Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

રાજકોટ સહિત ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડશે 'આપ': દિલ્હી મોડલથી વિજયનો વિશ્વાસઃ ગુલાબસિંહ યાદવ

લોકો મજબુરીથી ભાજપને ચૂંટે છે હવે 'આપ'નો મજબુત વિકલ્પ છે : રાજકોટ સહિત ગુજરાતભરની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આપનાં ઉમેદવારોઃ ગુન્હાખોરોને ટીકીટ નહી જ અપાયઃ રાજકોટમાં ૧૮ વોર્ડમાં 'આપ'ની પેનલ તૈયાર કરવા સમીક્ષા બેઠકઃ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના પ્રભારીએ જાહેર કરી ચૂંટણીની રણનીતિ

આપનાં ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે પત્રકાર પરિષદ સંબોધી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ તા. ૧૮: રાજયભરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે ભારતીય રાજકારણમાં બે બળિયા પક્ષ ભા.જ.પ. અને કોંગ્રેસ સામે કાઠુ કાઢી અને દિલ્હીની ગાદી સર કરનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પણ ત્રીજા વિકલ્પ રૂપે નગરપાલિકા, મહાનગરપાલિકાઓ અને તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણી લડનાર છે.

જેની રણનીતી જાહેર કરવા માટે આજે રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં દિલ્હીનાં 'આપ'નાં ધારાસભ્ય અને ગુજરાતનાં પ્રભારી ગુલાબસિંહ યાદવે જાહેર કર્યું હતું.

પત્રકાર પરિષદને સંબોધતાં ગુલાબસિંહ યાદવે જણાવેલ કે ''ગુજરાતમાં જનતા મજબુરીથી ભા.જ.પ.ને મત આપે છે કેમકે તેમની પાસે કોઇ સબળ વિકલ્પ નથી. કોંગ્રેસ ખુદ તુટી રહી છે. પરંતુ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજયની તમામ ચુંટણીઓમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતાં ઉમેદવારોને લડાવશે.

શ્રી યાદવે જણાવેલ કે સમગ્ર ભારતવાસીઓએ જોયું છે. આમ આદમી પાર્ટીનાં નેતા અને સતત ત્રણ વખતથી દિલ્હીનાં મુખ્યમંત્રીપદે રહી લોકસેવા કરી રહેલાં અરવિંદ કેજરીવાલજીએ શિક્ષણ, કૃષિ, વિજળી સહિત તમામ ક્ષેત્રોમાં લોકોની સુખાકારી માટે જરૂરી પગલા લઇ અને લોકશાહીમાં દૃષ્ટાંતરૂપ સુચારૂ વહીવટ આપી રહ્યા છે.

જો દિલ્હીમાં આ પ્રકારે લોકો માટેની યોજનાઓ કાર્યાન્વીત  થઇ શકતી હોય તો ગુજરાતની ભા.જ.પ. સરકારે છેલ્લા રપ વર્ષમાં કેમ કોઇ યોજનાઓ કરી નહીં? તેવાં સવાલો સાથે આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જશે.

શ્રી યાદવે જણાવેલ કે ગુજરાતનાં લોકો સમક્ષ દિલ્હીથી આપ સરકારનું મોડલ રજાુ કરી અને ગુજરાતમાં પણ લોકોનું શાસન હકિકતમાં આવે તે માટે પ્રયાસો કરીશું.

શ્રી યાદવે ચુંટણીની રણનીતી જાહેર કરતાં જણાવેલ ''આમ આદમી પાર્ટી એવાજ ઉમેદવારોને ટીકીટ આપશે કે જેના ઉપર એક પણ ગુન્હાનું લાંછન નહીં હોય સ્વચ્છ પ્રતિભાવંત ઉમેદવારોને ટીકીટ અપાશે.

ત્યારે આશા છે કે, અત્યાર સુધી મજબુરીથી ભા.જ.પ.ની તાનાશાહી સરકારને બદલે લોકોની 'આપ' સરકારનાં મજબુત વિકલ્પને અપનાવશે.

દરમિયાન આજે પ્રભારી શ્રી યાદવની ઉપસ્થિતિમાં રાજકોટનાં ૧૮ વોર્ડની ૭ર બેઠકો માટેની આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોની પેનલ તૈયાર કરવા માટે સમીક્ષા બેઠક પણ યોજાઇ હતી.

આ પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ રાજભા ઝાલા, સંગઠન મંત્રી અજીત લોખીલ, સૌરાષ્ટ્રનાં પ્રભારી રઘુવિંદ્ર વર્મા, ગુજરાતનાં પ્રદેશ અગ્રણી ગોપાલ ઇટાલિયા વગેરે ઉપસ્થિત હતાં.

રાત્રી કર્ફયુ સામે 'આપ' દ્વારા આજથી ઠેરઠેર વિરોધ પ્રદર્શન

રાજકોટ તા. ૧૮: આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રભારી ત્થા ધારાસભ્ય ગુલાબસિંહ અને શહેર પ્રમુખે જાહેર કર્યું હતું કે, ગુજરાતની જનતાને 'રાત્રી કર્ફયુ'માંથી મુકિત માટે આજથી આપ દ્વારા રાજકોટ સહિત ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરાશે. (૭.૪૪)

(3:21 pm IST)