Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

રાજકોટ રેલ્‍વે યાર્ડમાં ટ્રેનની ઝીણવટપૂર્વક સાફ-સફાઈ : રીઝર્વ કોચ, જનરલ કોચ સહિત તમામ ડબ્‍બા સેનીટાઈઝ કરવામાં આવે છે

રાજકોટ : છેલ્લા ત્રણ માસથી ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે આજે વિશ્વના લગભગ ૧૪૦ દેશોને વધતી - ઓછી માત્રામાં ભરડો લીધો છે. ગુજરાતમાં હજુ કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી છતાં સરકારી તંત્ર તકેદારીના તમામ પગલાઓ લઈ રહ્યું છે. સૌથી વધુ ભીડ-ભાડ રેલ્‍વે સ્‍ટેશનો અને ટ્રેનમાં રહેતી હોવાથી તાજેતરમાં લાંબા અંતરની ટ્રેનો રદ્દ કરી નાખવામાં આવી છે. તો બીજી તરફ મુસાફરોનો ટ્રાફીક ન મળતો હોવાને કારણે પણ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પ્‍લેટફોર્મ ઉપર મુસાફરોને તેડવા-મૂકવા માટે બિનજરૂરી રીતે ઉમટી પડતા લોકો ઉપર રોક લગાવવા પ્‍લેટફોર્મ ટીકીટના દર અનેકગણા વધારી દેવાયા છે. જેના સીધા પરિણામો મળી રહ્યા છે. ૨૪ કલાક ધમધમતુ રહેતુ રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન ગઈકાલે સુમસામ ભાસતુ હતું. રેલ્‍વે યાર્ડમાં ટ્રેનોને હોલ્‍ટ કરી દેવામાં આવી છે. સાથોસાથ ગંદકીગ્રસ્‍ત આવી ટ્રેનોની સાફ-સફાઈ પણ તીવ્રતાથી હાથ ધરવામાં આવી છે. જે તસ્‍વીરમાં નજરે પડે છે. રીઝવ કોચ, અન રિઝવ્‍ડ કોચ સહિતના ડબ્‍બાઓની સફાઈ કામદારો દ્વારા ઝીણવટભરી સાફસફાઈ થઈ રહી છે. દરેક કોચમાં સેનેટાઈઝર ઉપલબ્‍ધ બનાવવામાં આવ્‍યા છે. (ફોટો : સંદિપ બગથરીયા)

(1:04 pm IST)