Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સુન્ની સંપ્રદાયના વડા આ'લા - હઝરતનો બરૈલીમાં ૧૦૦મો ઉર્ષ

વિશ્વભરમાં તા. ૪-૧૧-૨૦૧૮ના બપોરે ૨.૩૮ વાગ્યે મસ્જીદો - મદ્રેસા અનેક ઘરોમાં પઢાશે 'કુલ શરીફ' : દુનિયાભરના મુસ્લિમો ઉત્તરપ્રદેશના બરૈલી શરીફમાં ત્રણ દિ'ના ઉર્ષમાં ઉમટી પડશે : ૧૧૪ વિષયો ઉપર ૧૪૦૦ પુસ્તકો લખ્યા : અનેક યુનિવર્સિટીઓમાં તેઓ ઉપર થઇ રહેલી પીએચડી : પૈગમ્બર સાહેબને જોનાર સહાબી, હઝરત કૈસ અબ્દુર્રશીદના વશંજ આ'લા - હઝરતની દરગાહ એટલે બરૈલી, આજે પણ સુન્ની સંપ્રદાયનું 'કેન્દ્ર' છે જ્યાંથી આજે પણ 'ISIS' વિરૂધ્ધ ફતવો અપાયેલ છે : ઇસ્લામી પંચાગના ૧૪મી સદિના 'મુજદ્દ' ઇમામ અહેમદ રઝાને માનનારો વર્ગ જ આજે સુન્ની બરૈલ્વી તરીકે ઓળખાય છેઃ આ'લા હઝરત, એક સાચા દેશ ભકત હોવાના નામે અંગ્રેજ જનરલે તેઓના માથા માટે ઇનામ જાહેર કરેલ : ભારતમાં અંગ્રેજો દ્વારા પહેલી જ કોઠી નાખવાનો વિરોધ કરનાર મૌલાના રઝાઅલીખાનના પૌત્ર આ'લા - હઝરત 'વિકટોરિયા'ની પોસ્ટલ સ્ટેમ્પ પણ ઉંધી લગાડતા હતા : અનેક ફતવાઓ આપી અંગ્રેજોથી સખત નફરત દર્શાવી : મક્કા શરીફના કા'બા શરીફની દિશા નક્કી કરવા તેઓએ આપેલ : દિશાયંત્ર ઉપર આજે પણ અમેરિકા, યુરોપ, આરબ દેશોમાં અમલ થાય છે : માત્ર ટૂંકા નામે પંકાયેલા 'આ'લા હઝરત' ૫૮ ભાષાઓ જાણતા હતા : સૌથી મોટું પુસ્તક 'ફતવાએ રઝવીયાહ' : એક ઇસ્લામી એન્સાઇ કલોપિડીયા : ૪ ફૂટ લંબાઇ, ૩૫ કિલો વજન અને ૩૨ ભાગમાં વિવરણ

 રાજકોટ તા. ૧૮ : વિશ્વભરમાં ફેલાયેલ મુસ્લિમ સમાજ વચ્ચે જેના થકી 'સુન્ની બરૈલ્વી' સંપ્રદાય ઓળખાય છે તે સુન્ની પંથના વડા ધર્મગુરૂ અને માત્ર  'આ'લા-હઝરત' ના નામે જાણીતા ઇમામ અહેમદ રઝાખાન સાહેબ (રહે.)નો ૧૦૦ મો ઉર્ષ આગામી તા. ર, ૩ અને ૪  નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના  બરૈલી શહેરમાં તેઓની આવેલી દરગાહે ઉજવવામાં આવનાર છે.

દર વર્ષે તેઓનો ઉર્ષ રાબેતા મુજબ ઇસ્લામી મહીના સફરની રપ મી તારીખે બરૈલીમાં ઉજવાય છે જયાં વિશ્વભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ ઉમટીપડે છે એ ઉપરાંત દર વર્ષે ગામે ગામ ઉર્ષે રઝાના નામે તેઓનો જલ્સો યોજાય છે એ ઉપરાંત તેઓનો રપ મી સફરના દિવસે બપોરે ર.૩૮ વાગ્યે દેહત્યાગ થયો હતો જેથી આજે પણ ૧૦૦ વર્ષ થયા આ એક એવા મહાન ઔલિયા છે કે જેમની સ્મૃતિમાં રપ મી સફરે બપોરે ર.૩૮ વાગ્યે ગામે ગામ મસ્જીદો-મદ્રેસાઓ અને અનેક અનુયાયીઓ દ્વારા એ સમયે જ 'કુલ શરીફ' પઢવામાં આવે છે.

દર વર્ષે તેઓના દેહત્યાગના સમયે જ તેઓની સ્મૃતિને જીવંત કરવાની પરંપરા આજે પણ માત્ર ભારતમાં જ નહીં અનેક દેશોમાં પ્રચલિત છે તે એક બાબત જ તેઓની લોકપ્રિયતા કે સ્વિકૃતિની  બેનમૂન નિશાની છે.

જો કે આગામી રપ મી સફરે તેઓનો ૧૦૦ મો ઉર્ષ ઉજવવામાં આવનાર છે. ત્યારે આ ઉર્ષમાં પોતાની હાજરી ને યાદગાર બનાવવા માટે માત્ર ભારત જ નહીં અનેક દેશોમાંથી સુન્ની મુસ્લિમો બરૈલી ઉર્ષમાં ઉમટી પડનાર છે. અને તેની તૈયારીઓ છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે અને વર્તમાન સુન્નીઓ તેને પોતાનું સદ્ભાગ્ય માની રહ્યા છે.

ઇસ્લામ ધર્મમાં પૈગમ્બર સાહેબની મકકા શરીફથી મદીના શરીફ હિજરત પછી હિજરીસન શરૂ થયેલ જે આજે ૧૪૪૦ હિજરીસન ચાલી રહી છે અને તે કારણે તે ૧૪ મી સદી પુરી કરી ૧પ મી સદી ચાલી રહી છે. ત્યારે ઇલાહી આદેશ મુજબ ઇસ્લામ ધર્મમાં દરેક એક સદીમાં 'મુજદ્દીદ' જન્મ લેશે તે અનુસાર આ'લા - હઝરત ૧૪ મી સદિના મુજદ્દીદ સાબીત થયા પછી તેઓ મુજદ્દીદે આઝમ તરીકે ઓળખાયા છે.

મુજદ્દીદનો અર્થ એક સમાજ સુધારક તરીકે થાય છે અને તે મહાન ઔલિયા હોય છે ત્યારે ૧૪ મી સદિના મુજદ્દીદ આ'લા હઝરત એ પોતાના જીવનકાળ દરમિયાન ૧૧૪ વિષયો ઉપર ૧૪૦૦ જેટલા નાના -મોટા - પુસ્તકો લખી ઇસ્લામ ધર્મને અર્પણ કર્યા છે.

આ તકે તેઓના જ્ઞાનને આખી દુનિયાએ સલામ કર્યા અને એટલું જ નહીં બિન મુસ્લિમ સહિતના તમામ ધર્મોએ તેઓના જ્ઞાનનો સ્વિકાર કર્યો છે. માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહયું હતું કે, તેઓ એક મહાન સમાજ સુધારક હતાં.

મૌલાના અહેમદ રઝાખાન સાહેબ એક સાચા દેશભકત પણ હતા અને અંગ્રેજોથી સખ્ત નફરત કરતા હતાં. એ ત્યાં સુધી કે રાણી વિકટોરીયાની પોસ્ટલ સ્ટેમ્પને ઉંધી ચિપકાવતા હતા અને અંગ્રેજો વિરૂધ્ધ લડાઇ  લડનારાને પોતાની હવેલીમાં આશરો આપેલ આથી જ અંગ્રેજ જનરલ લોર્ડ હોસ્ટિંગએ તેઓના માટે એ સમયે રૂ. પ૦૦ નું ઇનામ જાહેર કર્યુ હતું.

આ'લા-હઝરતનો જન્મ જંગે આઝાદીના એક વર્ષ પહેલાં ૧૪-૬-૧૮પ૬ ના બરૈલી શરીફમાં થયો હતો અને તેઓના દાદા મૌલાના રઝાઅલીખાન એ અંગ્રેજોએ ત્યારે બરૈલી શહેરમાં ભારતની પહેલી કોઠી નાખી  તેને ઉખાડીને ફેંકી દીધી હતી.

આવા મહાન મુજદ્દીદના જ્ઞાનનો આજે વિશ્વની અનેક યુનિવર્સિટીમાં વિવિધ દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ - સંશોધન કરી રહ્યા છે અને તેઓના પુસ્તકોનો અરેબિક, અંગ્રેજી, હિન્દી ઉપરાંત વિવિધ ભાષામાં અનુવાદો થઇ પ્રકાશિત થયા છે.

આ'લા-હઝરતના પૂર્વ જ અફઘાનીસ્તાનના રહીશ હતા અને તેઓ પૈગમ્બર સાહેબને નિહાળનાર સહાબી હઝરત કૈસ અબ્દુર્રશીદના વશંજ હતા અને હઝરત કૈસની શાદી મહાન સહાબા હઝરત ખાલિદ બિન વલિદના સુપુત્રી સાથે થયેલી એ કુળમાં આ'લા - હઝરતનો જન્મ થયેલ છે.

એ સમયમાં જે હાલના કોઇ આધુનિક સાધનો ઉપલબ્ધ ન હતા એ વેળા આ'લા-હઝરતએ અરબસ્તાનમાં આવેલા મકકા શહેરમાં સ્થાપિત કા'બા શરીફની દિશા દુનિયાના કોઇપણ સ્થળેથી નકકી કરવા એક દિશા યંત્ર આપેલ. જે સરળ સુત્ર ઉપર આજે પણ અમેરિકા, આરબ દેશો, યુરોપ સહિત વિશ્વમાં અમલ થઇ રહયો છે.

અરજુલ બલદ નામનું આ અંગેનું તેઓનું એક પુસ્તક લખાયેલ છે આ પ્રકારે વિવિધ વિષયોના તેઓના અલગ અલગ પુસ્તકો લખાયેલા છે.

બિહારના પુરનપુર જીલ્લામાં થોડા સમય પહેલાં જ એક કાર્યક્રમ આ'લા-હઝરત વિષયક યોજાયો હતો જેને સંબોધતા મુફતી સાજીદ હસનીએ કહયું હતું કે, સમગ્ર સુન્ની સમાજના ઇમામ આ'લા-હઝરત છે અને તેઓએ પ૮ ભાષાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું.

અંગ્રેજો વિરૂધ્ધ સખ્ત નફરત કરી અનેક ફતવાઓ પણ આપ્યા અને એક સાચા દેશ ભકત તરીકે પંકાયા તેવા ઇમામ અહેમદ રઝાખાન સાહેબનું સૌથી જબરૂ પુસ્તક 'ફતાવાએ રઝવીયા'  છે જે એક ઇસ્લામી એન્સાઇકલોપિડીયા જ છે જે પુસ્તક ૪ ફુટ લંબાઇ ધરાવતુ ૩પ કિલો વજનનું છે અને તેના ૩ર (બત્રીસ) ભાગ છે.

આજે પણ સુન્ની સમાજ તેઓના પંથ ઉપર જ ચાલી રહ્યો છે અને બરૈલીની દરગાહે આ'લા - હઝરત આજે પણ વિશ્વના સુન્નીઓનું કેન્દ્ર હોઇ દરેક પ્રકારના ફતવાઓ આજે પણ ત્યાંથી પ્રસારિત થઇ રહ્યા છે અને આઇએસઆઇએસ  વિરૂધ્ધ સહિતના અનેક પ્રકારના દોષો સામે આજે પણ બરૈલીથી ફતવાઓ રજૂ થઇ રહ્યા છે.

એટલું જ નહીં આ એક એવા મહાન મુજદ્દીદ અને મહાન ઔલિયા છે કે જેમનો ઉર્ષ તો ઉજવાય છે પણ દર વર્ષ ઇસ્લામી મહીના શવ્વાલની ૧૦ મી તારીખે જન્મદીન 'યોમે રઝા' પણ કાયદેસર રીતે ગામે ગામ ઉજવવામાં આવે છે.

હિજરી સન ૧૩૪૦ ની રપ મી સફરે  એટલે કે તા. ર૮-૧૦-૧૯ર૧ ના રોજ તેઓએ દેહત્યાગ કર્યો જેને આગામી તા. ૪ નવેમ્બર એટલે કે રપ મી સફર હિજરી ૧૪૪૦ ના  ઇસ્લામી પંચાગ મુજબ ૧૦૦ વર્ષ પુરા થઇ રહ્યા છે અને આજે પણ સુન્ની સમાજ તેઓના ચિંધેલા પંથ ઉપર ચાલીને જોરશોરથી 'મસ્લકે આ'લા- હઝરત ઝિંદાબાદ' નો  નારો સર્વત્ર પોકારી રહ્યો છે. અને એ ત્યાં સુધી કે આજે ઓળખ જ 'આ'લા-હઝરત' થકી બની રહી છે.  અને આજે પણ આ'લા - હઝરતના નામ માત્ર ઉપર વિવિધ પ્રકારના સંશોધનો થઇ રહ્યા છે. 

અત્રે એ નોંધનીય છે કે, દર વર્ષે બરૈલી શરીફમાં ઉર્ષે રઝવી યોજાય છે એ પૂર્વે ત્રણ દિ' બરૈલીથી ૪પ કી. મી. દુર આવેલા પીલીભીત શરીફમાં માહે સફરની ર૧, રર, ર૩ તારીખે ઉર્ષ હશમતી ઉજવાય છે. આ ઉર્ષ ખૂદ આ'લા-હઝરત (રહે.) ના બન્ને સુપુત્રો હુજ્જતુલ ઇસ્લામ (રહે.) ત્થા હૂઝૂર મુફતી એ આ'ઝમ હિન્દ (રહે.) ની લેખિત સુચના અનુસાર આજ સમયે યોજાય છે એ રીતે આ વખતે પણ રાબેતા મુજબ તા. ૩૧ ઓકટો. ત્થા ૧-ર-૩ નવે.ના હુઝૂર શેરબેઅશએ સુન્નત મુનાઝિરે આઝમ હિન્દ, હઝરત મૌલાના મુહંમદ હશમત અલીખાન સાહેબ (રહે.) નો ૬૦ મો ઉર્ષ ઉજવાશે. આથી દર વર્ષ અનેક લોકો પહેલા પીલીભીત અને તે  પછી બરૈલી હાજરી આપી બન્ને ઉર્ષનો લાભ મેળવતા રહે છે.

નાગપુરમાં ત્રણ દિ'નો વર્લ્ડ ઇસ્લામિક સેમિનાર : દેશ-વિદેશના પ૦૦ ઉલેમાઓનું આગમન ત્રણ લાખ સુન્નીઓની હાજરીનો સંભવ

મુંબઇ તા. ૧૮ : એક સોમા ઉર્ષ રઝા પ્રસંગે નાગપુર (મહારાષ્ટ્ર) માં તા. ર૬, ર૭, ર૮ ઓકટોબરના રોજ ત્રણ દિ'નો વર્લ્ડ ઇસ્લામીક સુન્ની ઇજતેમા રાખવામાં આવ્યો છે જેમાં ત્રણેક લાખ લોકો હાજરી આપે તેવી સંભાવના છે એ ઉપરાંત પ૦૦ જેટલા દેશ-વિદેશના ઉલેમાઓનું આગમન થનાર છે.

જેમાં ખાસ કરીને મૌલાના શેખ રિયાઝૂલ બાઝૂ અલ મોકર (લેબેનોન), મુફતી સૈયદ અહેમદ મમદુહ અલ મોકર (ઇજીપ્ત), મૌલાના નુરૂલએન કાદરી (ટાન્ઝાનીયા), મૌલાના કમરૂઝઝમાં આઝમી (લંડન), ઉપરાંત દેશભરના ઉલેમાઓ  અને આ'લા-હઝરત પરિવારના ઉલેમાઓ હાજરી આપનાર છે.

આ પ્રસંગે આ'લા-હઝરતનો પરિચય કરાવતું પ૦૦ પૃષ્ઠ આધારિત અરેબિક ભાષી પુસ્તકનું વિમોચન કરાશે. અને અન્ય ૧૦ ભાષાઓમાં પત્રિકાઓ પ્રસિધ્ધ કરાશે.

ભૂજ-બરૈલી ટ્રેન 'આલા-હઝરત એક્ષપ્રેસ' તરીકે ચાલે છેઃ

૭૫માં ઉર્ષ પ્રસંગે ૧૯૯૫માં 'પોસ્ટલ સ્ટેમ્પ' પ્રસિદ્ધ થયેલ

રાજકોટ, તા. ૧૮  : આ'લા-હઝરતના ૭૫માં ઉર્ષનો પ્રસંગ પણ બરૈલી શહેરમાં ભવ્યતાથી ઉજવાયો હતો અને આ તકે એ સમયે દરગાહ આ'લા-હઝરતના ઉપગાદિપતિ, મૌલાના તૌસીફ રઝાખાનના પ્રયાસોથી ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીયા દ્વારા ભૂજ-બરૈલી ટ્રેન ચાલુ કરી તેને 'આ'લા-હઝરત એકસપ્રેસ' નામ અપાયું હતુ જે આજે પણ ચાલી રહી છે.

એક યુનિવર્સિટીનું નામ પણ આ'લા-હઝરત યુનિવર્સિટી અપાયુ હતું તે ઉપરાંત ગવર્નમેન્ટ દ્વારા રૂ. ૧ની પોસ્ટલ સ્ટેમ્પ પણ કાનપુર (ઉત્તર પ્રદેશ) ખાતે પ્રસિદ્ધ કરાઈ હતી અને તેનુ વિમોચન ૩૧-૧૨-૧૯૯૫મા થયું હતું.

અત્રે એ નોંધનીય છે કે, આ પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન ભારતમાં ત્રણ સ્થળે એ વખતે થયું. જેમા સૌરાષ્ટ્રભરમાં બિન સુન્નીઓ સામે સિંહ ગર્જના કરનાર ખલીફ-એ-મુફતી - એ આ'ઝમ હિન્દ, ફાતેહ સૌરાષ્ટ્ર-હઝરત મૌલાના મુહંમદ ઈસ્હાક સાહેબ હશમતી (રહે.)ના પરિવારના પ્રયાસોથી રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે પણ એજ દિવસે 'આલા-હઝરત'ની પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચનનો પ્રસંગ યોજાયો હતો. જે સૌરાષ્ટ્ર માટે અવિસ્મરણીય છે.

(3:47 pm IST)