Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

શાપરની ઓકસીજન કંપનીઓમાં કલેકટરનાં દરોડાઃ મેડીકલ માટે અનામત રાખવા તાકીદ

માધવ, તિરૂપતી, વિશ્વેશ્વર, ત્રિશુલ, જયદીપ, પાંચેય કંપનીઓમાં ફુડ એન્ડ ડ્રગ તથા નાયબ મામલતદારનાં દરોડાઃ ગઇકાલ સુધી પ૦ ટકા જથ્થો કોવીડ હોસ્પીટલ માટે અનામત રાખવા જાહેરનામું: રાજકોટમાં દરરોજ ૬ થી ૮ કિલો લીટર ઓકસીજન જોઇએ છે તેથી ૧ર ટન જથ્થો સરપ્લસ રાખવા સુચનાઃ જુનાગઢ-ગીર સોમનાથ અને જામનગરને પણ રાજકોટથી જ ઓકસીજન મોકલવામાં આવે છે

રાજકોટ, તા., ૧૮: કોરોના દર્દીઓ માટે ઓકસીજનનો જથ્થો ઉપલબ્ધ રાખવો પડે તેમ હોઇ ગઇકાલે કલેકટર તંત્રએ શાપર-વેરાવળમાં ઓકસીજનનું ઉત્પાદન કરતી પાંચ કંપનીઓમાં દરોડો પાડી અને મેડીકલ હેતુ માટે ૫૦ ટકાથી વધુ ઓકસીજનનો જથ્થો અનામત રાખવા તાકીદ કરાઇ હતી.

આ અંગે સતાવાર પ્રાપ્ત માહીતી મુજબ ગઇકાલે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા નાયબ મામલતદાર શ્રીએ શાપર વેરાવળમાં ઓકસીજનનું ઉત્પાદન કરતી માધવ, તિરૂપતી, વિશ્વેશ્વર, ત્રિશુલ અને જયદીપ આ પાંચેય કંપનીઓમાં દરોડાઓ પાડી ઓકસીજનનું વેચાણ તથા સ્ટોક વગેરે ચકાસી અને મેડીકલ હેતુ માટે પ૦ ટકાથી વધુ જથ્થો અનામત રાખવા તાકીદ કરી હતી.

નોંધનીય છે કે રાજકોટમાં કોવીડ તથા અન્ય હોસ્પીટલો માટે દરરોજનો ૬ થી ૮ કિલોલીટર ઓકસીજન જોઇએ છે આથી ૧ર ટન જથ્થો સરપ્લસ રાખવો પડે છે. તકેદારીના ભાગરૂપે ગઇકાલે રિલાયન્સ પાસેથી ર૦ ટન ઓકસીજન મંગાવાયો હતો.

આ ઉપરાંત જુનાગઢ, ગીર સોમનાથ અને જામનગરને પણ રાજકોટતી જ ઓકસીજન પુરો પાડવામાં આવે છે. આમ હવે ઓકસીજનનું અવિરત ઉત્પાદન કરવા તથા પ૦ ટકાથી વધુ જથ્થો અનામત રાખવા અંગેના જાહેરનામાની કડક અમલવારી કરવા તાકીદ કરાઇ છે.

આ અંગે કલેકટરશ્રીએ પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામામાં જણાવાયું છે કે હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત  હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં ક્રમાંક એનસીવી/૧૦૨૦૨૦/અસએફએસ. ૧ તા.૧૩-ર-ર૦ર૦ના જાહેરનામાથી રાજયમાં ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-ર૦ર૦ લાગુ કરવામાં આવેલ છે.

હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહેલ હોય સરકારી હોસ્પીટલો અને ડેઝીગ્નેેટ હોસ્પીટલો ખાતે કોરોના સંક્રમીત દર્દીઓ માટે મેડીકલ  ઓકસીજનની વધુ જરૂરીયાત જણાય છે. જે અનુસંધાને આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના સંદર્ભના ઠરાવથી રાજયની સરકારી અને ડીઝીગ્નેટેડ હોસ્પીટલો ખાતે કે જયાં કોરોના સંક્રમીત દર્દીઓ તેમજ અન્ય રોગોના દર્દીઓ માટે ઔદ્યોગીક એકમો-ઉદ્યોગો-યુનીટોમાં ઉત્પાદીત થતા મેડીકલ ઓકસીજનના જથ્થાને રીઝર્વ રાખવા ઠરાવવામાં આવેલ છે.

આથી રાજકોટ શહેર સહીત રાજકોટ જીલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારના એવા તમામ ઔદ્યોગીક એકમો-ઉદ્યોગો-યુનીટોએ કે જયાં મેડીકલ ઓકસીજનનું ઉત્પાદન કરવામાં આવે છે તેઓની નીચે મુજબની સુચનાઓ ધ્યાને લઇ સંદર્ભમાં થઇ આવેલ ઠરાવની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા આથી હુકમ કરવામાં આવે છે.

જેમાં (૧)ઔદ્યોગીક એકમો-ઉદ્યોગો-યુનીટોએ મેડીકલ ઓકસીજનનું ઉત્પાદન અવિરત અને મહતમ ક્ષમતા પ્રમાણે કરવાનું રહેશે. (ર) ઉત્પાદન કરવામાં આવેલ ઓકસીજનનો પ૦ ટકા જથ્થાનો ઉપયોગ મેડીકલ ઓકસીજન તરીકે કરવા માટે હોસ્પીટલોને પુરો પાડવાનો રહેશે. (૩) ઉત્પાદન કરવામાં આવેલ ઓકસીજનનો માત્ર પ૦ ટકા સુધીનો જથ્થો જ ઔદ્યોગીક ઉપયોગ માટે પુરો પાડી શકાશે. (૪) મેડીકલ ઉપયોગ માટે પ૦ ટકાથી વધુ ઓકસીજનની માંગ રહે તેવી પરિસ્થિતિમાં આ ઓકસીજનના જથ્થાને મેડીકલના ઉપયોગ માટે અગ્રતા આપવાની રહેશે. આ હુકમની અમલવારી તા.૧૧-૯-ર૦ર૦ થી તા.૧૦-૧૦-ર૦ર૦ના  ર૪ કલાક સુધી કરવાની રહેશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮,ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર૦૦પ તેમજ એપીડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

(3:43 pm IST)