Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રોગચાળો વકર્યોઃ તંત્રએ ૭૦૦૦ની સારવાર કરીઃ ઠેર-ઠેર આરોગ્ય કેમ્પો

છેલ્લા અઠવાડીયામાં શરદી, તાવ, ડેંગ્યુ, મેલેરીયાના ૪૦૦ વધુ દર્દીઓ નોંધાયા

મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં પછાત વિસ્તારમાં મોબાઇલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વખતની તસ્વીર.

રાજકોટ, તા., ૧૮: શહેરમાં વરસાદના પગલે ભારે રોગચાળો વકર્યો છે. આ રોગચાળો કાબુમાં લેવા મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭ હજાર જેટલા દર્દીઓ નોંધાયા હતા. તેમજ મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા અઠવાડીયામાં ડેન્ગ્યુ -૪, મેલેરીયા-૪, ઝાડા-ઉલ્ટીના ૧૮૯ સહીત કુલ ૪૦૦ દર્દીઓ નોંધાયા છે.

રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા રાજકોટ શહેરમાં ગરીબ તથા પછાત વિસ્તારોમાં છેવાડાના માનવીને ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળી રહે તેમજ હાલની ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગ અને મચ્છરજન્ય રોગચાળાના અટકાવ અને નિયંત્રણ માટે મોબાઈલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શહેરના કુલ ૪૪ જેટલા વિવિધ પછાત વિસ્તારોમાં તા.૨૧/૮/૨૦૧૯ થી આજ દિન સુધી મોબાઈલ મેડીકલ કેમ્પ કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં ફકત તાવ, ઝાડા-ઉલ્ટી, શરદી-ઉધરસ, પાણીજન્ય રોગોના દર્દી, વાહકજન્ય રોગોના દર્દી, સ્ત્રી રોગ, ચામડીના રોગો તેમજ અન્ય રોગના દર્દીઓને તપાસી કેમ્પના સ્થળે જ સારવાર આપવામાં આવેલ છે. કુલ ૬૯૭૧ જેટલા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધેલ છેતેમજ ૧૧૦ જેટલા દર્દીઓને વધુ સારવાર અર્થે આરોગ્ય કેન્દ્ર પર રીફર કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં ૪૨૫ જેટલા તાવ ના દર્દીઓને રેપીડ ડાયગ્નોસ્ટીક કિટદ્વારા લોહીની તપાસ કરીને એનું નિદાન કરીને સ્થળ પર જ સારવાર આપવામાં આવી. આ પછાત વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના અટકાયતી અને નિયંત્રણ પગલાના ભાગ રૂપે આરોગ્ય કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને કુલ ૫૨૭૨ જેટલા ઓ.આર.એસ. અને કુલ ૪૧૫૧૭ જેટલી કલોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ વાહકજન્ય રોગો સામે જન જાગૃતી માટે વિવિધ કુલ ૨૩૭૩૮ જેટલી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.

ઉકત તમામ મોબાઈલ કેમ્પમાં મેડીકલ ઓફિસર, આયુષ મેડીકલ ઓફિસર, એ.એન.એમ. સ્ટાફ, ફાર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, એસ.આઈ., વેકસીનેટર, જુદા જુદા વિસ્તારના આશા વર્કર બહેનો દ્વારા કામગીરી કરવામાં આવેલ.

ઉપરોકત મોબાઈલ મેડીકલ કેમ્પનું આયોજન  મ્યુનિસિપલ કમિશનરશ્રીઉદિત અગ્રવાલ  તથા નાયબ કમિશનરશ્રી ગણાત્રા, આરોગ્ય અધિકારીશ્રી ડો. પંકજ રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(3:32 pm IST)