Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જે હોન્ડા લઇને માલિક જામનગરમાં હતાં તેનો લક્ષ્મીનગર પાસેનો મેમો આવ્યો!!

ગાડી માલિક વિજય પટેલે ઓનલાઇન ચેક કરી પોતાને પોસ્ટથી મેમો મળ્યા પહેલા દંડ ભરી પણ દીધોઃ મેમો આવતાં ખબર પડી કે વાહન જ તેનું નથી

રાજકોટ તા. ૧૮: વાહનોના નવા કાયદા લાગુ પડ્યા પછી બે દિવસથી શહેરમાં ઠેક-ઠેકાણે પોલીસ ચેકીંગ કરી હેલ્મેટ તથા વાહન અંગેના નિયમોના પાલન નહિ કરવા સબબ દંડ ફટકારી રહી છે. આ કાયદો અમલમાં આવ્યો એ પહેલા પણ દંડની કાર્યવાહી થતી હતી અને ઓનલાઇન મેમો પણ મોકલવામાં આવતાં હતાં. ઓનલાઇન મેમોમાં છબરડા પણ થતાં રહે છે. આજીડેમ ચોકડી પાસે રહેતાં વિજયભાઇ પટેલ નામના યુવાન સાતમ આઠમની રજામાં તા.૨૮/૮ના રોજ પોતાનું બાઇક જીજે૦૩કેડી-૯૦૭૮ લઇને જામનગર ગયા હતાં. આમ છતાં તેમને આ તારીખનો લક્ષ્મીનગર નાલા પાસેનો મેમો મળ્યો છે!

વિજયભાઇના કહેવા મુજબ હું અવાર-નવાર મારા વાહનમાં મેમો આવ્યો કે કેમ? તે અંગે ઓનલાઇન ચેકીંગ કરતો રહુ છું. મને એક મેમો આવ્યો હોવાનું ઓનલાઇન જણાતાં મેં આ દંડ ઓનલાઇન ભરપાઇ પણ કરી દીધો હતો. એ પછી પોસ્ટ દ્વારા મેમો મારા ઘરે આવતાં હું ચોંકી ગયો હતો. કેમ કે તેમાં ચાલક જે બાઇક લઇને નીકળ્યા છે એ કોઇ બીજા જ છે અને બાઇક પણ મારું નથી. મારા બાઇકમાં એક અરીસો છે, એ બાઇકમાં બે અરીસા છે. મેં તો ઉતાવળે ઓનલાઇન મેમો ભરી પણ દીધો છે. હવે હું સીસીટીવી કન્ટ્રોલ રૂમે જઇને ખરેખર કોના બદલે મને મેમો આવ્યો તેની તપાસ કરી મારા નામે નોંધાયેલો મેમો રદ કરાવવા જઇશ. તસ્વીરમાં વિજયભાઇનું બાઇક અને જેના કારણે મેમો આવ્યો એ બાઇક જોઇ શકાય છે.

(3:20 pm IST)