Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

રૈયાના પ્રવિણને વ્યાજખોર નવઘણ ભરવાડના ત્રાસથી ગામ છોડવું પડ્યું

તું વ્યાજ સહિતની રકમ આપી દેજે નહિતર ગમે ત્યાંથી ગોતી લઇશ, મકાન પડાવી લઇશ! : અંતે ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે ધમકી-મનીલેન્ડ એકટ-એટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૮: વ્યાજખોરીનો વધુ એક મામલો સામે આવ્યો છે. રૈયા ગામમાં સ્મશાન પાસેની શેરીમાં રહેતાં પ્રવિણ જસાભાઇ લુહાર (ઉ.૩૮) નામના વણકર યુવાનને નવઘણ નામના ભરવાડ શખ્સે વ્યાજની ઉઘરાણી માટે સતત ધમકીઓ આપી વ્યાજ અને રકમ નહિ આપે તો મકાન પડાવી લેશે તેવી ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યુનિવર્સિટી પોલીસે નવઘણ વિરૂધ્ધ આઇપીસી ૩૮૫, ૫૦૬ (૨), ગુજરાત મનીલેન્ડ એકટ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રવિણ લુહારે ફરિયાદમાં જણાવ્યું છે કે હું કડીયા કામની મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. મારે સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ૨૦૧૩માં મારે પૈસાની જરૂર પડતાં પરિચીત એવા નવઘણ ભરવાડ પાસેથી રૂ. ૧ લાખ લીધા હતાં. તેની સામે મેં મારા મકાનનું નોટરી વેંચાણ કરાર તથા ચુકતે અવેજનું લખાણ કરી તેને આપ્યું હતું અને ૭ ટકા લેખે વ્યાજ ભર્યુ હતું. રકમ ભરાઇ જતાં તેણે મકાનના કાગળો મને આપી દીધા હતાં. ફરીથી જરૂર પડતાં મેં જુના લખાણને આધારે પાછા એક લાખ લીધા હતાં. આ રકમનું પણ ૭ ટકા લેખે વ્યાજ આપ્યું હતું.

ત્યાર પછી મારે સાઇટ પર ખોટ જતાં ૭૦ હજાર લીધા હતાં. જેનું ૧૦ ટકા લેખે રૂ. ૧૪ હજાર વ્યાજ બે મહિનાથી હું આપી શકયો નથી. આ કારણે નવઘણે ફોન કરી રૂ. એક લાખ રોકડા અને તેનું ૧૪ હજાર વ્યાજ આપવું પડશે તેમ કહી જો વ્યાજ નહિ આપે તો મને કઢાવતા આવડે છે, તારું મકાન પચાવી લઇશ...ખાલી કરાવતાં મને આવડે છે તેવી ધમકીઓ આપી હતી. ૧૧/૧૧ના રોજ મને નવઘણે એસએનકે સ્કૂલ પાસે ગુર્જર ક્ષત્રીયની વાડી પાસે રાધીકા ચાની હોટેલે બોલાવ્યો હતો. હું ત્યાં જતાં તેણે ૧ લાખ અને ૧૪ હજાર વ્યાજ સહિત બે દિવસમાં નહિ આપ તો મકાન ખાલી કરાવી નાંખીશ, તેનું લખાણ મારી પાસે છે...તેમ કહી મારી નાંખવાની ધમકી આપતાં હું બીકને લીધે જુનાગઢ તરફ ભાગી ગયો હતો. બાદમાં મારા કુટુ઼બીજનોએ મને શોધીને પોલીસને જાણ કરવા કહેતાં મેં ફરિયાદ કરી હતી.

ઉપરોકત યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ પી.એ. ગોહેલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (૧૪.૯)

 

(12:45 pm IST)