Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

કોઠારીયા સોલવન્ટમાં યુપીના મુસ્લિમ શખ્સની ક્રુર હત્યા

તામસી મગજનો હતોઃ વારંવાર પત્નિ ઉપર પણ હાથ ઉઠાવી લેતો'તોઃ અંગત અદાવતમાં ઢાળી દેવાયાની શંકાઃ ભેદ ઝડપથી ઉકેલાવાની આશા : બરકતીનગરમાં રહેતો રિક્ષાચાલક મહેસરઅલી પીંજારા (ઉ.૨૫) નશો કરવાની ટેવ ધરાવતો હતોઃ ઘર નજીક જ પગ-સાથળમાં છરીના ઘા ઝીંકાયાઃ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ તાલુકા પોલીસે કેટલાક શખ્સોની પુછતાછ કરીઃ હત્યાનો ભોગ બનનાર ગમે તેની સાથે ઝઘડા કરી લેતો'તોઃ સગાભાઇ સાથે પણ ભળતું નહોતું

હત્યાનો ભોગ બનેલા મહેસરઅલી યાકુબઅલી પિંજારાનો નિષ્પ્રાણ દેહ તથા ઉંડા આઘાતમાં ગરક થઇ ગયેલી તેની પત્નિ નુરજંહા અને નીચેની તસ્વીરોમાં ઘટના સ્થળ તથા લોહીનુ ખાબોચીયુ અને એકઠા થયેલા લોકો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૮: કોઠારીયા સોલવન્ટ નજીક બરકતીનગરમાં રહેતાં મુળ ઉત્તર પ્રદેશના મુસ્લિમ યુવાનની રાત્રીના ઘર નજીક કોઇએ છરી કે અન્ય તિક્ષ્ણ હથીયારોના ઘા ઝીંકી હત્યા નિપજાવતાં વિસ્તારમાં ચકચાર જાગી છે. હત્યાનો ભોગ બનનાર યુવાન ખુબ જ તામસી મગજનો, ગુસ્સાખોર અને ગમે તેની સાથે ઝઘડા કરવાની ટેવ ધરાવતો હતો. તેમજ  નશો કરવાની ટેવ પણ હતી. કોઇએ જુના મનદુઃખમાં કે અંગત અદાવતમાં તેને ઢાળી દીધાની શંકા છે. પોલીસે રાત્રે જ કેટલાક શખ્સોની પુછતાછ કરી હતી. પરંતુ હજુ કોઇ સ્પષ્ટ કડી હાથ લાગી નથી.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ કોઠારીયા સોલવન્ટ બરકતીનગરમાં રહેતો  અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો મહેસરઅલી યાકુબઅલી પીંજારા (ઉ.૨૫) રાત્રીના અગિયારેક વાગ્યે બરકતઅલી-૩ના છેડે તેની રિક્ષા પાસે લોહીલુહાણ પડ્યો હોવાની જાણ તેના ભાઇ, પત્નિ, ભાભી સહિતને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોડી રાત્રે સાડા ત્રણેક વાગ્યે તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

તાલુકા પોલીસને ઘટનાની જાણ થતાં પી.આઇ. વી.એસ. વણઝારા, રાઇટર પદુભા રાણા, ભાવેશભાઇ, હર્ષદસિંહ ચુડાસમા, અશોકભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, વી.એમ. જાડેજા, મહિલા પીએસાઇ એસ. આર. સોલંકી સહિતના સ્ટાફે ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી જઇ તપાસ કરી હતી. પોલીસે હત્યાનો ભોગ બનનાર મહેસરઅલીના ભાઇ સમશાદઅલી યાકુબઅલી પીંજારાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૦૨ મુજબ ગુનો નોંધ્યો છે.

હત્યા કોણે અને શા માટે કરી? તે બાબતે હજુ કંઇ સ્પષ્ટ થયું નથી. પ્રારંભે રિક્ષા અને મોબાઇલ ગૂમ હોઇ લૂંટના ઇરાદે હત્યા થયાની શંકા ઉપજી હતી. પરંતુ નજીકથી જ રિક્ષા મોબાઇલ મળી જતાં આ શંકા ખોટી ઠરી હતી. પોલીસે વિસ્તારના કેટલાક રહેવાસીઓ અને હત્યાનો ભોગ બનનાર સાથે ઉઠક-બેઠક ધરાવતાં શખ્સોને શોધવા મથામણ કરી હતી અને કેટલાકની પુછતાછ કરી હતી. જો કે કારણ કે હત્યારા વિશે માહિતી મળી નહોતી. હત્યાનો ભોગ બનનાર નશો કરવાની ટેવ ધરાવતો હતો અને ગમે તેની સાથે માથાકુટ પણ કરી લેતો હતો. કોઇએ જુના ડખ્ખાનો ખાર રાખી કે પછી ગત રાતે જ કોઇ કારણોસર થયેલી માથાકુટને કારણે ઢાળી દીધાની શંકા સાથે તપાસ યથાવત રાખવામાં આવી છે.

મહેસરઅલીને સાથળ અને પગમાં પાછળના ભાગે છરી કે તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકાયા છે. તેના ઝઘડાખોર સ્વભાવને કારણે તેને તેના સગા ભાઇ સાથે પણ ભળતું નહોતું. ગમે ત્યારે નશો કરી પત્નિને પણ બેફામ મારકુટ કરી લેતો હતો.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બી. બી. રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી.એસ. વણઝારા, પદુભા, ભાવેશભાઇ અને ડી. સ્ટાફની ટીમે ભેદ ઉકેલવા દોડધામ યથાવત રાખી છે. ઝડપથી ભેદ ઉકેલાઇ જવાની આશા છે.

મહેસરઅલીની હત્યાથી ત્રણ પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવી ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો હતોઃ માતા-પિતા હયાત નથી

.હત્યાનો ભોગ બનનાર મહેસરઅલી ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના બીજા ભાઇઓના નામ સમશાદઅલી તથા અસગરઅલી અને બહેનોના નામ રૂકસારબેન તથા ગુલશનબેન છે. તેના માતા રોજાબેનનું ચાર વર્ષ પહેલા અને પિતા યાકુબઅલીનું સાત વર્ષ પહેલા અવસાન થઇ ચુકયું છે. પત્નિનું નામ નુરજંહા છે. સંતાનમાં ત્રણ પુત્રો અરમાન (ઉ.૯), સલમાન (ઉ.૫) અને અરશદ (ઉ.૧ાા) છે. આ ત્રણેય સંતાનો તથા પત્નિ નોધારા થઇ ગયા છે. પતિની હત્યાથી પત્નિ નુરજંહા ઉંડા આઘાતમાં ગરક થઇ ગઇ છે.

વર્ષોથી રાજકોટ રહેતો મહેસરઅલી દસ દિ' યુપી રોકાઇને પાંચ દિવસ પહેલા જ પરત આવ્યો'તો

.હત્યાનો ભોગ બનનાર મહેસરઅલીનો જન્મ રાજકોટમાં જ થયો હતો. તે પંદરેક દિવસ પહેલા જ પત્નિ અને સંતાનો વતન બલદેવનગર (યુપી) આટો દેવા ગયા હોઇ તેણીને તેડવા ગયો હતો. દસેક દિવસ પોતે પણ ત્યાં રોકાયો હતો અને પાંચ દિવસ પહેલા પરત આવ્યા બાદ ભાઇ સમશાદઅલી સાથે રહેતો હતો. અગાઉ તે પત્નિ-બાળકો સાથે કોઠારીયા સોલવન્ટ ત્રણ માળીયામાં રહેતો હતો. પણ ઝઘડાખોર સ્વભાવને લીધે તેને કોઇ ભાડે મકાન પણ આપતું નહોતું.

બે દિ'પહેલા માથાકુટ થઇ'તીઃ રાત્રે હોન્ડા પર બે શખ્સ ભાગ્યાની ચર્ચા

.છરીના ઘા ઝીંકી જેને રહેંસી નંખાયો તે મહેસરઅલી પીંજારા ઝઘડાખોર સ્વભાવનો હતો. તેમજ નશો કરવાની ટેવ પણ ધરાવતો હતો. આ કારણે ગમે ત્યારે ગમે તેની સાથે માથાકુટ કરી બેસતો હતો. બે દિવસ પહેલા વિસ્તારમાં જ કોઇ સાથે ઝઘડો થયાની ચર્ચા થતી હોઇ પોલીસે આ અંગે માહિતી મેળવવા દોડધામ આદરી છે. ગત રાત્રે મહેસરઅલી પર હુમલો થયો એ પહેલા તેની રિક્ષા પાછળ બાઇક પર બે શખ્સોએ પીછો કર્યાની વાતો પણ વિસ્તારમાં થઇ રહી હોઇ પોલીસે બાઇક પર આવેલા એ બે શખ્સો કોણ? તે અંગે પણ તપાસ આરંભી છે. સવારે ફરીથી ડી. સ્ટાફની ટીમોએ બાતમીદારોને કામે લગાડી માહિતી મેળવવા પ્રયાસ આદર્યા છે.

(11:44 am IST)
  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST

  • રામ મંદિર માટે સરકાર કાયદો ઘડેઃ મોહન ભાગવતઃ નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં રામમંદિર મુદ્દે આપ્યુ મોટુ નિવેદન access_time 11:04 am IST

  • પંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST