Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડને કિલ્લેબંધીઃ પોલીસ, સિકયુરીટીનો બંદોબસ્તઃ દાદરો બંધ, લિફટનો જ ઉપયોગ કરવાનો

એક યુવાનનો કોરાનાનો રિપોર્ટ શંકાસ્પદ જાહેર થયાના પગલે તંત્ર વધુ એલર્ટ થયું

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓને સારવાર આપવા અને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે ખાસ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં આજના દિવસે ત્રણ શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓ દાખલ છે. જેમાં જંગલેશ્વરના એક યુવાનનો જામનગરથી આવેલો રિપોર્ટ અસ્પષ્ટ હોઇ ફરીથી સેમ્પલ લઇને પુના લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ સંભવતઃ આજે સાંજ સુધીમાં આવશે. તકેદારીના ભાગ રૂપે સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડને કિલ્લા જેવી સુરક્ષા આપી દેવામાં આવી છે. જ્યાં આ વોર્ડ છે તેમાં નીચેના ભાગે ઇમર્જન્સી વિભાગ, ઉપરના માળે પ્રસુતિ ગૃહ અને એથી ઉપર આઇસોલેશન તથા સ્વાઇન ફલુ વોર્ડ છે. અત્યાર સુધી ઉપરના બંને વોર્ડમાં ગમે તે લોકો આવ-જા કરી શકતા હતાં. પરંતુ હવે દર્દીઓ અને તેની સાથે જરૂરીયાત મુજબ એક જ સગા ઉપરના વોર્ડમાં જઇ શકશે. આ વોર્ડ તરફ જવા માટેનો દાદરો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ઇમર્જન્સીમાં દર્દી અને તેના સગાને ફરજીયાત લિફટનો ઉપયોગ કરવાનો રહેશે. અલગ-અલગ બે લિફટનો ઉપયોગ થઇ શકશે. પોલીસ કર્મચારીઓ અને સિવિલ હોસ્પિટલની સિકયુરીટીને સતત રાઉન્ડ ધ કલોક આઇસોલેશન વોર્ડ ખાતે બંદોબસ્ત રાખવા સુચના અપાઇ છે. તસ્વીરમાં આઇસોલેશન અને ઇમર્જન્સી વોર્ડ તરફ જતાં મુખ્ય રસ્તા પર બેરીકેટ મુકાયા તે અને સિકયુરીટી ગાર્ડ તથા અંદર દાદરાનો રસ્તો બંધ કરાયો તે દ્રશ્ય અને બેરીકેટ જોવા મળે છે.

(3:23 pm IST)