Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

મહિકા પાસે 'કટીંગ' થાય એ પહેલા આજીડેમ પોલીસનો દરોડોઃ ૯ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે બે ઝડપાયા

રાજસ્થાનના ઓમપ્રકાશે 'માલ' મોકલ્યો'તોઃ ડ્રાઇવર પ્રહલાદરામ અને સાથેનો પન્નારામ પકડાયાઃ ૩૦૬૦ બોટલો, ટ્રક, બે બાઇક મળી કુલ ૧૯.૬૯ લાખનો મુદ્દામાલ કબ્જેઃ ડિલીવરી સફળ થાય પછી ડ્રાઇવરને રૂ. ૫૦ હજાર ઓમપ્રકાશ આપવાનો હતોઃ પીઆઇ વી. જે. ચાવડા અને ટીમનો સફળ દરોડો : ડીસીબીની ટીમે દોશી હોસ્પિટલ નજીકથી ૨૨૯૬ બોટલ દારૂ ભરેલી કાર પકડીઃ ધર્મેશ ટાંકની શોધખોળ

ડીસીબીની ટીમે પકડેલો દારૂ પ્રથમ તસ્વીરમાં અને આજીડેમ પોલીસે જે બે રાજસ્થાની શખ્સને પકડ્યા તે બીજી તસ્વીરમાં જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: દારૂના બુટલેગરો પર પોલીસની ધોંસ યથાવત રહી છે. આજીડેમ પોલીસે ભાવનગર રોડ પર મહિકા ગામ નજીકના મેદાનમાં કટીંગ થાય એ પહેલા દરોડો પાડી બે રાજસ્થાની શખ્સને રૂ. ૯.૧૮ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે પકડી લીધા છે. દારૂ, ટ્રક, બે બાઇક મળી કુલ રૂ. ૧૯,૬૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. મોકલનાર તરીકે રાજસ્થાની શખ્સનું નામ સામે આવ્યું છે. બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચની ટીમે દોશી હોસ્પિટલ પાસેથી રૂ. ૧,૨૯,૬૦૦નો દારૂ ભરેલી કાર કબ્જે કરી હતી. જેનો ચાલક હાથમાં આવ્યો નહોતો.

આજીડેમ પોલીસે મહિકાથી આગળ ઠેબચડા ગામ તરફ જતાં રસ્તા પર મેદાનમાં દરોડો પાડી રાજસ્થાન બાડમેરના ભાડા ગામના પ્રહલાદરામ વાલારામ હુડ્ડા (જાટ) (ઉ.૨૧) તથા સાથેના પન્નારામ તેજારામ હુડ્ડા (જાટ) (ઉ.૨૦)ને પકડી લીધા હતાં. આ બંને ટ્રક નં. આરજે૧૯જીએ-૩૨૭૨માં રૂ. ૯,૧૮,૦૦૦નો ૩૦૬૦ બોટલ દારૂ ભરીને આવ્યા હતાં. પોલીસે દારૂ, ટ્રક, બે બાઇક તથા બે ફોન મળી કુલ રૂ. ૧૯,૬૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ઝડપાયેલા પ્રહલાદરામે પુછતાછમાં જણાવ્યું હતું કે પોતાને આ દારૂ રાજસ્થાનના ઓમપ્રકાશ રૂઘનાથે આપ્યો હતો. રાજકોટ પહોંચ્યા પછી માલ ઉતારી પોતે પરત રાજસ્થાન જાય ત્યારે પોતાને તે ૫૦ હજાર રૂપિયા મહેનતાણાના આપશે તેવી વાત થઇ હતી. માલ મંગાવનાર ડાયરેકટ ઓમપ્રકાશ સાથે વાત કરતો હતો. પોતાને ઓમપ્રકાશ સુચના આપે એ રીતે ટ્રક લઇને પહોંચવાનું હોઇ દારૂ કોણે મંગાવ્યો તેનાથી પોતે અજાણ હોવાનું તેણે રટણ કર્યુ હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડની સુચના  મુજબ આજીડેમના પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ સી. એસ. પટેલ, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, ભરતસિંહ પરમાર, શૈલેષભાઇ ભીંસડીયા, કોન્સ. શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ ઝાલા અને જયેશભાઇ ગઢવી પેટ્રોલીંગમાં હતાં ત્યારે શૈલેષભાઇ નેચડા અને જયેશભાઇ ગઢવીની બાતમી પરથી સફળ દરોડો પાડવામાં આવ્યો હતો.

ક્રાઇમ બ્રાંચનો દરોડો

એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પીઆઇ એચ.એમ. ગઢવીની સુચના મુજબ એએસઆઇ બળભદ્રસિંહ જાડેજા, હેડકોન્સ. મહિલપાલસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, ચેતનસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી મળતાં એચ. જે. દોશી હોસ્પિટલ પાસે જીજે૦૩વાય-૨૨૧ નંબરની તૂફાન ગાડી અટકાવાતાં ચાલક ગાડી મુકીને ભાગી ગયો હતો. જેમાંથી રૂ. ૧,૨૯,૬૦૦નો ૧૨૯૬ બોટલ દારૂ મળ્યો હતો. દારૂ તથા તૂફાન ગાડી મળી કુલ રૂ. ૨,૭૯,૬૦૦નો મુદમાલ કરાયો હતો. ભાગી ગયેલો શખ્સ ધર્મેશ રામજીભાઇ ટાંક (રહે. બાલાજી હોલ પાછળ કવાર્ટર) તથા તૂફાનના માલિક-ચાલકની શોધખોળ થઇ રહી છે. બી. જે. જાડેજા, મહિપાલસિંહ અને ચેતનસિંહની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

(12:59 pm IST)