Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ગૌહાટી - ઓખા ટ્રેનમાં ૧૨મીએ આગે દેખા દીધા'તાઃ ગાર્ડની સમયસુચકતાથી ગંભીર સ્વરૂપ અટકયુ

રાજકોટ : રેલ મંડળના મેલ એકસપ્રેસ ટ્રેનના ગાર્ડ ડી.વી. જોગરાજીયાને હાલમાં જ રેલ સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ મંડળ રેલ પ્રબંધક પરમેશ્વર ફૂંકવાલ દ્વારા પ્રશસ્તિપત્ર તથા મેડલ દઈ સન્માનિત કરવામાં આવ્યા હતા.

૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ગાડી નંબર ૧૫૬૩૬ ગુવાહાટી - ઓખા એકસપ્રેસ રાજકોટથી ઓખા પાસે જઈ રહી હતી. આ જ ટ્રેન જામવંથલી સ્ટેશન પહોંચવા જઈ રહી હતી ત્યારે ટ્રેનના ગાર્ડ ડી.વી.જોગરાજીયાએ રાત્રે ૧૧:૪૧ વાગ્યે ટ્રેનના એસી કોચ એ-૧માંથી આગ નીકળતી જોઈ. તુરંત જ ટ્રેનના પાયલોટને વોકીટોકીની મદદથી સુચના આપી અને ટ્રેનને રોકી દેવામાં આવી. ત્યારબાદ ટ્રેનના એસી કોચમાં મિકેનીકને બોલાવી અને તપાસ કરવાનું કહ્યું, તપાસ કરતાં માલૂમ પડ્યુ કે કોચના નીચલા ભાગમાં જે રબર બેલ્ટ હોય છે તે બળી ગયુ છે. બળી ગયેલ રબર બેલ્ટને કાઢી ટ્રેનને સુરક્ષિત રીતે ફરીથી ચલાવવા માટે તૈયાર કરવામાં આવી. બેલ્ટને કાઢવામાં મોડુ થયુ હોત તો ટ્રેનમાં પણ આગ લાગવાની સંભાવના હતી.

ડીઆરએમ ઓફીસ રાજકોટમાં આયોજીત આ કાર્યક્રમમાં અપર મંડળ રેલ પ્રબંધક (એડીઆરએમ) શ્રી ગોવિંદ પ્રસાદ સૈની, મંડળ પરિચાલન પ્રબંધક અભિનવ જેફ તથા મંડળ સામગ્રી પ્રબંધક અમીર યાદવ પણ ઉપસ્થિત હતા.

(3:51 pm IST)