Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

વન વીક વન રોડ ઝુંબેશ

ભાવનગર રોડ ઉપર સાત સ્થળે છાપરા - ઓટલા દુર : ૮૨ લોકો પાસેથી ૨૯ લાખનો વેરો વસુલ

રાજકોટ તા. ૧૮ : મ.ન.પા. દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ હેઠળ આજે ભાવનગર રોડ ઉપર ૭ સ્થળેથી માર્જીન પાર્કિંગમાંથી છાપરા - ઓટલાના દબાણો દુર કરાયા હતા તેમજ ૮૨ લોકો પાસેથી કુલ ૨૯ લાખની વેરા વસુલાત કરાઇ હતી.

આ અંગે સત્તાવાર જાહેર થયેલ વિગતો મુજબ વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં. ૪, ૫, ૬ અને ૧૫માં સમાવિષ્ટ ભાવનગર રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં કુલ ૭ સ્થળોએ થયેલ છાપરાનું દબાણ દુર કરી અંદાજે ૫૦૦ ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે.

જેમાં ખાદીગ્રામોદ્યોગ ભવન, ચામુંડા સેલ્સ, ગુર્જર પ્રજાપતિ પ્રગાસ મંડળ, દિવ્યા હોમ એપ્લાયન્સીઝ, શિવમ પ્રિન્ટર પ્રેસ, શિવ પાન કોલ્ડ્રીકસ અને ઉત્સવ ફર્નીચર સહિતની જગ્યાએથી દબાણ દુર થયું.

૨૯.૩૦ લાખની વેરા વસુલાત

વેરા-વસુલાત શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત ભાવનગર રોડ પર વોર્ડ નં. ૪, ૫, ૬ અને ૧૫ પરથી કુલ ૮૨ મિલ્કતો પાસેથી કુલ રૂ. ૨૯ લાખ ૦૩ હજાર રૂપિયાના મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવેલ. વિશેષમાં ભાવનગર રોડ પર આવેલ ગોપાલ પેટ્રોલ પંપ પાસેથી રૂ. ૨,૭૫,૦૦૦ બાકી વસુલાત માટે સીલ કરેલ છે તેમજ વિરાણી ફાસ્ટનર પાસેથી રૂ. ૩,૨૫,૦૦૦ બાકી વસુલાત માટે સીલ કરેલ છે અને વોર્ડ નં. ૦૫માં રહેણાંક મિલકતમાં નળ કનેકશન કપાત કરેલ છે.

રેંકડી - કેબીન જપ્ત

દબાણ હટાવ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત ભાવનગર રોડ પરથી જપ્ત કરેલ રેકડી - કેબીનની સંખ્યા – ૦૨, જપ્ત કરેલ પરચુરણ માલસામાનની સંખ્યા – ૦૪ અને બોર્ડ - બેનર - ઝંડી જપ્તની સંખ્યા – ૧૪૮/૧૫૭ તેમજ રૂ. ૧૨,૦૦૦ વહિવટી ચાર્જ વસુલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

જાહેરમાં કચરો ફેંકનાર ૧૨ દંડાયા

વન વીક વન રોડ અંતર્ગત ભાવનગર રોડ પર જાહેરમાં કચરો ફેકનાર - ગંદકી કરવા સબબ કુલ ૧૨ લોકો પાસેથી રૂ. ૩,૨૫૦, કચરાપેટી - ડસ્ટબીન ન રાખતા ૦૨ ને ૧,૦૦૦, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા - ઉપયોગ કરવા સબબ કુલ ૧૭ વેપારીઓ પાસેથી રૂ. ૭,૧૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ કુલ ૩૧ લોકો પાસેથી કુલ રૂ. ૧૧,૩૫૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ તેમજ ૩ આસામીને ગંદકી માટે રૂ. ૫,૦૦૦ દંડ કરેલ હતો.

(4:05 pm IST)