલીતાણા ખાતે તા. ૨૩ માર્ચને શનિવારે વહેલી પરોઢે શરૂ થશે. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રામાં લાખો જૈન અને જૈનતરો ઉપરાંત વિદેશી ભાવિકો જોડાશે. ફકત રાજકોટ શહેરમાં જ ૩૫ થી ૪૦ બસો દ્વારા યાત્રાળુઓ પાલીતાણા પહોંચશે.

સમગ્ર જૈન સમાજમાં પાલીતાણા છ ગાંઉ યાત્રાનું વિશેષ મહત્‍વ રહેલું છે. એક લોકવાયકા મુજબ ફાગણ શુદ ૧૩ના દિવસે ભગવાન શ્રી કૃષ્‍ણના પુત્રો શામ્‍બા અને પ્રદ્યુમન સાડા આઠ કરોડ મુનિઓ સાથે અનશન કરીને પાલીતાણા પર્વત ઉપર છ ગાઉની પ્રદિક્ષણા કરીને ‘મોક્ષ' પદને પામ્‍યા હતાં. શેતુંજય પર્વત ઉપર સાડા ત્રણ હજાર પગથીયા ચડીને ફકત આજના ફાગણ શુદ ૧૩ના દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્‍તો પસાર કરી, આદેશ્વરદાદાના પક્ષાલનું જલ જે કુંડમાં આવે છે. ત્‍યાં દર્શન કરી, ત્‍યાંથી અજીતનાથ સ્‍વામી એનશાંતિનાથ સ્‍વામીની ડેરીએ યાત્રાળુઓ શાંતિસ્ત્રોતનું સ્‍મરણ કરે છે. ચંદન તલાવડીએ ઉકાળેલા પાણીની પ્રસાદી લઈ, હસ્‍તગીરી તિર્થ અને શિધ્‍ધશીલા ગુફા, સૂરજ કુંડના દર્શન કરી, કેડી રસ્‍તે આદપૂર ગામે ખુલ્લા મેદાનમાં વિશાળ જગ્‍યામાં ઉભા કરાયેલા પાલમાં પહોંચશે. યાત્રા દરમ્‍યાન રસ્‍તામાં ઠેર ઠેર પાણીની વ્‍યવસ્‍થા, મેડીકલ સહાય, કોલોનવોટરવાળા નેપકીનો, પાણીના ફુવારા, ચુસ્‍ત બંદોબસ્‍ત વિ.વ્‍યવસ્‍થા શેઠ શ્રી આણંદજી કલ્‍યાણજીની પેઢી દ્વારા કરવામાં આવી રહેલ છે.

કુલ ૩૫ જેટલા ડોમમાં ભાવિક યાત્રાળુઓનું પગના અંગૂઠા ધોઈને બહુમાન કરી, કુમકુમ તિલક કરી, સિકકાઓ દ્વારા બહુમાન કરવામાં આવે છે. અંદાજીત ૫૦થી ૬૦ પ્રભાવના (સિકકા) આપવામાં આવે છે, યાત્રાળુઓ આ રકમ વિવિધ ગૌશાળાની દાનની પેટીમાં પધરાવી દેતા હોય છે.

રાજકોટ શહેરમાંથી જ અંદાજીત ૩૫ થી ૪૦ લકઝરી બસો પાલીતાણા યાત્રામાં જોડાશે. છેલ્લા ૩૬ વરસ થયા સતત એટલે કે ૧૯૮૩ની સાલથી કોઈપણ જાતના વિધ્‍ન વિના દર વરસે ૪ થી ૫ બસોમાં જૈન તથા જૈનેતર ભાવિકોને કોઈપણ જાતના ડોનેશન મેળવ્‍યા વગર ફકત ટોકન ચાર્જથી યાત્રા કરવામાં જૈન જાગૃતિ સેન્‍ટરના પૂર્વ પ્રમુખ તથા લાખાજીરાજ મરચન્‍ટ એસોસીએશનના પ્રમુખ મહેશભાઈ મહેતાનું આણંદજી કલ્‍યાજી શેઠની પેઢી દ્વારા દર વરસે સન્‍નમાન કરી શાલ ઓઢાડવામાં આવે છે.

યાત્રા દિવસે દરેક પાલમાં શુધ્‍ધ જૈન વાનગીઓમાં ચા- દુધ, તજ- લવીંગનો ઉકાળો, લીબું- વળીયારીનું શરબત, રાજસ્‍થાની લચ્‍છી, ઢેબરા, પુરી થેપલા, દહિં, ખાખરા, સેવ- ગાઠીયા- બુંદી, પપૈયાનો સંભારો, લીલી- કાળી દ્રાક્ષ, તરબુચ વિ. વ્‍યંજનો યાત્રાળુઓને આગ્રાહપૂર્વક આમંત્રીત કરી, પુરેપુરા આતિથ્‍ય ભાવથી બેસાડીને પીરસવામાં આવે છે. રાજકોટના ૧૪ થી ૧૫ નંબરના બે પાલની વ્‍યવસ્‍થા વર્ધમાન નગર સંયુકત અરાધક મંડળના હોદ્દેદારો સેવા આપે છે. જયારે ગાંધીગ્રામ જૈન યુવા મંડળના કાર્યકરો દ્વારા પણ ૮ થી ૧૦ બસોનું ટોકનદરે આયોજન થતું હોય છે.

શેઠ આણંદજી કલ્‍યાણજીની પેઢીના સીનીયર મેનેજર અપૂર્ણ રમણલાલ શાહ,ᅠ ટ્રસ્‍ટી શ્રીપાલભાઈ, કલ્‍પેશભાઈ શાહ, ભાવનગરના મનિષભાઈ શાહ વિ.જહેમત ઉઠાવી રહેલ છે. ડીવાય.એસ.પી. તથા કલેકટર દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત, એસ.ટી.ની વધારાની ૫૦ બસો આખો દિવસ ફેરા કરશે. ડોકટરોની ટીમ, એમ્‍બ્‍યુલન્‍સ, ફીઝીયોથેરાપીસ્‍ટો વિ.ની સેવાઓ ગોઠવાયેલ છે.

યાત્રાળુઓને આરામ માટે વિશાળ ડોમમાં ગાદલા, પંખા વિ.સુવિધાઓ સાથે અદપૂરમાં ઉભા કરાયેલ દેરાસરમાં સ્‍નાનવીધી તથા નવા પૂજાના કપડાની જોડની પણ વ્‍યવસ્‍થા કરાયેલ છે. આયંબીલ અને એકાસણાના પાલની સાથે ઉકાળેલા પાણીની પણ વ્‍યવસ્‍થા કરાયેલ છે.

યાત્રા દરમ્‍યાન કુલ ૧૨૫૦ નાના- મોટા દહેરાસરના દર્શનો લાભ લેવા માટે સમગ્ર દેશમાંથી લાખો ભાવીકો ઉમટી પડશે. મુંબઈ, વડોદરા, શિહોર, જેસર, વઢવાણ, પાલીતાણા, નોંધણવદર, કલકત્તા, અમદાવાદ, વસલાડ,ᅠᅠ દિહોર- રાજસ્‍થાન, સુરત, રાજકોટ, ડભોઈ, લતીપર, ચેન્‍નાઈ, ભાવનગર, લીંબડી વિ.સેન્‍ટરોના કાર્યકરો સેવા ભાવથી પાલ ભકિત કરતાં હોય છે. અહિંની આતિથ્‍ય ભાવના પામવીએ પણ જીંદગીનો મોટો લ્‍હાવો છે.(૨૧.૧૬)

પાલીતાણા છ ગાઉ યાત્રામાં જવાની વ્‍યવસ્‍થા

રાજકોટઃ જૈન શ્રધ્‍ધા સોસાયટીના પ્રમુખᅠ મહેશભાઈ મહેતાની યાદીમાં જણાવ્‍યા મુજબ પાલીતાણા યાત્રામાં જવા માટે તા. ૨૩ માર્ચને શનિવારે યાત્રાળુઓને ફકત ટોકન દરથી લકઝરી ૩ થ ૨ બસ અને સ્‍લીપર કોચમાં લઈ જવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે નામ લખાવવા માટે કુમારીકા શો રૂમ, (મહેતા ટાઈપ બિલ્‍ડીંગ), લાખાજીરાજ રોડ, રાજકોટ મો.૯૮૨૪૨ ૪૪૫૫૦/ મો.૯૯૨૪૨ ૪૪૫૫૦. રાજકોટથી ઉપડતી તમામ બસો શુક્રવારે તા.૨૨ માર્ચ રાત્રે ૧૦.૩૦ આસપાસ ઉપડશે.

દેરાસરોમાં શત્રુંજય ભાવયાત્રા

પાલીતાણાની છ ગાઉ યાત્રામાં જે ભાવિકો નથી જઇ શકતા તેમના માટે દેરાસરોમાં શત્રુંજય ભાવયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સાથે જ પાલ સેવા પણ યોજાઇ છે. ઉપરાંત પરમાત્‍માને મનમોહક આંગી રચવામાં આવે છે.

જૈનોની ભાવયાત્રાનું નામ છ ગાઉં કેમ પડયું?

પાલીતાણાની આ યાત્રા તળેટીથી શરૂ થઈને કેડી રસ્‍તે સિધ્‍ધવડ પહોંચે તે માર્ગ આશરે ૧૬ કિલોમીટરનો છે. જે દેશી માપ પ્રમાણે છ ગાંઉ થાય. તેથી વરસો પહેલા આ યાત્રા છ ગાઉં તરીકે ઓળખાય છે.

જૈનોની ભાવયાત્રાનું નામ છ ગાઉં કેમ પડયું?

પાલીતાણાની આ યાત્રા તળેટીથી શરૂ થઈને કેડી રસ્‍તે સિધ્‍ધવડ પહોંચે તે માર્ગ આશરે ૧૬ કિલોમીટરનો છે. જે દેશી માપ પ્રમાણે છ ગાંઉ થાય. તેથી વરસો પહેલા આ યાત્રા છ ગાઉં તરીકે ઓળખાય છે.

શેત્રુંજય- ગીરીરાજ પર્વત

આ પર્વતની ઉંચાઈ આશરે ૬૦૩ મીટર છે. કુલ પગથીયા ૩૫૦૧ છે. જેમ છᅠ ગાઉંની યાત્રા છે તેમ દોઢ ગાઉંની અને બાર ગાંઉની પણ પ્રદક્ષિણા યાત્રા પણ છે. શત્રુંજય તીર્થનું નામ એટલે પડયુ કે, મનના શત્રુઓનો નાશ કરી, અસિમ શાંતિ, આનંદનો અનુભવ કરાવનાર પવિત્ર પર્વત. ઋષભદેવ તિર્થકરે આ પર્વતની ૯૯ વાર યાત્રા કરી હતી. તેથી હજારો ભાવિકો ૯૯ યાત્રા પણ કરે છે.

 

(5:17 pm IST)