Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂડા ૩૯૭૮ આવાસો બનાવશેઃ ર૪મીથી ફોર્મ વિતરણઃ ૪૭૦ કરોડનો ખર્ચ

કુલ ૧૦ સ્થળોએ આવાસ બનશેઃ EWS-1, EWS-2, LIG-MIG પ્રકારના આવાસો... : રાજકોટ શહેર-રૂડા વિસ્તારની કોટક મહિન્દ્રા બેંક-ICICI બેંક-HDFC બેંકની ૪૯ શાખા ઉપરથી ર૪મીથી ફોર્મ વિતરણ

રાજકોટ તા. ૧૮: પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા EWS -૧ પ્રકારના ૩૬૮ આવાસો, EWS-ર પ્રકારના ર૧૩૦ આવાસો, LIG પ્રકારના ૭ર૮ આવાસો તથા MIG પ્રકારના ૭પર આવાસો મળી કુલી ૩૯૭૮ આવાસોનું નિર્માણ અંદાજીત રૂ. ૪૭૦.ર૬ કરોડના ખર્ચે જુદા જુદા ૧૦ સ્થળોએ હાથ ધરાયેલ છે. કેટેગરી વાઇઝ લાયકાત ધરાવતા ઇસમોને આ આવાસો મેળવવા માટે કોટક મહિન્દ્રા બેંક (૧૦ શાખા),  ICICI બેંક (૧૭ શાખા) તથા HDFC બેંક (રર લાખ) આમ ત્રણે બેંકોની રાજકોટ શહેર તથા રૂડા વિસ્તારની કુલ ૪૯ શાખાઓ મારફત ફોર્મનું વિતરણ કરવામાં આવશે. લોકોની સરળતા માટે રૂડા કચેરી ઉપરાંત RMC ના કૃષ્ણનગર સીટી સિવિલ સેન્ટર, કોઠારીયા રોડ સીટી સિવિલ તથા ઇસ્ટ ઝોન સીટી સિવિક સેન્ટર પર આ અંગેની વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. તેમ ચેરમેનશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા ચેરમેનશ્રીએ કહેલું કે, આવાસ મેળવવા ઇચ્છુક અરજદારે તારીખ ર૪/૦ર/ર૦ર૦ થી ૧૩/૦૩/ર૦ર૦ સુધીમાં ઉપરોકત નિયત બેંકમાંથી રૂ. ૧૦૦/-ની ફોર્મ ફી (નોન રીફંડેબલ) ચુકવી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી શકશે. અરજદારે નિયત આધારો તથા વિગતો સાથે ભરેલ ફોર્મ તા. ૧૭/૦૩/ર૦ર૦ સુધીમાં ફોર્મમાં દર્શાવેલ બેંકની નિયત શાખાઓમાં રજુ કરવાનું રહેશે તથા ફોર્મની સાથે પ્રથમ હપ્તા (ડીપોઝીટ)ની રકમ જમા કરાવવાની રહેશે, આ મુદત વિત્યા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આવેલ અરજીઓ પૈકી ફોર્મ તપાસ બાદ માન્ય રહેલ ફોર્મ માટે સાઇટ તથા આવાસની ફાળવણી ફકત કોમ્પ્યુટરાઇઝડ ડ્રોથી કરવામાં આવશે. આવાસ કે સાઇટ બદલવા અંગેની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિં.

(3:42 pm IST)