Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

કાલે ગ્રામ પંચાયતોની ચૂંટણીઃ મંગળવારે મત ગણતરી

રાજકોટ, તા. ૧૮ :. કાલે તા. ૧૯ને રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે અને મંગળવારે તા. ૨૧ના રોજ મત ગણતરી કરાશે.

સૌરાષ્ટ્રમાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તા. ૧૯ના મતદાનનો દિવસ હોવાથી આજથી પ્રચાર ભૂંગળા બંધ કરી દેવાતા ઉમેદવારોએ છેલ્લા સમયનો ઉપયોગ ડોર ટુ ડોર પ્રચાર અને જુથ સભાઓ માટે કર્યો હતો.

સુરતમાં સૌરાષ્ટ્રનો મોટો સમુદાય વસતો હોવાથી ત્યાંથી મતદારોને લાવવા માટે અમરેલી, જૂનાગઢ, રાજકોટ જિલ્લાના ગામડાઓમાથી ખાસ બસ દોડાવવામાં આવી રહી છે. જ્યાં પ્રતિષ્ઠાનો જંગ ખેલાઈ રહ્યો તેવા ગામોમાં શુક્રવારની રાતથી જ ગાંઠીયા-ભજીયાના તાવડા મંડાયા હતા. શનિવારે સાંજે જ ડિસ્પેચીંગ સેન્ટરો ઉપરથી ચૂંટણી સ્ટાફ રવાના કરી દેવાશે. આ સ્ટાફ રાત્રી રોકાણ બુથ ઉપર કરીને મતદાન બાદ રવિવારની રાતે રિસિવીંગ સેન્ટરો ઉપર મતપેટીઓ સાથે પરત આવશે. મતપેટીઓ સ્ટ્રોંગરૂમમાં મુકાશે અને તા. ૨૧ના મત ગણના થશે. આજે મતાધિકાર નહિ ધરાવતા લોકોને જે તે મત વિસ્તાર છોડીને નીકળી જવા આદેશ કરાયો હતો. સાથે જ વિસ્તારમાં મતદાનના દિવસે રજા નથી તેવા ગામમાં મતદાનના દિવસે રજા રાખવા પણ કલેકટરે સૂચના આપી હતી. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિવારે મતદાન યોજાશે. જેમાં કોઈ મુશ્કેલીને કારણે ફેર મતદાનની જરૂર જણાય તો તા. ૨૦ના રોજ ફરી મતદાન કરાવાશે. મત ગણના ૨૧ના રોજ કરવામાં આવ્યા બાદ તા. ૨૪ના રોજ ચૂંટણીની પ્રક્રિયા પુરી થયેલી જાહેર કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સમરસ થયેલી ગ્રામ પંચાયતોને સરકાર દ્વારા ૫ લાખની ગ્રાંટ વિકાસ કામો માટે આપવા જાહેરાત થઈ હતી. આમ છતા ગ્રામ પંચાયતોની ચૂંટણીને રાજકીય કારકિર્દીનું પ્રથમ પગથીયુ ગણીને સૌરાષ્ટ્રમાં સરેરાશ દરેક જિલ્લામાં ૩૦૦૦થી વધુ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

(4:08 pm IST)