Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સીવિલ હોસ્પિટલમાં મરાઠી યુવાનના મોત અંગે જવાબદારો સામે ગુન્હો નોંધો : ન્યાય આપો

આવેદન દેવામાં સંખ્યાબંધ લોકો દોડી આવતા પોલીસ બોલાવવી પડી : સમસ્ત મરાઠી સમાજ-મહારાષ્ટ્ર મંડળ દ્વારા રાજકોટ કલેકટરને આવેદન

રાજકોટના સમસ્ત મરાઠી સમાજે કોંગ્રેસના આગેવાનો સાથે સીવિલ હોસ્પિટલની ઘટના અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

રાજકોટ, તા.૧૮ : શહેરના સમસ્ત મરાઠી સમાજે આજે કોંગ્રેસના આગેવાન જશવંતસિંહ ભટ્ટી અને મહેશ રાજપૂતની આગેવાની હેઠળ કલેકટરને આવેદન પાઠવી. સીવિલ હોસ્પિટલમાં પ્રભાકર પાટીલના વાઇરલ વીડીયોમાં જે રીતે ટોર્ચર કરવામાં આવેલ છે અને તેનું મોત કરવામાં આવેલ છે તે તમામની સામે ગુન્હો નોંધી ફરજ મુકિતના પગલા લેવા અને ન્યાય આપવા અંગે માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, અમારા સમાજના યુવા આગેવાન પ્રભાકર ભાઇદાસ પાટીલ ઉ.વર્ષ ૩૭નું તા.૧ર-૯-ર૦ર૦ના રોજ મોત થયાનું સીવિલ હોસ્પિટલે જણાવ્યું છે અને તેની અંતિમવિધિ તા. ૧ર-૯-ર૦ર૦ના રોજ મોડી રાત્રીએ કરવામાં આવેલ હતી.

વાઇરલ થયેલા વિડીયો જોતા દર્દીને ડોકટરો તેમજ સરકારી હોસ્પિટલના સ્ટાફે ખૂબજ ડરાવવામાં આવેલ છે તેમજ ખૂબજ માનસિક રીતે હેરાન કરેલ છે અને ત્રાસદાયક પીડા આપવામાં આવેલ છે તેમજ દર્દીની છાતી ઉપર બેસી હાજર સ્ટાફ દ્વારા ઢોરમાર મારવામાં આવેલ છે અને અસહ્ય પીડા આપવાથી દર્દી (પ્રભાકર પાટીલ) પોતાના મોતની માંગણી કરે છે તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઇ છે અને આ ઉપરથી સાબિત થાય છે કે ડોકટરો, નર્સો , તબીબી સ્ટાફ તેમજ સિકયુરીટીએ પ્રભાકર પાટીલની મોત કર્યંું છે.  હાલની કોરોના મહામારીને લઇને મૃતકના નામ અને મોત થવાનું કારણ જાહેર કરતા નથી તેનો લાભ લઇ અમારા સમાજના યુવા આગેવાન પ્રભાકર ભાઇદાસ પાટીલને માનસિક અસ્થિર સાબિત કરીને મોતને ઘાટ ઉતર્યા છે.

અમો સ્પષ્ટપણે જાહેર કરીએ છીએ કે પ્રભાકર પાટીલ માનસિક અસ્થિર નથી અને તેઓ કારખાનામાં મજૂરી કામ કરી ઘરસંસાર ચલાવતા હતા, તેઓને ૯ વર્ષનો પુત્ર અને ૭ વર્ષની પુત્રી છે. આથી માનસિક અસ્થિર હોવાનું કારણને આપ રદ કરી સજા અમો આપને પ્રાર્થના કરીએ છીએ અને તટસ્થ તપાસ સમિતિની રચના કરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે. તેવી માંગણી કરીએ છીએ.

આ ઉપરાંત ઉપરોકત યુવાન અંગે મહારાષ્ટ્ર-મંડળ રાજકોટે પણ કલેકટરને આવેદન પાઠવી તેમના મૃત્યુ અંગે જવાબદારોને સખ્ત સજા અપાવવા અને ન્યાય અપાવવા માંગણી કરી હતી.

દરમિયાન આજે આવેદન સમયે સંખ્યાબંધ યુવાનો-મરાઠી સમાજના લોકો ૪૦થી પ૦ની સંખ્યામાં દોડી આવતા સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. પરિણામે કલેકટર તંત્રે પોલીસને જાણ કરતા પ્રધ્યુમનનગરની પોલીસ પણ બે ગાડી સાથે કલેકટર કચેરીએ દોડી આવી હતી.

(3:32 pm IST)