Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

મેરેથોનોત્સવથી લગ્નોત્સવનાં જાનૈયાઓ હેરાનઃ ટ્રાફિકજામ પડધરી પહોંચ્યો

બીજો રીંગ રોડ, જામનગર હાઈવે બંધ કરી પડધરીથી ટ્રાફીક ડાઈવર્ટ કરવામાં આવતા સવારે બસ-ખટારાની લાઈનો લાગીઃ જામનગરથી રાજકોટ આવતા ૪-૪ કલાક લાગીઃ રવિવાર-લગ્નગાળાને કારણે બમણા ટ્રાફીકથી અનેક લોકો હેરાન-પરેશાનઃ શહેરના રસ્તાઓ ૯ વાગ્યે ખુલી જતા ઓછી મુશ્કેલી

દોડવીરોને બકઅપ કરતા નચિકેતાના વિદ્યાર્થીઓ : આંતરરાષ્ટ્રીય કક્ષાની મેરેથોન રાજકોટના આંગણે યોજાતા દોડનાર તમામને પ્રોત્સાહીત કરવા નચિકેતા સ્કુલીંગ  સીસ્ટમના વિદ્યાર્થીઓએ પણ સરસ કાર્ય કર્યુ હતુ. કેટલાક વિદ્યાર્થીઓએ તો દોડમાં જ ભાગ લીધો હતો. અને જેમણે ભાગ નહોતો લીધો એવા વિદ્યાથીર્થીઓએ નાના મવા સર્કલ ખાતે સ્ટેજ ઉભુ કરી જોમ જુસ્સો ચડાવતો કાર્યક્રમ આપ્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે.: આરોગ્ય ટીમ ખડે પગે : રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન અને શહેર પોલીસના સંયુકત ઉપક્રમે યોજાયેલ મેરોથોનમાં સ્પર્ધકોની મેડીકલ સારવાર માટે મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્યની ટીમ ખરેપગે રહી હતી. તસ્વીરમાં વિજેતા સ્પર્ધકો, આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડ તથા ડો. વિસાણી સહિતીના કર્મચારીઓ નજરે પડે છે. (તસ્વીર : સાંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૯ :. શહેરમાં ગઈકાલે વહેલી સવારે યોજાયેલી મેરેથોન દોડને કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાય નહીં તે માટે શહેર પોલીસ અને મ્યુ. કોર્પોરેશનના તંત્રવાહકોએ આયોજન કર્યુ હતુ પરંતુ આ આયોજનમાં જામનગર હાઈવે ૪ થી ૫ કલાક બંધ કરવામાં આવતા જામનગર હાઈવેના ટ્રાફીકને માઠી અસર પહોંચી હતી અને તેને કારણે ગઈકાલે લગ્નની જાનના વાહનો ઉપરાંત મુસાફરોના વાહનો કલાકો સુધી ટ્રાફીકજામમા ફસાઈ જતા દેકારો બોલી ગયો હતો. જો કે રાજકોટ શહેરના જે રસ્તાઓ બંધ હતા તે તમામ રસ્તાઓ ૯ વાગ્યા સુધીમાં ખુલી જતા શહેરીજનોને ઓછી મુશ્કેલી પડી હતી.

મેરેથોનને કારણે રેસકોર્ષ રીંગરોડ, રૈયા રોડ, ૧૫૦ ફુટ રોડ, બીજો રીંગ રોડ, ઘંટેશ્વર સુધીનો જામનગર હાઈવે, યાજ્ઞિક રોડ, ટાગોર રોડ સહિતના રસ્તાઓ ૧૮મીએ વહેલી સવારથી બંધ કરી દેવાયા હતા.

જો કે ટ્રાફીકજામ સર્જાય નહી તે માટે થયેલ આયોજન મુજબ શહેરમાં જે રસ્તાઓ બંધ કરાયા હતા. તે ૯ વાગ્યા સધીમાં ખોલી નંખાયા હતા આથી શહેરમાં ટ્રાફીકજામની ફરીયાદો ઓછી હતી પરંતુ રાજકોટ-જામનગર વચ્ચે રાજકોટથી ઘંટેશ્વર, એસઆરપી કેમ્પ, કોસ્મો ચોકડી અને તેનાથી આગળ મવડી સ્પીડવેલ પાર્ટી પ્લોટ સુધીનો બીજો રીંગરોડ જામનગર હાઈવે ૧૧ વગ્યા સુધી બંધ રાખવામાં આવતા ગોંડલથી જામનગર જતા વાહનો, રાજકોટથી જામનગર જતા વાહનો અને જામનગરથી રાજકોટ તરફના વાહનોને ૪ થી ૫ કલાકનો ભારે ટ્રાફીકજામ સર્જાયો હતો કેમ કે જે રોડ ઉપર રાજકોટ-જામનગર તથા બીજા રીંગરોડનો ટ્રાફીક ડાઈવર્ટ કરાયો હતો તે રોડ ઉપર તે રૂટના ટ્રાફીક ઉપરાંત ડાઈવર્ટ થયેલા ટ્રાફીકનું બમણુ ભારણ સર્જાયુ હતું. જેને મેનેજ કરવામાં તંત્ર ટુંકુ પડયુ હતું અને ગોંડલ રોડ પર શાપર સુધી અને જામનગર તરફ પડધરી સુધી સતત ૪ થી ૫ કલાક જબરો ટ્રાફીકજામ થયેલ. ભાર ખટારા, મુસાફરની બસો, લગ્નની જાનના વાહનો આ ટ્રાફીકજામમાં ફસાયા હતા. જામનગરથી સવારે ૮ વાગ્યે નિકળેલા વાહનોને રાજકોટ પહોંચતા બપોરે ૧૨ વાગી ગયા હતા.

આમ રાજકોટની મેરેથોનના ટ્રાફીકજામનો રેલો છેક પડધરી સુધી પહોંચતા તંત્રના આ આયોજન સામે લોકોમાં જબરો રોષ ફેલાયો હતો. એટલું જ નહીં તંત્ર માટે મરજીયાત ગણાતા આ 'ઈવેન્ટ' માટે છેલ્લા બે અઠવાડીયાથી પોલીસ અને કોર્પોરેશનનો સ્ટાફ પણ દિવસ-રાત હેરાન થઈ રહ્યો હતો. તે બાબતે કર્મચારીઓમાં પણ કચવાટ ફેલાયો હતો.(૨-૨૪)

મેરેથોન દોડ સાથે..સાથે..

* મેરેથોનના દોડવીરોને સ્નાયુના દુઃખાવો માથામાં ઇજા : સ્થળ પર તાત્કાલી સારવાર અપાઇ

* કિશાનપરા ચોક સુધી ઝડપભેર દોડતા એક યુવાન બેભાન થઇ જતા હોસ્પિટલમાં સારવાર અપાઇ

*  મેરેથોન બની ગઇ 'મોજમસ્તી'નો અખાડો બપોર સુધી રસ્તાઓ ઉપર-ડાન્સની મહેફીલો ચાલુ રહેતા ટ્રાફીકને અસર

*  મેરોથોન રૂટમાં ગંદકી કચરાના ગંજ

* મેરેથોન બાદ 'ચા-ગાંઠિયા' વાળાને ત્યાં કડાકો પડયો.

(4:45 pm IST)