Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ દ્વારા સ્વ. વિજયભાઈ ધોળકીયાની પૂણ્યસ્મૃતિમાં શિક્ષણ-સાહિત્ય-નાટ્ય-સંગીતના મહારથીઓનું સન્માન થશે

હેલીબેન ત્રિવેદી, સંજુ વાળા, હરીકાંતભાઈ સેવક, કૌશિક સિંધવ અને જગજીવનભાઈ સખીયાનું અદકેરૂ સન્માન

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ ખાતે નવા કલેવર ધરીને શિક્ષણ ક્ષેત્રે નવપ્રદાન કરવા કમરકસી રહેલ ૧૧૯ વર્ષ જૂની શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ તેના પાયાના પથ્થર અને સ્વપ્નશિલ્પી નખશિખ શિક્ષક સ્વ. વિજયભાઈ ધોળકિયાની સ્મૃતિને અંજલિ આપવા વિદ્યાંજલિ સમારોહનું આયોજન કરી રહેલ છે. આ શાળાના ટ્રસ્ટી અને આચાર્ય એવા સ્વ. શ્રી વિજયભાઈ ધોળકિયાની વિદાયને ૨૯ વર્ષ પુરા થઈ રહ્યા છે. શ્રી વિજયભાઈ ધોળકિયાને અંજલી આપવાના ભાગરૂપે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ સમાજના વિવિધ ક્ષેત્રમાં મૌન રહીને સેવામા માનતા અગ્રણીઓનો ઋણ સ્વીકારનો કાર્યક્રમ આગામી દિવસોમાં આયોજિત થનાર છે. શિક્ષણ ક્ષેત્રે ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન), સાહિત્ય ક્ષેત્રે જાણીતા કવિ સૌરાષ્ટ્રનું ગૌરવ શ્રી સંજુ વાળા, સંગીત ક્ષેત્રના ભિષ્મપિતામહ હરીકાંતભાઈ સેવક, નાટય ક્ષેત્રે મુઠી ઉંચેરૂ નામ કૌશિકભાઈ સિંધવ અને ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટને ગૌરવ અપાવનાર શહેરના જાણીતા ઉદ્યોગ ઋષિ જગજીવનભાઈ સખીયાનું અદકેરૂ સન્માન કરી ઋણ સ્વીકાર કરવામાં આવશે.

આ અંગેની માહિતી આપતા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. નિદ્દતભાઈ બારોટ તેમજ ટ્રસ્ટના પ્રમુખ ડો. ઈલાબેન વછરાજાનીએ વિશેષ માહિતી આપતા જણાવ્યુ છે કે શ્રી વિજયભાઈ દ્વારા ૧૯૫૫થી ૧૯૮૫ સુધી આચાર્ય તરીકે અને ૧૯૮૫થી ૧૯૯૦ સુધી ટ્રસ્ટના સંવાહક તરીકે સૌરાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન થયું. ૧૧૭ વર્ષને સ્પર્શી ગયેલી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ દ્વારા સમાજને ધૂરંધર વ્યકિતત્વો પ્રાપ્ત થયા છે. સમાજનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો વિદ્યાર્થી મોખરે ન હોય, આ યશ શ્રી વિજયભાઈને જાય છે. બહુ જ કપરી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને ઉપર ઉઠાવી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ભાવિ ઘડવાનું એક સ્થાનક તેમણે બનાવ્યું. શ્રી વિજયભાઈ ધોળકિયા ઉત્તમ શિક્ષક હતા અને તેથી શ્રેષ્ઠ આચાર્ય બની શકયા. માનવતા અને માનવીય અભિગમ શિક્ષણમાં કેવી રીતે લાવી શકાય તેનું જ્વલંત ઉદાહરણ તેઓશ્રી હતા. દસમી માર્ચ, ૧૯૯૦ના રોજ ૬૩ વર્ષની ઉંમરે તેઓએ અચાનક વિદાય લીધી. તે સમયે રાજકોટ શહેરે તેના શિક્ષકપુત્રને શ્રધ્ધાંજલિ આપવા માટે રાજકોટ બંધ પાળ્યો હતો તે એક નોંધનીય ઘટના છે. શિક્ષક અને શિક્ષણ આદરનો વિષય છે તેવુ શ્રી વિજયભાઈએ સમાજમાં પ્રસ્થાપિત કર્યુ હતું. શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ આજે પણ જે કંઈ છે તે શ્રી વિજયભાઈ ધોળકિયાની મહેનતને પરિણામે છે, તેનો સ્વીકાર કરીને આગામી થોડા દિવસમાં વિદ્યાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવશે.

આગામી દિવસોમાં રાજકોટના લબ્ધપ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં ઉપરોકત પાંચ મહાનુભાવોને સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમજ ગુજરાત સાહિત્ય એકાદમીના અધ્યક્ષ ડો. સીતાંષુ યશચંદ્ર મહેતા વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહેશે. આગામી દિવસોમાં યોજાનાર આ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ ડો. ઈલાબેન વછરાજાની, મેનેજિંગ ટ્રસ્ટી ડો. નિદત બારોટ, ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, ડો. હરદેવસિંહ જાડેજા, ઈન્દુભાઈ વોરા અને જયંતભાઈ દેસાઈ જોઈ રહેલ છે.

(3:45 pm IST)
  • ગરીબ છાત્રોના શિક્ષણ માટે આખરે રાજ્ય સરકાર જાગી :તમામ જિલ્લાના ડીઈઓ-ડીપીઈઓ પાસેથી વિગતો મંગાવી... : ૨૨ માર્ચ સુધીમાં સ્કૂલોએ વિદ્યાર્થીઓની સંખ્યા આપવાની રહેશે... એપ્રિલ માસમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયા થવાની સંભાવના... access_time 4:00 pm IST

  • રાહુલ ગાંધીને સતાનો શોખ નથી: મેં અને મારા ભાઈએ ખુબ જ સંઘર્ષ કર્યો છે: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાહુલને સતાનો શોખ નથી પરંતુ લોકોની ભલાઈ ઈચ્છે છે: સિરસાના પૌરાણિક સ્થળ સીતામઢી પહોંચી પ્રિયંકાએ આંખમાં આંસુ સાથે કહ્યું કે તેણીએ દેશ માટે પોતાના પરિવારમાં કેટલાય બલિદાન જોયા છે જેમાં તેની દાદી, પિતાની હત્યા છે અને જાણ્યું છે કે દર્દ શું છે access_time 12:59 am IST

  • ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો : તેમની સંપતિ હડપવાની હતી યોજના : દવાના નશામાં લખાવી હતી સ્યુસાઈડ નોટ : સેવાદાર વિનાયક અને શરદ આપતા હતા ધમકી : રેપ કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા : આરોપીઓ પાસેથી કોરો ચેક મળ્યો access_time 6:04 pm IST