Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજકોટમાં ૨.૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઇવીએમ અને વીવીપેટના સંગ્રહ માટેના વેરહાઉસનું લોકાર્પણ કલેક્ટર અરુણ મહેશ બાબુએ કર્યુ

જામનગર રોડ પર સિટી પ્રાંત - ૨ અને રાજકોટ ગ્રામ્યને સેવાસદન બનાવવા માટે કલેક્ટર દ્વારા જમીન ફાળવાઈ:કલેક્ટરએ રૂ.૯૭ કરોડના ખર્ચે બની રહેલી કોર્ટ બિલ્ડીંગનું નિરીક્ષણ કર્યુ

રાજકોટ :રાજકોટમાં જામનગર રોડ પાસે, વેરહાઉસ પાસે રૂપિયા ૨.૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના ચૂંટણી પંચની માલિકીના ઇવીએમ અને વીવીપેટના સંગ્રહ માટેનું સમર્પિત અને અતિ આધુનિક ત્રણ માળના વેરહાઉસનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કર્યું હતું. તેમજ આ બિલ્ડીંગનું નિરિક્ષણ કર્યુ હતું.
આ તકે કલેક્ટર જણાવ્યું હતું કે જામનગર રોડ ઉપર આ વેરહાઉસની બાજુમાં આવેલ જમીન સિટી પ્રાંત ૨ અને રાજકોટ ગ્રામ્યને સેવાસદન બનાવવા માટે ફાળવવામાં આવી છે. કલેક્ટરશ્રીએ રૂ.૯૭ કરોડના ખર્ચે બની રહેલી કોર્ટ બિલ્ડીંગની ચાલી રહેલ કામગીરીનું પણ નિરીક્ષણ પણ કર્યુ હતું. આ કામ ગુણવત્તાયુકત રીતે સમયમર્યાદામાં સંપન્ન થાય તેવી સુચના સબંધિત અધિકારીઓને કલેકટરએ આપી હતી.  
નાયબ મામલતદાર સોનલબેન ત્રિવેદીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. પટેલ, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સિદ્ધાર્થ ગઢવી, પ્રાંત અધિકારીશ્રી વિરેન દેસાઈ અને પૂજા જોટાણીયા, નાયબ કાર્યપાલક ઈજનેર આર.સી.કનેરિયા અને રાજેશ્વરી નાયર,મદદનીશ ઇજનેર ડી.એમ. ચોવટિયા, મામલતદાર એમડી દવે, નાયબ મામલતદાર જી.એચ. ચૌહાણ અને એમ.બી. જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(6:38 pm IST)