Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ભાદર ડેમમાં નર્મદાનું પાણી છોડવાનું શરૂ

સિંચાઈ ખાતાએ આચારસંહિતા ચાલુ હોય ગુપચુપ એક પંપ દ્વારા પાણી છોડ્યુ : સાડા ૬ કિ.મી. લાંબી પાઈપલાઈન નખાઈ : ૮ દિવસ બાદ પાણી પહોંચશે

રાજકોટ, તા. ૧૯ : રાજકોટને પાણી પુરૂ પાડતુ અને મીની દરીયો ગણાતો ભાદર ડેમમાં પણ આજથી નર્મદાના નીર છોડવાનું સિંચાઈ ખાતાએ શરૂ કરી દેતાં આગામી ૮ દિવસ બાદ ભાદર ડેમમાં નર્મદાના નીરની પધરામણી થશે.

સિંચાઈના ઉચ્ચ વર્તુળોના જણાવ્યા મુજબ રાજકોટના આજી અને ન્યારી ડેમ બાદ ગાંધીનગરથી સુચના આવતા ભાદર ડેમમાં આજથી ૬ાા કિ.મી. લાંબી પાઈપલાઈનમાં એક પંપ દ્વારા નર્મદાના નીર શરૂ કરી દેવાયા છે.

આ નર્મદાના પાણી પહેલા સંખ્યાબંધ ચેકડેમમાં ઠલવાશે. તે ઉપરાંત ગોંડલના વેરી તળાવને પણ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. ત્યારબાદ આ પાણી ભાદર ડેમમાં પધરામણી કરશે.

ભાદર ડેમમાં પાણી ભરવાની શરૂઆત થતાં રાજકોટને પૂરા ફોર્સથી પાણી મળી રહેશે તેમ વર્તુળો ઉમેરી રહ્યા છે.

(3:37 pm IST)