Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સેતુબંધ અને વૃજ વાટીકાના લોકો પાર્કીંગ સમસ્યાથી ત્રસ્ત

સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે દર્શને આવતા ભકતો દ્વારા થતુ આડેધડ પાર્કીંગ : જાહેરનામાનો અમલ થોડાક દિવસ જ થયા બાદ જૈસે થે : ડીવાઇડર માર્ગ બંધ થવાથી પણ હાલાકી વધી : સોસાયટીના પોણોસોથી સો જેટલા રહેવાસીઓની સહી સાથે પોલીસ કમિશ્નરને આવેદન : કાલવડ રોડ ઉપર મંદિર સામેનું ડીવાઇડર ખોલી આપવા પણ માંગણી

રાજકોટ તા. ૧૯ : કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ સેતુબંધ અને વૃજ વાટીકા સહીતની સોસાયટીઓના રહેવાસીઓએ પોલીસ કમિશ્નરને પોણોસોથી સો સહીઓ સાથેનું વિસ્તૃત આવેદનપત્ર પાઠવી આડેધડ પાર્કીંગની સમસ્યામાંથી છોડાવવા વિનંતી કરી છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે આવતા ભકતો-શ્રધ્ધાળુઓ દ્વારા મંદિરની દિવાલ પાસેથી આડેધડ પાર્કીગ કરાતુ હોય આ વાહનોની કતાર છેક આસપાસની સોસાયટીઓ સુધી લંબાય છે. પ્રેમવતી પાસેની શેરીમાં ૨૦ ફુટનો રસ્તો હોવા છતા આડેધડ વાહનોના ખડકલાથી માત્ર ૧૦ ફુટનો થઇ જાય છે.

પોલીસ કમિશ્નરશ્રી દ્વારા જુન ૨૦૧૮ માં બહાર પડાયેલ જાહેરનામા બાદ થોડા દિવસ ટ્રાફીક પોલીસ દ્વારા ધ્યાન દેવાયુ હતુ. પરંતુ બાદમાં જૈસે થે સ્થિતી થઇ ગઇ છે.ખાસ કરીને મંદિરની પાછળની દિવાલથી લઇને સેતુબંધ સોસાયટી સુધી વાહન ચાલકો આડેધડ વાહનો ઉભા રાખી દયે છે. વૃજવાટીકા સુધીના રસ્તા સાવ બ્લોક થઇ જવા જેવી સ્થિતીમાં મુકાય છે.  આ સોસાયટીની બન્ને બાજુ 'નો પાર્કીંગ ઝોન' ના બોર્ડ મુકવા તેમજ થોડા દિવસ માટે પોલીસ દ્વારા ટોઇંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી સેતુબંધ સોસાયટી અને વૃજવાટીકા સહીતની સોસાયટીના લોકોએ માંગણી કરી છે.

સાથો સાથ સ્વામિનારાયણ મંદિર સામે આવ જા કરવા માટેનો કાલાવડ રોડ પરનો રસ્તો ડીવાડર ચણીને બંધ કરી દેવાતા તેનાથી પણ હાલાકી વધી હોવાની રજુઆત કરાઇ છે. આ સોસાયટીના લોકોને  તેમજ મહેમાનોને લાંબા અંતરનો સામનો કરવો પડે છે. રૈયા રોડ પાસે કે મહિલા કોલેજ પાસેથી મફતીયા પરામાંથી પસાર થવુ પડે છે. મફતીયાપરાની સાંકડી ગલીઓ અને પશુઓનો સામનો કરવો પડે છે.

આ તમામ બાબતો ધ્યાને લઇ સત્વરે ઉકેલ લાવવા કાલાવડ રોડ પરની સેતુબંધ અને વૃજવાટીકા તથા આસપાસની સોસાયટીના લોકોએ પોલીસ કમિશ્નરશ્રીને પાઠવાયેલઆ આવેદનપત્રમાં રજુઆત કરી છે.

(3:38 pm IST)