Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ગોંડલની ૪૩ ફોનની ચોરીનો ભેદ રાજકોટ ગાંધીગ્રામ પોલીસે ઉકેલ્યોઃ ત્રિપૂટી ઝડપાઇ

ખૂન, લૂંટ, ઘરફોડ ચોરીઓ, વાહન ચોરીઓ, સહિતના ગુનામાં સામેલ ગોંડલના આનંદગીરી ઉર્ફ ગુરૂ બાવાજી અને સાગ્રીત રાજકોટના છોટુ કોળી તેમજ ચોરાઉ માલ વેંચી આપતા માધાપરના સુનિલ કોળીની ધરપકડ

રાજકોટ તા. ૧૯: ગાંધીગ્રામ પોલીસે ગોંડલમાં કડીયા લાઇન પાસે આવેલી અજનબી મોબાઇલ નામની દૂકાનમાં થયેલી ૪૩ મોબાઇલ ફોનની ચોરીનો ભેદ ઉકેલી આ ચોરીમાં સંડોવાયેલા ગોંડલ વોરાકોટડા રોડ પર આવાસ કોલોનીમાં રહેતાં રીઢા અને નામચીન શખ્સ આનંદગીરી ઉર્ફ ગુરૂ હરિગીરી ગોસ્વામી  (બાવાજી) (ઉ.૪૫)  તથા સાગ્રીત રાજકોટ રામનાથપરા મહાદેવ મંદિર સામે યાસીનભાઇના મકાનમાં ભાડેથી રહેતાં છોટુ જેન્તીભાઇ સોલંકી (કોળી) (ઉ.૨૩) અને આ બંનેને ચોરાઉ માલ વેંચવામાં મદદરૂપ થતાં માધાપર સિંધોઇનગર વોંકળા પાસેની શેરીમાં રહેતાં સુનિલ હીરાભાઇ ડાભી (કોળી) (ઉ.૨૦)ને દબોચી લઇ ૪૭ ફોન તથા રિક્ષા મળી રૂ. ૧,૩૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, એડી. ડીસીપી હર્ષદ મહેતાની સુચના તથા પી.આઇ. એચ.આર. ભાટુની રાહબરી હેઠળ પી.એસ.આઇ. આર. જે. જાડેજા, હેડકોન્સ. પ્રવિણભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, કોન્સ. યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઇ લાવડીયા, શૈલેષભાઇ કગથરા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતના વાહન ચેકીંગમાં હતાં ત્યારે પી.એસ.આઇ. જાડેજા અને દિવ્યરાજસિંહને માહિતી મળી હતી કે માધાપર ચોકડી પાસેથી ત્રણ શખ્સો ચોરાઉ મોબાઇલ ફોનના જથ્થા સાથે નીકળ્યા છે. આ માહિતી પરથી ઉપરોકત ત્રણેયને દબોચી લેવાયા હતાં.

પોલીસના કહેવા મુજબ આનંદગીરી ઉર્ફ ગુરૂ રીઢો ગુનેગાર છે અને પોલીસ પર હુમલો કરવાની ટેવ પણ ધરાવે છે. તેના વિરૂધ્ધ છેલ્લા દસ વર્ષમાં પડધરી, ગોંડલ, જસદણ, રાજકોટમાં કારખાના ચોરી, ભંગાર ચોરી, વાહન ચોરીના અને ઉપલેટામાં ઘરફોડ ચોરીના ત્રણ ગુના તથા જુનાગઢમાં ઘરફોડ ચોરી, પેઢલા ગામે ત્રાપાટેકાની ચોરી તેમજ લીંબડી પાસે આઇશર ચાલકનું ખૂન કરી આઇશરની લૂંટ કરવાનો ગુનો નોંંધાયો હતો. પાંચ મહિના પહેલા તે જેલમાંથી છુટ્યો હતો અને ફરી ગુનાખોરી શરૂ કરી હતી.

જ્યારે છોટુ સોલંકી ચાર વર્ષમાં ઉપલેટામાં અનાજની દૂકાનમાંથી તથા ત્રણ મકાનમાંથી ચોરી કરવાના ગુનામાં અને શાપરમાં કરીયાણાની દૂકાનમાંથી તેમજ લક્ષ્મીનગર નાલા પાસે પિત્તળના છોલની ચોરીના ગુનામાં તથા અન્ય ચોરીના ગુનામાં પકડાયો હતો. તે બે મહિના પહેલા ગોંડલ જેલમાંથી છુટ્યો હતો. જ્યારે ત્રીજો શખ્સ સુનિલ કોળી આ બંનેનો ચોરાઉ માલ વેંચવામાં મદદરૂપ થતો હતો. ત્રણેય રિક્ષા હંકારે છે. ચોરીનો ભેદ ઉકેલાયાની ગોંડલ પોલીસને જાણ થતાં કબ્જો લેવા તજવીજ થઇ હતી. તસ્વીરમાં પી.આઇ. એચ.આર. ભાટુ, પી.એસ.આઇ. આર. જે. જાડેજા અને ટીમ, કબ્જે થયેલા મોબાઇલ ફોન, રિક્ષા અને પકડાયેલા ત્રણેય શખ્સો જોઇ શકાય છે

(2:36 pm IST)