Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

વાજડીમાં બિહારી યુવાન મોહમ્મદ જશીમની હત્યા

કાલાવડ રોડ પર આવેલા ગામમાં બનાવઃ ઓરડી સાથે જ પંચર સાંધવાની કેબીન ધરાવતાં મુળ બિહારી મુસ્લિમ યુવાનને કોણે પતાવ્યો તે અંગે રહસ્ય : કેબીનના છાપરામાં રાતે ખાટલો ઢાળીને સુતો'તોઃ સવારે લાશ પડી હતીઃ માથામાં ત્રણ જેટલા ઘા દેખાયાઃ પોસ્ટમોર્ટમ બાદ આગળ વધશે તપાસ કેબીન નજીક જ ઓરડીમાં રહેતો હતોઃ યુનિવર્સિટી પોલીસ અને એસઓજી, ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ આદર્યો

રહસ્યઃ જ્યાં ઘટના બની તે સ્થળ પંચર સાંધવાની કેબીન અને સાથે જ આવેલી મૃતકની ઓરડી તથા તેનો ફાઇલ ફોટો, મૃતદેહ તથા તેની પત્નિ અને બાળકો તથા ઘટના સ્થળે પીઆઇ ઠાકર, પીઆઇ રાવલ, પીએસઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ પી.એમ. ધાખડા સહિતનો સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ પર વિરડા વાજડીમાં રહેતાં મુળ બિહારના યુવાન મોહમ્મદ જશીમ શાહ (સૈયદ) (ઉ.વ.૨૭)ની માથામાં કોઇ ઘા ફટકારી હત્યા કરવામાં આવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. માથામાં ઇજાઓ સાથે તેની ઓરડી નજીક આવેલી પંચર સાંધવાની કેબીન પાસેથી જ તેની લાશ મળી આવતાં ચકચાર જાગી છે. માથામાં ઇજાઓ કઇ રીતે થઇ તે જાણવા પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

જાણવા મળ્યા મુજબ વાજડીમાં રહેતો અને ઓરડી નજીક જ પંચર સાંધવાની કેબીન ધરાવતો મુળ બિહારનો મોહમ્મદ જશીમ શાહ-સૈયદની લાશ તેના ઘર નજીક આવેલી પંચરની કેબીન પાસે લોહીલુહાણ પડી હોવાની જાણ ૧૦૮ ઇએમટી અરવિંદભાઇ અને પાઇલોટ રહિમભાઇ મારફત થતાં યુનિવર્સિટી પીઆઇ આર. એસ. ઠાકર, ડી. સ્ટાફ પીએસઆઇ એ. બી. જાડેજા,  એસઓજી પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમોએ પહોંચી તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતાં. એફએસએલ અધિકારીને પણ સ્થળ પર બોલાવાયા હતાં.

મૃત્યુ પામનાર મોહમ્મદ જશીમ સૈયદના માથામાં ગંભીર ઇજા હતી. કોઇ બોથડ પદાર્થના ઘા ફટકારાયા હોય તેવી ઇજા હતી. જો કે મૃતકને કોઇ સાથે માથાકુટ ન હોવાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. આ ઇજા કોઇ વાહનની ઠોકરે ચડતાં તો નથી થઇ ને? તે અંગે પણ તપાસ શરૂ થઇ હતી.

મૃત્યુ પામનાર ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજો હતો. આઠેક વર્ષથી બિહારથી અહિ સ્થાયી થયો હતો. તેના માતા-પિતા બિહાર રહે છે. તેની પત્નિનું નામ રોઝીનાખાતુન છે અને સંતાનમાં એક પુત્રી ગુડીયા (ઉ.વ.૪) તથા પુત્ર ભોલુ (ઉ.૮) છે. રાતે આ યુવાન પોતાની પંચર સાંધવાની કેબીન નજીક જ ખાટલો ઢાળીને સુતો હતો. સવારે તેની લોહીલુહાણ અને માથામાં ઇજાઓ સાથેની લાશ મળી હતી.

સવારે મોહમ્મદ જશીમની દિકરી પંચરની કેબીન પાસે આવી ત્યારે તેણે પિતાને લોહીલુહાણ જોતાં દેકારો મચાવી મુકયો હતો. જેના કારણે બીજા લોકોને જાણ થઇ હતી. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(2:28 pm IST)