Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

હરતા - ફરતા પુસ્તકાલયમાં ૮૩ સોસાયટીમાં ૭ હજારથી વધુ સભ્યો

અલગ અલગ બે મોબાઇલ લાઇબ્રેરી યુનિટ દ્વારા બહેનો અને બાળકો માટે ઘરઆંગણે પુસ્તકોની સેવા : એક વિસ્તાર કે સોસાયટીમાં ૧૦ થી ૧૫ સભ્યો બનતા આ સેવા આપના ઘરઆંગણે

આ સેવાનો લાભ લેવા અને વધુ માહિતી માટે ફોન નં. (૦૨૮૧ - ૨૨૨૮૨૪૦) પર સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૮ : મહાનગરપાલિકા દ્વારા સંચાલિત બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલયોની સેવાઓ કોરોનાને લીધે દોઢ વર્ષથી બંધ કરવામાં આવેલ હતી, જે સેવાઓ થોડા સમયથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલ છે. જેના દ્વારા શહેરનાં અલગ અલગ વિસ્તારમાં બહેનો તથા બાળકોને પોતાના ઘરઆંગણા સુધી પુસ્તકોની સેવા પૂરી પાડવામાં આવે છે. શહેરના બહેનો તથા બાળકોને પોતાના ઘરથી લાઈબ્રેરી દૂર થતી હોય, દૂરનાં વિસ્તારોમાં રહેતા આવા શહેરીજનોને પણ વાંચનનો લાભ મળી રહે તેવા હેતુથી આ સેવા ૧૯૮૪ થી શરૂ કરવામાં આવેલ છે અને હજુ અવિરત આ સેવાનો લાભ શહેરના બહેનો તથા બાળકો મેળવી રહ્યા છે.

હાલ આ બહેનો તથા બાળકો માટેના બે ફરતા પુસ્તકાલયથી પુસ્તક સેવાઓ આપી રહ્યા છે. જેમાં મોબાઈલ લાઈબ્રેરી યુનિટ નંબર ૧ શહેરના જુદાજુદા ૪૨ સોસાયટી વિસ્તારમાં સેવાઓ આપી રહ્યું છે. જેમાં ૨૩૩૫૧ પુસ્તકો તથા ૪૨૪૨ સભ્યો નોધાયેલા છે. જયારે મોબાઈલ લાઈબ્રેરી યુનિટ ૨ શહેરના ૪૧ સોસાયટી વિસ્તારમાં સેવાઓ આપે છે  જેમાં પણ ૨૦૩૮૪ પુસ્તકો તથા ૩૪૪૮ સભ્યો નોધાયેલા છે.આ સેવાનો લાભ લેવા ૧૦ થી ૧૫ સભ્યો જો એક વિસ્તાર કે સોસાયટીમાં બને તો ત્યાં આ સેવાઓનો લાભ આપવામાં આવે છે, આ સેવાઓનો શહેરના દુરના વિસ્તારોની સોસાયટીનાં બહેનો તથા બાળકો લાભ મેળવે તેવી રાજકોટ મહાનગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવે છે. શહેરની સોસાયટી વિસ્તારમાં આ સેવાનો લાભ લેવા ફોન નં. ૦૨૮૧- ૨૨૨૮૨૪૦ પરથી માહિતી મેળવી શકાશે.

(2:38 pm IST)