Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

બજેટના 'અંદાજો' ખોટા : ફુલ ગુલાબી ખર્ચાથી પ્રજાની તિજોરી ખાલી : વશરામ સાગઠિયા

મ.ન.પા.ના બજેટમાં શાળા - કોલેજોના વેરા ઘટાડા સહિતની નીતિ સામે કોંગ્રેસનો વિરોધ : ગત વર્ષે એકપણ બ્રીજનું કામ નથી થયુ : ૩૪ યોજનાઓ અધ્ધરતાલ : મોબાઇલ ટાવરોનો ૮૨ કરોડનો વેરો બાકી : જનરલ બોર્ડમાં શાસકોનો કાન આમળતા વિપક્ષી નેતા

રાજકોટ તા. ૧૯ : રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ રાજકોટ મહાનગરપાલિકાના સામાન્ય સભામાં બજેટ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા રાજકોટની જનતાને દર વર્ષના બજેટની જેમ આ વર્ષનું બજેટ પણ ફકત મોટા આંકડાઓ બતાવવા માટેનું જ શાબિત થશે અમારા દ્વારા ગત વર્ષના બજેટ બોર્ડમાં અમોએ જાહેર કર્યું હતું કે ભાજપના શાસકોએ જે યોજનાઓ જાહેર કરેલ છે તેમાંથી ૮૦ % યોજનાઓ જો પૂર્ણ થશે તો અમો ભાજપના શાસકોનું સન્માન કરશું.

પરંતુ, એવું બિરદાવવા જેવું કશું જ બન્યું નથી કે અમારે ભાજપના મિત્રોનું સન્માન કરવું પડે. ગત વર્ષ ૨૦૧૯-૨૦માં સ્ટેન્ડીંગ કમીટીએ મંજુર કરેલ ૫૬ યોજનાઓ પૈકી ૩૪ યોજનાઓ આજે પણ કાગળ ઉપર અને અધ્ધરતાલ છે ફકત નાની ૨૨ યોજનાઓમાંથી અમુક યોજનાઓ હજુય ચાલુ છે, ત્યારે વધુમાં શ્રી સાગઠીયાએ જણાવ્યું છે કે આ યોજનાઓ અને વિવિધ વિકાસ કામો જયારે જનરલ બોર્ડમાં લોકોની સુખાકારી, સવલતો, સેવા, અને સુવિધા માટે જયારે મંજુર કરતા હોય ત્યારે એ તમામ કામોને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા એ શાસક પક્ષની ફરજ હોય છે ત્યારે આ શાસકોએ તો તમામ નીતીનીયમો સત્ત્।ાના મદમાં આવીને નેવે મૂકીને માત્રને માત્ર પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીની વાહવાહી કરવા સિવાય કશું જ કરતા નથી.

વર્ષ ૨૦૧૯-૨૦ ના બજેટમાં ઓવરબ્રીજ/અન્ડરબ્રીજ ૭(સાત) નવા બનાવવાની જોગવાઈ કરવામાં આવેલ હતી આ ૭(સાત) નવા ઓવરબ્રીજ/અન્ડરબ્રીજ પાછળ ૭૫(પંચોતેર) કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ હતી પરંતુ હાલ આ ૭ ઓવરબ્રીજ/અન્ડરબ્રીજ માંથી આજદિન સુધીમાં ફકત આમ્રપાલી રેલ્વે ક્રોસિંગ અન્ડરપાસ સિવાય એકપણ બ્રિજનું કામ શરુ કરેલ નથી,

શ્રી સાગઠીયા જણાવે છે કે જયારે ગુજરાતના મુખ્યમંત્રી આ નવા કામોનું ખાતમુહૂર્ત કરે છે પરંતુ, હજુ સુધીમાં ફકત એક જ બ્રીજનું કામ ચાલુ કરેલ છે તો બાકીના ૨૦૧૯-૨૦ના બજેટની જોગવાઈના ૬(છ) બ્રીજોનું શું ? જેમ વ્યાપારી દેશી હિસાબ લખતા હોય ત્યારે બાકી આગળ લાવ્યા  તેવો શબ્દ નવા પાનામાં શરૂઆતમાં લખાય છે તેવીજ રીતે ભાજપના શાસકોએ બાકી આગળ લાવ્યા તેવી રીતે વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં ૧૦(દસ) નવા ઓવરબ્રીજ/અન્ડરબ્રીજના કામની જોગવાઈ કરેલ છે જેમાંથી બાકી આગળ લાવ્યા તેમાં જુના ૬(છ) ઓવરબ્રીજ/અન્ડરબ્રીજ ગણતરીમાં લેવામાં આવ્યા છે અમારે ભાજપના મિત્રોને સીધો સવાલ છે કે હવે બાકી આગળ લાવ્યાનું ભૂલી જે કામો કરવાના હોય તે જ કામો બજેટમાં દર્શાવો.

શ્રી સાગઠીયાએ જણાવ્યું છે કે હાલ ૪(ચાર) બ્રિજના કામો ચાલુ છે તેવું બજેટ બુકમાં દર્શાવેલ છે તેમાં  (૧) દૂધસાગર રોડ વાળો બ્રીજ કે જે છેલ્લા ત્રણ વર્ષથી ગોકળગાયની ગતિએ કામ ચાલુ છે જે કામ કયારે પૂર્ણ થશે તે કહેવા જેવું નથી,  (ર) આમ્રપાલી પાસે રેલ્વે અન્ડરપાસ કે જેનું કામ ફકત ૪% થી ૫% કામગીરી  થયેલ છે. (૩) હોસ્પિટલ ચોક ફલાયઓવર બ્રીજના કામમાં ફકત એક ખાડો ખોદી કામ બંધ હાલતમાં છે. (૪) લક્ષ્મીનગર અન્ડરપાસ જે બજેટમાં ચાલુ કામ દર્શાવેલ છે પરંતુ ત્યાં આજદિન સુધી સ્થળે ખાડો પણ ખોદાણો નથી.

ઉપરોકત ચારેય કામો રાજકોટ મનપાના ચોપડે ચાલુ કામમાં બતાવે છે પરંતુ, અમોએ વાસ્તવિકતા રાજકોટની પ્રજા સમક્ષ રજુ કરેલ છે અને અમારો ભાજપના મિત્રોને ફરીથી વિનંતી સાથે કહીએ છીએ કે આપે મોટા ઉપાડે બજેટ મોટું કરવા માટે ચુંટણીના વર્ષ હિસાબે લોકોની સહાનુભૂતિ મેળવવા માટે દસ નવા-જુના ઓવરબ્રીજ/અન્ડરબ્રીજ બનાવવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે તો આવતા વર્ષ ૨૦૨૧-૨૨માં આ એકપણ બ્રીજ ફરીવખત લેવો ના પડે તેવી રાજકોટની પ્રજા વતી માંગણી છે કારણકે, હવે આપણે બજેટમાં બાકી આગળ લાવ્યા  આ શબ્દ ખુબ જ વાપર્યો છે જયારે આપના દ્વારા મોટીમોટી જાહેરાતોમાં પાછુ વળીને જોતા નથી,

જનતા માટે જે કામો શાસકોએ કર્યા જ નથી તેની યાદી

 એક અંદાજ મુજબ રાજકોટ શહેરમાં બહેનોની વસ્તી પુરુષો કરતા ૨%(બે) કદાચ ઓછી વસ્તી હશે ત્યારે બહેનો માટે લેડીઝ ટોઇલેટ બનાવવાની આપ જાહેરાત કરો છો પરંતુ, મત મળી ગયા પછી બનાવતા નથી.  દર ત્રણ મહિને બજેટની સમીક્ષા બેઠક યોજવી જોઈએ જેમાં તમામ યોજનાઓની કામગીરી વિષે ચર્ચા થવી જોઈએ.  સફાઈ કામદારોનું શોષણ બંધ કરી કાયમી સફાઈ કર્મચારીઓની ભરતી કરવી જોઈએ જેથી રાજકોટમાં સફાઈની કામગીરી યોગ્ય રીતે થઇ શકે. રખડતા ઢોર અને કુતરાના ત્રાસ માંથી રાજકોટને મુકત કરવા માટે જે આયોજન કરેલ છે તેમાં હજુય કશું જ આગળ વધ્યું નથી દાત. એનીમલ હોસ્ટેલ બનાવેલ છે જે સરકારમાં પેન્ડીંગ છે.  શહેરમાં રેસકોર્સ પાસે સ્કાય વોક ૧૪૦૦ કરોડના ખર્ચે બનાવવાના હતા એ પ્રોજેકટ તો કયાય ખોવાઈ ગયો છે. ગેરેંટી વાળા રોડ રસ્તા બનાવ્યા પરંતુ આજે પણ ચાલવા જેવા નથી. મહાનગરપાલિકા હસ્તે એક મોટી હોસ્પિટલ હોવી જોઈએ જેમાં રાજકોટ શહેરના તમામ નાગરિકોને તમામ પ્રકારની વિનામુલ્યે હોસ્પિટલની સારવાર મળવી જોઈએ (દાત.સર્જરી થી દવા સુધીની તમામ સેવા)

કોર્પોરેશનની શાળાઓમાં ખાસ ધ્યાન આપી ગરીબ-મધ્યમવર્ગના બાળકો જયાં શિક્ષણ લે છે તેનું સ્તર ખાનગી શાળાઓ કરતા ઊંચું આવે તેવા પ્રયાસ કરવા જોઈએ નહી કે ખાનગી શાળાઓના લાભાર્થે થાય છે. મીટર થી પાણી આપી એક પ્રકારે પ્રજાને લુંટવાનો પ્રયાસ થઇ રહ્યો છે તે ના થવો જોઈએ કારણકે કરોડો રૂપિયાના ખર્ચે આ કામગીરી થવાનો અંદાજ છે. આજી નદી સુધારણા પ્રોજેકટ જલ્દીથી પૂર્ણ કરવો જોઈએ ભૂતકાળમાં મોદી સાહેબે જ આ યોજના મૂકી હતી જે હજુ થઇ નથી. રાજકોટનો ચારેય દિશા તરફ સમતોલ વિકાસ થવો જોઈએ નહી કે ફકત પશ્ચિમ તરફનો,  સ્માર્ટ સીટીની વાતો કરવા કરતા હકીકતમાં રાજકોટને સ્માર્ટ બનાવવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત દરેક ફેકલ્ટીની એક-એક કોલેજ રાજકોટમાં હોવી જોઈએ અને તેમાં ગરીબ-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિનામુલ્યે હોવું જોઈએ. BRTS ને રાજકોટમાં ચારેય તરફનો પ્રોજેકટ હતો તેમાંથી ફકત અડધા રાજકોટને જ BRTSને લાભ મળેલ છે બાકીના રાજકોટના નાગરિકોને લાભ હાલ મળતો નથી તે મળવો જોઈએ. જુના પ્રોજેકટો ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ના બજેટમાં લીધા હોય તે પ્રોજેકટોને પણ અગ્રતા આપી નવા બજેટમાં લેવા જોઈએ. આજીડેમ પાછળ નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ નું કામ કરવું જોઈએ.

રાજકોટમાં BRTSનો  ટ્રેક આપ વધારી શકતા નથી અને રાજકોટની જનતાને આપ મેટ્રો રેલના સપનાઓ બતાવો છો છેલ્લા ઘણા વર્ષો થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ હતા ત્યારે રાજકોટની આજી નદીમાં રિવરફ્રન્ટ બનવાની જાહેરાત કરી હતી તેનું શું થયું ? ઇલેકિટ્રક બસ ખરીદવાનું શું થયું ? પરંતુ ૨૦૧૯-૨૦ના બજેટમાં દર્શાવેલ  બાકી રહેલા આ કામોનું શું ? કયારે થશે આ કામો રાજકોટની જનતાને આ સુવિધા-સગવડતા, સવલતો કયારે આપશો? વર્ષ ૨૦૧૯-૨૦ ના બજેટમાં નીચે મુજબના કામોની જોગવાઈ હોવા છતાં થયેલ નથી.

શ્રી સાગઠિયાએ ઉમેર્યું હતું કે, રાજકોટમાં આવેલ મોબાઈલ ટાવર કંપનીઓને તા. ૦૧-૦૪-૨૦૧૮ સ્ટેન્ડિંગ કમીટીમાં ઠરાવ કરી ૫૦ ના ભારાંક માંથી ૧૫ કરતા કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે તેમ છતાં માનીતી ટાવર કંપનીઓને ખાટવવાનો ભાજપનો કારસો પાર પડી ગયો હતો ત્યારે પણ અમો કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો હતો પરંતુ સતાના મદમાં અને પાર્ટીના ફાયદા માટે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકશાન કરાવવા વાળા ભાજપના મિત્રોને માટે મારો સિધ્ધો સવાલ છે કે આપે જુના ભાવ મુજબ ૧ વર્ષનો ટાવર કંપનીઓનો  ટેક્ષ ૧૯ કરોડ ૩૨ લાખ થતો હતો અને આપના પ્રતાપે નવો ભાવ મુજબ ૬ કરોડ ૩૮ લાખ થાય છે તેમ છતાં ભાજપની માનીતી ટાવર કંપનીઓ ટેક્ષ ભરતી નથી આજની તારીખે આ ટાવર કંપનીઓ પાસેથી ૮૨ કરોડ ૪૮ લાખ રૂપિયા બાકી છે જે કુલ ૭૦૧ ટાવરના વેરા બાકી છે અને તેમાંથી બે કંપનીઓ કોર્પોરેશન સામે કોર્ટમાં મેટર લઈ ગઈ છે અને તે પણ કોઈકના ઈશારે કોર્ટમાં ગઈ છે તેમાંથી ૧ કંપનીની પાસે તો ૨૮ કરોડ ૬૬ લાખ રૂપિયા એક જ પાસે ૨૯૨ ટાવરના બાકી છે તો કોના પ્રતાપે આ કરોડોનો ચૂનો રાજકોટ મહાનગરપાલિકાને લાગી રહ્યો છે તે પણ અમારો સિધ્ધો સવાલ છે અને રાજકોટની પ્રજાને લુંટવામાં બાકી ના રાખતા ભાજપના શાસકોએ પહેલા આ કરોડોનો નફો કરતી કંપનીઓ પાસેથી ટેકસ વસૂલવો જોઈએ.

ખાસ તો પહેલાથી જ ટાવર કંપનીઓ ઉપર મહેરબાન શાશકોના ઈશારે અધિકારીઓએ ટેક્ષ ગણવામાં રહેમ રાખી છે કારણકે, કોઇપણ નાગરિક પોતાના મકાન બનાવે ત્યારે તેની હાઈટ ૩૦ ફૂટ સુધીમાં એક માળ નું હોય તેવું છે પરંતુ મોબાઈલ ટાવરની હાઈટ ૩૦ ફૂટ કરતા વધારે હોય છે તેથી જેમ લોકો પાસેથી બે માળ – ત્રણ માળ – ચાર માળના ટેક્ષ કોર્પોરેશન વસુલે છે એ હાઈટ પ્રમાણે ટાવર કંપનીઓનો ટેક્ષ વસૂલવો જોઈએ ટાવર કંપનીઓ માં તો ફકત કાર્પેટ એરિયા પ્રમાણે જ વસુલે છે જેથી કોર્પોરેશનને પહેલેથી કરોડોનું નુકશાન થયું હતું અને વધારે ફાયદો આપી બીજા કરોડોનું નુકશાન શાસકોએ કોર્પોરેશનને કરાવ્યું છે તો અમારો સિધ્ધો સવાલ છે કે હવે શાશકો આ લોકોના પરસેવાની કમાણીના રૂપિયા તેમના માનીતાને ખટાવવા પાછળ મહાનગરપાલિકા કરોડોનું નુકશાન થાય તેવા પ્રયત્નો કરે છે.

જો ગરીબ માણસના મકાનનો ટેક્ષ રૂ. ૫૦૦ આવ્યો હોય બે વર્ષથી બાકી હોય તો નોટીશ આપે છે અને તે રકમમાં ૧૮ % વ્યાજ સાથે વસુલે છે  અને આવી મોટી કંપનીઓ કે જે અબજો નો નફો કરે છે તેમની પાસે કોર્પોરેશનના કરોડો રૂપિયા બાકી તેને કેમ સીલ મારતા નથી કે બંધ કરાવતા નથી ? કોની મેહરબાનીથી આ બધું ચાલે છે ?

કોર્પોરેશન ટેક્ષ ફકત ૭૦૧ મોબાઈલ ટાવરનો જ ગણયો છે અમારું માનવું છે અમારા લોકો દ્વારા મોબાઈલ ટાવર અમોએ ગણાવ્યા છે તે જોતા ૩૮ ટાવર તો કોર્પોરેશનમાં નોંધ્યા જ નથી તો આનું શું ? અધિકારીઓ કયારે જાગશે? પદાધિકારીઓ કયારે હુકમ કરશે ? અને રાજકોટ ની પ્રજાના પરસેવાની કમાણી ની હિસાબ કયારે મળશે ? બીજું રાજકોટ મહાનગર પાલિકાની આજની તારીખે બાકી સરકારી કચેરી અને કંપનીઓ તેમજ વ્યકિત ગત રીતે બાકી ટેક્ષ ગણ્યે તો ૮૫૧.૬૮૪૫  કરોડ રૂપિયા બાકી છે તે કયારે આવશે ? તેમજ શાસકો દ્વારા મોબાઈલ કંપનીનો ભારાંક ૫૦ હતો તે ઘટાડી ૧૫ ભારાંક કર્યો છે તો પણ મોબાઈલ ટાવર કંપનીઓએ ટેકસ ભર્યો નથી અને આ બાબતની દરખાસ્ત સરકારમાં પડી છે ત્યારે ભાજપના શાસકો ૧૫ ભારાંક લેવા માટે વેરા આકારણી કરીને કંપનીને નોટીસ મોકલેલ છે તેમાંથી ફકત ૧ મોબાઈલ કંપનીએ વેરો ભરપાઈ કરેલ છે અને તે પણ ૧૫  ભારાંક મુજબ જયારે બાકીની કંપનીઓ કરોડો રૂપિયાનો ટેકસ બાકી છે તે જલ્દીથી વસુલવા અમારી માંગણી છે અને જો સમયસર વેરો ન ભરે તો નિયમાનુસારની કડક કાર્યવાહી થવી જોઈએ.

તેવી જ રીતે કેન્દ્ર સરકારની રેલ્વે પાસે ૧૫ કરોડ રૂપિયા વેરો બાકી (ટેક્ષ) બાકી છે પોસ્ટ ઓફીસ પાસે ૮૩ લાખ રૂપિયા બાકી છે સમરસ હોસ્ટેલ પાસે ૩ કરોડ રૂપિયા બાકી છે આ ત્રણેય મિલકત કેન્દ્ર સરકાર અને રાજય સરકારની જ છે તો તે કયારે આ ટેક્ષ ભરશે ? ભાજપની સતા કોર્પોરેશન – ગુજરાત સરકાર  અને કેન્દ્ર સરકાર ત્રણેય માં સરકાર હોય તો શા માટે ટેક્ષ સરકાર ભરતી નથી લક્ષ્મીનગરના નાલાના કામ પેટે તો રેલવેએ કોર્પોરેશન પાસેથી પહેલા નાણા વસુલે છે  જલ્દી થી કમિશ્નરશ્રીએ આ બાકી ટેક્ષ વસૂલવો જોઈએ તેવું શ્રી સાગઠીયાએ જણાવ્યું છે તેમજ આ વર્ષ એ ચુંટણીનું વર્ષ છે જેમાં ખાનગી સ્કૂલો અને ખાનગી કોલેજોમાં કરોડો રૂપિયાનો ટેકસમાં રાહત કરવાની જાહેરાત કરેલ છે ત્યારે અમારી માંગણી છે કે જે સ્કૂલો અને કોલેજો તગડી ફી વસુલ કરીને વાલીઓની કમ્મર તોડી નાખે છે અને બાળકોને ભણાવી શકતા નથી તેવા  ખાનગી શાળા-કોલેજોના સંચાલકોને ફાયદો કરાવવાની શાસકોની નીતિ સામે અમારો સખ્ત વિરોધ નોંધાવીએ છીએ અને આ ખાનગી શાળા કોલેજો સંચાલકો પાસેથી ટેકસ બાકી હોય તે ઝડપથી વસૂલવો જોઈએ

જયારે ખાનગી શાળા - કોલેજોનો ભારાંક ૨ હતો તેને ઘટાડી ખાનગી શાળા-કોલેજો વાળાએ માંગણી કરેલ છે કે ૧.૫ ભારાંક કરી આપો કારણકે અમો અમારા વિદ્યાર્થીઓને આપની સરકારના કાર્યક્રમમાં મોકલીએ છીએ તેથી આવી માંગણી કરવામાં આવે છે તે હાલ આ બોર્ડમાં શાસકોએ તેની અરજીને બહાલી આપીને રાજકોટ મહાનગરપાલિકાએ પ્રજા ઉપર વધારાનો કરોડો રૂપિયાનો ડામ આપવામાં આવેલ છે અને કાર્યક્રમોમાં શાળા કોલેજો વાળાએ શાબિત કર્યું હતું કે રાજકોટની પ્રજા આપની સાથે નથી પરંતુ આમારી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ અને સંચાલકો આપની સાથે છે હકીકતમાં કરોડો રૂપિયાનો નફો કરતી ખાનગી શાળા-કોલેજોના બદલે રાજકોટની પ્રજાને ફાયદો થાય તેવો નિર્ણય લીધો હોય તો તે યોગ્ય હતો.

કોનો કેટલો વેરો બાકી ?

શ્રી સાગઠીયાએ વેરા વસુલાતમાં તંત્રની નબળી કામગીરી અંગે જણાવેલ કે, રાજકોટની એક ઓડીટોરીયમ પાસે ૮૯.૬૨ લાખ જેવી માતબર રકમ બાકી છે. બેંક, ફાઈનાન્સ, બોર્ડ – નિગમો પાસે ૨૮ મિલકતો એવી છે જેના ૧૦ લાખથી ઉપરના વેરા બાકી છે,        સેન્ટ્રલ ગવર્મેન્ટની ૯ મિલકતો એવી છે જેના ૧૦ લાખથી વધારે વેરા બાકી છે. કોમર્શિયલ ૭૫ મિલકતોમાં ૧૦ લાખ કરતા વધારે વેરા બાકી છે. ચાર ફયુઅલ પંપ પાસે ૧૦ લાખ થી ૫૦ લાખ જેવો વેરો વસુલ કરવાનો બાકી છે. ૫ ગેરેજ-સર્વિસ સ્ટેશન પાસે ૧૦ લાખ થી ૬૭ લાખ જેવડો વેરો બાકી છે. ૧ મોલ પાસેથી ૧૦ લાખ વેરો વસુલવાનો બાકી છે. ઇન્ડસ્ટ્રીયલ ૨૬ મિલકતોના ૧૦ લાખ કરતા વધારે વેરા બાકી છે. મેરેજ અને કોમ્યુનીટી હોલના ૧૦ લાખ કરતા વધારે વેરો બાકી હોય તેવા ૨ મીકલતો છે. ગુજરાત સરકારની ૩૫ મિલકતોમાં  ૧૦ લાખ કરતા વધારે વેરો બાકી છે. ખાનગી શાળાઓ અને હોસ્ટેલમાં ૧૪ મિલકતો એવી છે કે જેનો ૦૫ લાખથી ૪૦.૬૯ લાખ સુધી વેરા બાકી છે. મોબાઈલ ટાવર ૭૦૧ ટાવરના જ ૮૨.૪૮ કરોડ ઉપરની માતબર રકમ નીકળે છે.

આમ, રાજકોટ મહાનગરપાલિકાના કેટેગરી વાઈઝ પ્રોપર્ટી ટેકસ આજદિન સુધી એટલે કે તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી ૮૫૧.૬૮૪૫ કરોડ જેવી માતબર રકમ રાજકોટ મહાનગરપાલિકાની બાકી રહેતા લેણા તે કયારે મનપાની તિજોરીમાં આવશે ? રાજકોટ મનપાના શાસકો આખા વર્ષ દરમ્યાન આટલા કરોડ રૂપિયા વાપરી પણ શકતા નથી.

જેમ નાના અને મધ્યમ વર્ગના લોકોની મિલકતોને સીલ કરો છો અથવા હરાજી કરો છો તો મોટા મગરમચ્છની મિલકતોને સીલ કેમ નથી કરતા ? કે હરાજી નથી કરતા? તેમજ રાજકોટની દરેક વર્ગની જનતા પ્રત્યે કોઈ રાગદ્વેષ ન રાખવો જોઈએ અને રાજકોટમાં વસતા તમામ નાગરિકો એ રાજકોટના જ છે તો તમામ માટે નિયમો સરખા રાખવા જોઈએ અને વ્હાલાદવલાની ભાજપની નીતિ સામે અમારો સખ્ત વિરોધ છે તેવું અંતમાં રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું.

(3:48 pm IST)