Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

ત્રણ દિવસથી ગૂમ મનુની લાશ બેડીના પૂલ નીચે પાણીમાંથી મળીઃ આપઘાતની શકયતા

પૂલ નજીક મંદિર પાસે ઝૂપડામાં રહેતો હતોઃ માનસિક તકલીફ હતી

જ્યાંથી લાશ મળી એ બેડીનો પૂલ, મનુનો નિષ્પ્રાણ દેહ અને પૂલ નજીક આવેલુ તેનુ ઝૂપડુ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૮: રાજકોટ-મોરબી હાઇવે પર બેડી ગામની નદીના પૂલ પાસે મેલડી માતાજીના મંદિર નજીક ઝૂપડામાં રહેતો મનુ ઉર્ફ રાજુ કિશોરભાઇ રાઠોડ (દેવીપૂજક) (ઉ.વ.૨૫) નામનો યુવાન ત્રણેક દિવસથી ઝૂપડેથી નીકળ્યા બાદ લાપત્તા હતો. આજે તેની લાશ બેડી નદીના પૂલ નીચે પાણીમાંથી મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેને માનસિક તકલીફ હોઇ આપઘાત કરી લીધાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

સવારે એક યુવાનની લાશ બેડીના પૂલ નીચે પાણીમાં તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડના દેવાભાઇ, રમેશભાઇ, જયદિપસિંહ, બલદેવભાઇ, વિકાસભાઇ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે ઓળખ મેળવવા તપાસ શરૂ કરતાં કિશોરભાઇ મારવાડી નામના વ્યકિતએ મૃતક યુવાન બેડી પુલ નજીક મંદિર પાસે ઝૂપડામાં રહેતો મનુ રાઠોડ હોવાનું જણાવતાં પોલીસે ઝૂપડે જઇ તપાસ કરતાં મનુ ત્રણેક દિવસથી ઝૂપડેથી નીકળી ગયા બાદ ગૂમ હોવાનું જણાતાં તેની પત્નિને બોલાવી લાશ બતાવાતાં ઓળખ થઇ હતી.

મનુ પાંચ ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતો અને જુના કપડા વેંચતો હતો. તેના બીજા ભાઇઓ અને પરિવારજનો આજીડેમ ચોકડી પાસે રહે છે. પોતે પત્નિ અને બે પુત્રી તથા એક પુત્ર સાથે બેડીના પુલ નજક રહેતો હતો. તેને માનસિક તકલીફ પણ હતી. આ કારણે આપઘાત કરી લીધાની શકયતાએ પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.

(2:40 pm IST)