Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા. ૧૯ થી ૨૬ જાન્યુઆરી સુધીની આગાહી

શુક્ર - શનિ જોરદાર પવન ફૂંકાશે : રવિથી બુધ ઠંડીનો નવો રાઉન્ડ

આજ સાંજથી ૨૩મી સુધી પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે : રવિથી બુધ ન્યુનતમ તાપમાન ૯ થી ૧૧ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તા.૨૧-૨૨ના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીની શકયતા

રાજકોટ, તા. ૧૯ : આ સપ્તાહના અંતથી ફરી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. જયારે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તા.૨૧-૨૨ના ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીની શકયતા છે, પરંતુ આ બે દિવસ દરમિયાન જોરદાર પવન ફૂંકાશે. જયારે તા.૨૩ થી ૨૬ દરમિયાન ઠંડીનો પારો ફરી ૯ થી ૧૧ ડિગ્રીએ પહોંચી જશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે ગત આગાહી મુજબ ૧૫મીથી તાપમાન વધી જશે. તે અનુસંધાને હાલ મહત્તમ અને ન્યુનતમ તાપમાન નોર્મલ નજીક કે તેનાથી ઉંચુ જોવા મળે છે. જેમ કે અમદાવાદ ૧૪.૧ નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ, ડીસા ૧૨.૨ (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ), રાજકોટ ૧૩.૩ (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), ભુજ ૧૪.૫ (નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ) તેવી જ રીતે મહત્તમ તાપમાન નોર્મલથી નજીક અથવા તો તેનાથી ઉંચુ જોવા મળે છે. જેમ કે અમદાવાદ ૨૯ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), ડીસા ૨૭.૮ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), રાજકોટ ૩૦.૯ અને ભુજ ૩૦.૨ (બંને નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ) નોંધાયેલ.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તા. ૧૯ થી ૨૬ જાન્યુઆરી સુધીની આગાહી કરતાં જણાવે છે કે હાલમાં પવન ઉત્તર દિશામાંથી ફૂંકાય છે. પરંતુ આજ સાંજથી પવન પશ્ચિમ દિશામાંથી ફૂંકાવા લાગશે. જેથી ભેજનું પ્રમાણ ફરી વધશે. ૨૩મી સુધી પશ્ચિમના પવન રહેશે. તે દિવસના રાતથી ફરી પવન ઉત્તર દિશામાંથી ફૂંકાવા લાગશે. હાલમાં મહત્તમ અને ન્યુનતમ તાપમાન નોર્મલ કે નોર્મલથી ઉંચા છે. જે તા.૨૧ સુધી હજુ એક - બે ડિગ્રી વધી શકે છે.

જયારે મહત્તમ તાપમાન ૨૨મીથી ફરી ઘટશે. ૨૬મી સુધી નોર્મલથી નીચુ રહેશે. તેવી જ રીતે ન્યુનતમ તાપમાન ૨૨મીના સવાર સુધી નોર્મલ અથવા નોર્મલથી વધુ રહેશે. તા.૨૩ થી ૨૬ દરમિયાન ફરી ઠંડીનો માહોલ છવાશે. તાપમાન હાલ કરતાં ફરી ૫ થી ૬ ડિગ્રી નીચુ આવી જશે. એટલે કે ૯ થી ૧૧ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. ૨૩મીથી ફરી શિયાળુ પવન ફૂંકાવા લાગશે.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તા.૨૦-૨૧થી સક્રિય થતુ હોય જે રાજસ્થાન, નોર્થ એમ.પી. સહિતના ઉત્તર ભારતમાં વરસાદ માટે વધુ અસરકર્તા રહેશે. જેની અસરથી સૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં તા.૨૧-૨૨માં પવનનંુ જોર વધુ જોવા મળશે. ૨૨મીએ તો પવન ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપના ફૂંકાતા જોવા મળશે. આ બે દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીની શકયતા છે. મહત્તમ તાપમાન હાલ જે છે તેના કરતા પાંચેક ડિગ્રી નીચુ એટલે કે ૨૪ થી ૨૬ ડિગ્રીની રેન્જમાં આવી જશે.

(3:30 pm IST)