Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મેયર બીનાબેન દિલ્હીમાં :કલાઇમેટ ચેન્જ એનર્જી અંગે એમ.ઓ.યુ. કરાયા

કેન્દ્રીય હાઉસીંગ મીનીસ્ટર હરદિપસિંઘ પુરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

રાજકોટ, તા. ૧૮ : મેયર બીનાબેન આચાર્ય આજે દિલ્હી ખાતે કલાઇમેટ ચેન્જ અને એનર્જી અંગેનાં વિકાસ કામો માટે એમ. ઓ. યુ. કરવા માટે ગયા છે.

આ અંગે મેયરશ્રીની યાદીમાં જણાવ્યા મુજબ રાજય સરકારના કલાઈમેટ ચેન્જ અને ઉર્જા વિભાગ દ્વારા ગત ૩૦ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ કલાઈમેટ ચેન્જ અને ઉર્જા અંગે રાજયની તમામ મહાનગરપાલિકાની એક બેઠકની આયોજન કરવામાં આવેલ. આ મીટીંગમાં કલાઈમેટ ચેન્જ અને એનર્જી માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ. જેના અનુસંધાને તા.૧૭ અને ૧૮ દરમ્યાન દિલ્હી ખાતે ફોરમનું આયોજન કરવામાં આવેલ છે. જેનું નિમંત્રણ મેયર બિનાબેન આચાર્યને આપવામાં આવેલ. જેના અનુસંધાને મેયરશ્રી આ ફોરમમાં ભાગ લેવા ગયેલ છે.

આ પ્રસંગે, કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન એફર્સ મંત્રી હરદીપસિંદ્ય પુરી, કેન્દ્રીય હાઉસિંગના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રા, ભારત ખાતેના યુરોપિયન યુનિયનના રાજદૂત યુગો એસ્ટયુટો અને ડીજી રીજીયો-યુરોપિયન યુનિયનના વરિષ્ઠ સલાહકાર રૂડોલ્ફ નીસલર ઉપસ્થિત રહ્યા હતા.

આ ફોરમમાં સ્માર્ટ અને સસ્ટેનેબલ શહેરીકરણમાં ભાગીદારી અને સકસેસ સ્ટોરી, સસ્ટેનેબલ શહેરીકરણને ફાઈનાન્સિંગ, નવી પહેલો, સિટી ટુ સિટી કો-ઓપરેશન તથા બિઝનેસ સોલ્યુશન (સ્માર્ટ અને સસ્ટેનેબલ શહેરીકરણ) પર વિચાર વિમર્શ થયેલ છે.

આજે વર્લ્ડ બેંકના સિનીયર એડવાઈઝર પેડ્રો બી.ઓર્ટીઝ દ્વારા જમીનનો સ્માર્ટ ઉપયોગ તેમજ સ્માર્ટ આર્થીક વિકાસના આયોજન અંગે ચાવીરૂપ મુદ્દાઓનું પ્રેઝેન્ટેશન થનાર છે. સ્માર્ટ સિટી પ્લાનીંગમાં ભારત અને યુરોપિયન દ્વારા બિઝનેસ સોલ્યુશન અંગે કેસ સ્ટડી રજુ થનાર છે.

(3:13 pm IST)