Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

શ્રી પંચનાથ એનીમલ હોસ્પિટલે મૂક પશુ અને પંખીઓની સફળ સારવાર કરીને પ્રાપ્ત કરેલી અનેરી સન્માનનીય સિદ્ધિઓ

ડો.વિવેક કલોલા દ્વારા છેલ્લા એક વર્ષમાં નાના મોટા થઈને કુલ ૧૩૦થી પણ વધારે સફળ ઓપરેશન

રાજકોટઃ આ પૃથ્વી પરના લગભગ સાત અબજથી પણ વધારે વસતા કાળા અથવા તો ધોળા માથાના માનવી પોતાના શરીરના અંગોમાં થતી વેદના બીજા માનવી પાસે વ્યકત કરી શકતો હોવાથી તેની સારવાર આજના યુગમાં તેમને મળી રહી છે પરંતુ મૂક પશુ અને પંખીઓ પોતાની વેદના કે સંવેદના વ્યકત ન કરી શકતા હોવા છતાં પણ આજના મેડિકલ યુગમાં તેમનું સચોટ નિદાન અને સારવાર શકય બન્યું છે. શ્રી પંચનાથ એનિમલ ડિસ્પેન્સરી દ્વારા માનવીની જેમ જ જરૂરી લાગતા વિવિધ અંગોના પરીક્ષણો જેવા કે એકસ-રે, સોનોગ્રાફી કરીને સફળ ઓપરેશન પણ કરવામાં આવે છે.

ડો. વિવેક કલોલાએ છેલ્લા એક વર્ષમાં ૭૨૦૩ થી પણ વધારે પશુ પંખીઓની સારવાર કરેલ છે. તેમાં અતિ સંવેદનશીલ (મેજર) કહી શકાય તેવા ૬૩ અને જરૂરી (માઇનોર) ૭૭ જેટલા શરીરના અંગોની સફળ રીતે સર્જરી કરવામાં સફળ રહ્યા છે. તદુપરાંત ૧૧૦ થી પણ વધારે એકસ-રે પરીક્ષણ દ્વારા અકસ્માતે થયેલા હાડકાના ફ્રેકચરની સારવાર કરવામાં આવી છે.

આ ડિસ્પેન્સરીમાં મુખ્યત્વે સ્વાન, બિલાડી, બકરી, પક્ષીઓ, સસલા, ખિસકોલી, કાચબા, ઉંદર, ઘોડા  જેવા મૂક પશુ અને પંખીઓની સારવાર કરવામાં આવે છે. તદુપરાંત માદા સ્વાનની સ્તનની ગાંઠ, ગર્ભાશયની કોથળીમાં રસી અને નર તથા માદા સ્વાનની નસબંધી, કેન્સરની ગાંઠની સર્જરી કરવામાં આવે છે. મોટાભાગે શ્વાનોમાં જે ટીવીટી રોગ થાય છે તેનો કેમોથેરાપીના ડોઝ દ્વારા સારવાર આપવામાં આવે છે.

ઉપરોકત દર્શાવેલ તમામ રોગોની સારવાર વર્તમાનમાં ડો. વિવેક કલોલા દ્વારા કરવામાં આવે છે. તેઓએ જૂનાગઢ શહેરની અગ્રિકલ્ચર યુનિ. માંથી વેટરનરી તબીબ તરીકેની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. તેઓ શ્વાનને થતા રોગોનો સારવારમાં સારી એવી નિપુણતા પ્રાપ્ત કરેલ છે.

હોસ્પિટલ માટે ગૌરવની અને સન્માનનીય બાબત એ છે કે આ પૃથ્વી પરનું સૌથી વધુ ગભરૂ ગણાતુ પ્રાણી સસલાને થોડાક સમય પહેલા અકસ્માતે પેટમાં લોખંડનો પાઇપ લાગી જતા તેનુ આખુ પેટ ચીરાય ગયુ હતું જેને પરીણામે તેમના શરીરના આંતરડા બહાર આવી ગયા હતા આ અતિગંભીર રીતે દ્યવાયેલા પ્રાણીને હોસ્પિટલમાં લાવવામાં આવતા શ્રી પંચનાથ એનીમલ ડિસ્પેન્સરીની ટીમે ગંભીર સમય પારખીને તાત્કાલિક ઓકસીજન સપોર્ટ આપીને અતિસંવેદનશીલ કહી શકાય તેવી સર્જરી કરીને તેને હેમખેમ બચાવી લેવામા કલ્પી ન શકાય તેવી સફળતા પ્રાપ્ત કરેલ છે.

તેવી જ રીતે બીજી ગૌરવની વાત એ છે કે સૌથી વધુ નિર્દોષ ગણાતુ અબોલ જીવ ખિસકોલીને બેભાન અવસ્થામાં જ નિહાળતા જીવદયા પ્રેમી એવા એક બહેન દ્વારા હોસ્પિટલ પર લાવતા ડિસ્પેન્સરીની ટીમે તાત્કાલિક પ્રાઈમરી તપાસ કરતા સદનસીબે તેમના શ્વાસ અને ધબકારા સામાન્ય જણાતા તરતજ તેમની શારીરિક તપાસ શરૂ કરવામાં આવી તપાસણીના રીપોર્ટ મુજબ આ નિર્દોષ જીવ તો ગર્ભાવસ્થામાં માલૂમ પડયો તરતજ ઓકસીજન સપોર્ટ દ્વારા તેમને સ્થિર કરવામા આવી ત્યારબાદ એનેસ્થેસીયા આપી બેહોશ કાર્ય બાદ કલ્પી ન શકાય તેવું અતિ સંવેદનશીલ ઓપરેશન કરીને નિર્દોષ જીવ ખિસકોલી ને તથા તેમના બચ્ચાને બચાવી લેવામા જંગી કામયાબી મેળવી તથા કુતરાના ગર્ભાશયમાં રસી થઈ જતા ઓપરેશન દ્વારા ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી હતી.

આમ પંચનાથ એનીમલ હોસ્પિટલ અને ડિસ્પેન્સરીની બાહોશ ટીમ દ્વારા ઉપરોકત કલ્પના ન થઇ શકે તેવા આ અબોલ જીવને સર્જરી દ્વારા બચાવીને ફરી પાછા કુદરતના ખોળામાં વિહાર કરવા મોકલીને ચાર ચાંદ લગાવી દીધા હતા સાચા અર્થમાં યશના અધિકારી આ બાહોશ ટીમને આપણા સૌના લાખ લાખ સલામ.

મનુષ્યની જેમ જ અબોલ પશુ અને પંખીઓમાં રહેલી વેદના કે સંવેદનાને વાચા આપનાર શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખશ્રી ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદ મંત્રીશ્રી તનસુખભાઈ ઓઝા, પ્રોજેકટ ચેરમેન શ્રી મયુરભાઈ શાહ, ટ્રસ્ટીશ્રીઓ ડી. વી. મહેતા, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ, નીતિનભાઈ મણિયાર, મિતેશભાઈ વ્યાસ, નારણભાઇ લાલકિયા, ડો. લલિતભાઈ ત્રિવેદી, મનુભાઈ પટેલ જેવા સેવાના ભેખધારીઓ માનવીઓની તથા અબોલ અને મૂક પશુ પંખીઓની સેવાકીય કાર્ય માટે તત્પર છે.

પશુ અને પંખીઓમાં થતા રોગો માટે તપાસનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી પરંતુ જરૂર પડ્યે એકસ-રેનો ફકત રૂ. ૧૦૦ ચાર્જ લેવામાં આવે છે. સૌથી અગત્યની બાબત એ છેકે શેરીમાં વસતા શ્વાનોની સારવાર માટેનો કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલ કરવામાં આવતો નથી. હોસ્પિટલનો સમય સવારે ૯ થી બપોરે ૧ અને બપોરે ૩ થી સાંજના ૭ સુધીનો રાખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ડો. વિવેક કલોલા મો. ૯૯૦૪૯ ૭૪૯૫૫ અથવા તો ડિસ્પેન્સરીના લેન્ડ લાઈન નંબર ૦૨૮૧ - ૨૨૩૧૨૧૫ /            ૦૨૮૧  - ૨૨૨૩૨૪૯ પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

(3:53 pm IST)