Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

કોરોના સંક્રમણ ફેલાતા તંત્રની આંખ ઉઘડી : ટેસ્ટીંગ અને આરોગ્ય સ્ટાફ વધારાશે

છેલ્લા ત્રણ દિ'માં ૩૦થી વધુ કેસ આવતા હવે કોવિડ ગાઇડ લાઇનનું કડક પાલન કરાવાશે : સ્કુલોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચેકીંગ કરો : રિક્ષા સહિતના પેસેન્જર વાહનોમાં પણ નિયમ મુજબ પેસેન્જરોનું ચેકીંગ કરાવો : આર.ટી.ઓ. અને જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર પાઠવતા અમિત અરોરા

રાજકોટ તા. ૧૮ : શહેરમાં હવે કોરોના સંક્રમણ ફેલાવા લાગતા મ.ન.પા.નું તંત્ર સફાળુ જાગી ઉઠયું છે. કેમકે ગઇકાલે એકી સાથે ૧૨ કેસ આવતા છેલ્લા ત્રણ દિવસમાં ૩૦થી વધુ કેસ નોંધાઇ ચૂકયા છે અને સ્કુલના વિદ્યાર્થી - શિક્ષકો પણ ઝપટે ચડી જતાં શહેરમાં હવે કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવા તેમજ કોરોનાનું ટેસ્ટીંગ વધારવા અને આ માટે આરોગ્ય વિભાગમાં નવો હંગામી સ્ટાફ ભરવા સહિતના નિર્ણયો યુધ્ધના ધોરણે લેવાયા છે.

આ બાબતે મ્યુ. કમિશનર અમિત અરોરા વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ હવે વધતું હોય તેવું લાગી રહ્યું છે. કેમકે અગાઉ અઠવાડિયામાં ૧૦ કેસ આવતા અને હવે દરરોજ ૧૦ કેસ નોંધાઇ રહ્યા છે. આથી હવે કોરોના પોઝિટિવ દર્દીને શોધવા ટેસ્ટીંગ વધારવામાં આવશે. આ માટે ખાનગી કોન્ટ્રાકટથી આરોગ્ય વિભાગમાં હંગામી સ્ટાફ ભરવાની પ્રક્રિયા પણ થશે.

આ ઉપરાંત સ્કુલોમાં વિદ્યાર્થીઓને સોશ્યલ ડીસ્ટન્સીંગથી બેસાડવા, સેનીટાઇઝેશન સહિતની કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવા માટે સ્કુલોમાં ચેકીંગ કરાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને પત્ર પણ પાઠવાયો છે. તેવી જ રીતે રિક્ષા જેવા પેસેન્જર વાહનોમાં પણ કોવિડ ગાઇડલાઇન મુજબનાં જ પેસેન્જરો રાખવા બાબતનું ચેકીંગ કરાવવા ટ્રાફિક વિભાગને પણ પત્ર દ્વારા જાણ કરાઇ છે.

આમ, હવે સંક્રમણ વધુ ફેલાતુ અટકાવવા તંત્ર કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા અને ટેસ્ટીંગ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરનાર છે.(૨૧.૪૦)

શહેરમાં ૪૪ દર્દીઓ સારવાર હેઠળઃ બપોર સુધીમાં '૦' કેસ

રાજકોટઃ શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૯૨૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૪૨૦  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૦૨૮ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૫૯ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧પ,૧૫,૨૭૩લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૯૨૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૩ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૨ ટકા એ પહોંચ્યો છે. શહેરમાં હાલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:03 pm IST)