Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

યુપીના નિર્મોહીની હત્યામાં કોૈટુંબીક માસો કમલેશ અને બે સગીર ઝડપાયા

માસી પર મોહી ગયેલા નિર્મોહીને માસાએ ચેતવ્યો હતો પણ તે ન સમજતાં જીવ લઇ લીધો : અટીકામાં રહેતાં બલરામપુર યુપીના કમલેશ ઉર્ફ શિવપુરંદન ચોૈહાણ અને બે બાળ કિશોરને તાલુકા પોલીસે દબોચ્યાઃ છરી કબ્જે લેવા તજવીજઃ કમલેશે કહયું-મારી પત્નિનો પીછો નહોતો છોડતો એટલે પતાવી દીધો

હત્યાનો આરોપી કમલેશ ઉર્ફ શિવપુરંદન ચોૈહાણ અને વિગતો આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ તથા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર અને ટીમ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૮: મવડી ૧૫૦ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ ભગવતી મોટર્સ પાછળ ગેલ આઇ સોસાયટીના ખુણે બુધવારે રાતે થયેલી મુળ યુપીના બલરામપુરના નિર્મોહી ઉર્ફ ભભૂતિ રામતિરથ ચોૈહાણ (ઉ.વ.૨૪)ની હત્યા થઇ હતી. આ હત્યાનો ભેદ તાલુકા પોલીસે કલાકોમાં ઉકેલી નાંખી નિર્મોહીના કોૈટુંબીક માસા મુળ યુપી બલરામપુર ભરહાપારા શિવપુરાના  હાલ અટીકા ફાટક પાસે બાલાજી વે બ્રીજી પાસે વિરાણી અઘાટ સંજયભાઇ પટેલના મકાનમાં ભાડેથી રહેતાં શિવપુરંદન ઉર્ફ કમલેશ પ્રહલાદભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૪) તથા તેને મદદ કરનાર બે સગીરને પકડી લીધા છે. નિર્મોહીને માસા કમલેશની ઘરવાળી એટલે કે પોતાની માસી પર મોહી ગયો હોઇ અને બંને વચ્ચે આડાસંબંધ બંધાતાં નિર્મોહી વારંવાર તેણીને ફોન કરતો હોઇ આ બાબતે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યાનું ખુલ્યું છે.

હત્યાનો બનાવ બન્યો ત્યારે હત્યાનો ભોગ બનનારને કોઇ ઓળખતું નહોતું. તાલુકા પોલીસે હરકતમાં આવી સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. તેમજ મૃતકના ફોટા પાડી અલગ અલગ વ્હોટ્સએપ ગ્રુપમાં વહેતા કરી ઓળખ મેળવવા પ્રયાસ કર્યો હતો. ખાનગી બાતમીદારો, પોલીસ મિત્રોની મદદ લેવાઇ હતી. દરમિયાન બીજા દિવસે ગુરૂવારે હત્યાનો ભોગ બનનાર યુવાન નિર્મોહી ઉર્ફ ભભૂતિ હોવાની ઓળખ તેના ભાઇ મેટોડા રહેતાં વિજયબહાદુર ચોૈહાણે   કરી હતી.

એ પછી પોલીસે આરોપીઓને શોધવા ડી સ્ટાફની ત્રણ ટીમો બનાવી હતી. ડીસીબી અને એસઓજીની અલગ અલગ ટીમો પણ કામે લાગી હતી. પરપ્રાંતિય મજૂરોને ચેક કરવા ઉપરાંત હત્યાનો ભોગ બનનારની સાથે રહેતાં કર્મચારીઓની પણ પુછતાછ કરી હતી. ટપોરીઓ, બુટલેગરો, હિસ્ટ્રીશીટરો અને અગાઉ મારામારીના ગુનાઓમાં સામેલ થઇ ચુકયા હોય તેવા શખ્સોને શોધી પુછતાછ આદરી હતી. એ દરમિયાન શકમંદની પુછતાછમાં માહિતી મળી હતી કે નિર્મોહીને તેના કોૈટુંબીક માસા અટીકા ફાટક પાસે રહેતાં શિવપુરંદન ઉર્ફ કમલેશની પત્નિ સાથે આડાસંબંધ હતાં અને આ કારણે કમલેશ અને નિર્મોહી વચ્ચે વતનમાં ઝઘડો થયો હતો.

આ પછી પોલીસે સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા હોઇ તે શકમંદોને બતાવતાં હત્યા કરી ભાગેલા ત્રણમાંથી એક કમલેશ હોવાનું ઓળખી બતાવાતા તાલુકા પોલીસની ટીમ અટીકા વિસ્તારમાં કમલેશના ઘરે પહોંચી હતી. પણ તે તાળુ મારી નીકળી ગયો હોઇ આજુબાજુના મજૂરોની પુછતાછ કરી હતી અને વોચ રાખી હતી. એ દરમિયાન કમલેશ તેની ઓરડીએ આવતાં દબોચી લેવાયો હતો. તેની તેના બે પરિચીત  સગીર પણ સામેલ હોઇ તેને પણ પકડી લેવાયા છે. આરોપી પાસેથી છરી કબ્જે લેવા તજવીજ હાથ ધરાઇ છે. કમલેશે રટણ કર્યુ હતું કે નિર્મોહીને મારી પત્નિનો પીછો છોડી દેવા સમજાવ્યો હતો. પરંતુ તે ન સમજતાં બુધવારે ભેગા થયા ત્યારે માથાકુટ થઇ હતી અને મેં હુમલો કરી દીધો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ડી. વી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, પીએસઆઇ એન. કે. રાજપુરોહીત, પીએસઆઇ વી. પી. આહિર, એએસઆઇ આર. બી. જાડેજા, એએસઆઇ ભરતભાઇ વનાણી, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન મલેક,  કોન્સ. અમીનભાઇ ભલુર, હરસુખભાઇ સબાડ, મનિષભાઇ સોઢીયા, ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજા અને અરજણભાઇ ઓડેદરાની ટીમે આ કામગીરી કરી હતી.

(3:52 pm IST)