Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

અનુપમ મિશન દ્વારા ૧૦૬ દિવ્યાંગ બાળકોને કરાવાઇ હવાઈ સફર

રાજકોટ, તા.૧૯ : આણંદ જિલ્લાના  મોગરી ગામ સ્થિત અનુપમ મિશન- શ્રી સ્વામિનારાયણ અધ્યાત્મ એવં સાંસ્કૃતિક સેવા કેન્દ્ર છેલ્લા ૨૫ વર્ષથી યોગી વિધાપીઠના માધ્યમથી મિત્ર પુનર્વસન કેન્દ્ર સ્વરૂપે માનસિક પડકાર ધરાવતાં દિવ્યાંગ બાળકોની નિઃસ્વાર્થભાવે સેવામાં પ્રવૃત  છે. આ વર્ષ મિત્ર શાળા તેની રજન જયંતી ઊજવી રહ્યું ત્યારે તેની યશકલગીમાં નુતન સિદ્ધિ રૂપે અનુપમ  મિશનના પ્રેરણા સંતભગવંત સાહેબજીની પ્રેરણા અને આશીર્વાદથી ૧૭ માર્ચ, ૨૦૧૮ને શનિવારના રોજ મિત્ર શાળાનાં ૧૦૬ જેટલાં દિવ્યાંગ બાળકોએ તેઓના શિક્ષકો સાથે એરોપ્લેનમાં અમદાવાદથી મુંબઇ સુધીની હવાઈ સફર કરી હતી. આ સિધ્ધીની નોંધ અમદાવાદ સ્થિત એન.જી.ઓ. વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા દ્વારા લેવાઈ છે અને તેઓ દ્વારા મિત્ર શાળાને વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્ર દ્વારા પુરસ્કૃત કરવામાં આવનાર છે.

આ સિદ્ધિ બીજી વિશેષતાએ બની રહી કે આ દિવ્યાંગ બાળકોએ એક જ દિવસમાં નભ, જળ અને થળ એમ ત્રણેય પ્રકારની મુસાફરી કરી અનેરો આનંદ પ્રાપ્ત કર્યો. હવાઈ યાત્રા દ્વારા મુંબઈ પહોંચ્યા બાદ તેઓએ ગેટ વે ઓફ ઈન્ડિીયા આગળ બોટિંગ દ્વારા દરિયાઈ સફર અને બસ દ્વારા મુંબઈ દર્શનનો આનંદ માણ્યો અને રેલ્વે મુસાફરી કરી તેઓ સ્વસ્થાને આણંદ પરત ફર્યા. સિદ્ધિવિનાયક મંદિર, નહેરૂ સાયન્સ સેન્ટર, હેન્ગિંગ ગાર્ડન, ગેઈટ વે ઓફ ઈન્ડિયા, જૂહુ-ચોપાટી, મહાલક્ષ્મી મંદિર આદિ ધાર્મિક અને જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી. આ આખી યાત્રા દિવ્યાંગ બાળકોને સંસ્થા દ્વારા નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાઈ. મુંબઈની હવાઈ સફર કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પૈકીના ૯૫ ટકાથી વધુઓએ તો જીવનમાં આ પ્રથમ અનુભવ પ્રાપ્ત કર્યો હતો. આ પ્રસંગે અનુપમ મિશનના પ્રણેતા સંતભગવંત સાહેબજીએ સૌને સુભાશિષ પાઠવ્યા તેમજ અનુપમ મિશનના ઉપપ્રમુખ પૂ. અશ્વિનભાઈ અને યોગી વિદ્યાપીઠના કુલગુરૂ પૂ. રતિકાકાએ આ નિઃસ્વાર્થ કાર્યમાં સહકાર આપનાર સૌ સમાજશ્રેષ્ઠીઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

(4:46 pm IST)