Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

રિવોલ્વર-કારતુસ-તલવારની ચોરી કરવા અંગેના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન નામંજુર

રાજકોટ,તા. ૧૮: રાજકોટના કારખાનામાંથી પરવાના વાળી રીવોલ્વર કારતુસ તથા તલવાર ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓની જામીન અરજી અદાલતે રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે તા. ૨૧-૯-૨૦ ના રોજ ફરીયાદી અરવિંદભાઇ ઉર્ફે પીટુભાઇ બોમ્બે સુપર હાઇબ્રીડ સીડસ લીમીટેડ અમદાવાદ રાજકોટ હાઇવેની ફેકટરીમાંથી આરોપીઓ શૈલેષ ઉર્ફે શેલો, રાજુ રામસીંગ બારીયા, ભરત બાદરસંગ પલાસ, રાયસંગ, ઉર્ફે રામસીંગ, સુભાષ નવરીયા, ભાભોર, રામકુનરસુ પલાસ તથા દીનેશ મોજી તમામ રહે. તા. ગરબાડા જી.દાહોદ. ઉપરોકત કારખાનામાં ફરીયાદી અરવિંદભાઇ ઉર્ફે પીટુભાઇ પરવાનાવાળી રીવોલ્વર તથા રીવોલ્વરમાં રહેલ છ લોડેડ કારતુસ તથા સોપીંસની તલવાર કુલ મળી ૪૦,૦૦૦ની ચોરી કરેલ હતી.

આ તમામ આરોપીઓને અમદાવાદ પોલીસ દ્વારા ઉપરોકત ચોરાયેલ હથિયાર સાથે પકડી પાડવા આરોપીઓએ રીવોલ્વર તથા કારતુસ રાજકોટના ઉપરોકત કારખાનામાંથી ચોરેલ હોવાનું કબુલાત આપેલ જેથી કુવાડવા પોલીસ દ્વારા ઉપરોકત તમામ આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી હાલના ગુન્હામાં ધરપકડ કરેલ.

સરકારી વકીલ એ.એસ.ગોગિયા દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે તમામ આરોપીઓએ હથિયાર ચોરી કરેલ અને ત્યારબાદ તે હથીયારનો અન્ય ગુનામાં સાથે રાખી ઉપયોગ કરતા હોય તેમજ તમામ આરોપીઓ વિરૂધ્ધ અગાઉ પણ ચોરી બાબતેની ફરીયાદો દાખલ થયેલ હોય આ તમામ આરોપીઓએ અન્ય જીલ્લાના રહેવાસી હોય ટ્રાયલ વખતે હાજર રહે નહીં. અથવા તો નાસી ભાગી જવાની પુરેપુરી શકયતા હોય તેમજ તમામ આરોપીઓ જામીનમુકત થયે ફરી વખત આજ પ્રકારનો ગુન્હો આચરે તેવી શકયતા છે તથા હજુ બે આરોપીઓ પકડવાના બાકી હોય જામીન આપી શકાય નહીં.

બંને પક્ષોની રજુઆતો સાંભળ્યા બાદ તેમજ પોલીસ પેપર્સ તથા પોલીસ અમલદારનું સોગંદનામું વંચાણે લીધા બાદ નામદાર એડીશનલ ડીસ્ટ્રીકટ જજ પી.એમ. ત્રિવેદી મેડમ દ્વારા જામીન અરજી રદ કરતો હુકમ કરેલ. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ અનીલ એસ. ગોગીયા દ્વારા રજુઆત કરવામાં આવેલ.

(2:42 pm IST)