Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ફિઝીકલ એજયુકેશન ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે ભરતસિંહ પરમાર

રાજકોટમાં મળી ગયેલ વાર્ષિક સભાઃ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

રાજકોટ તા.૧૮: ફિઝીકલ એજયુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (PEFI) ગુજરાત રાજયની વાર્ષિક સાધારણ સભા રાજકોટ મુકામે મળી હતી. ડો. જમનાદાસ સાવલીયાની અધ્યક્ષતામાં મળેલ આ સભામાં ગત વર્ષના ઠરાવો, કાર્યક્રમો અને વિષયો બાબતે રાજયમંત્રી ડો. ગોપાલભાઇ જોષીએ સવિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ડો. આકાશસિંહ ગોહિલએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું.

નવી કારોબારી રચાતા રાજયના ચીફ પેટર્ન તરીકે ડો. જમનાદાસ સાવલીયા, રાજયના પ્રમુખ તરીકે ડો. આશવભાઇ પટેલ, રાજયના મંત્રી તરીકે ભરતસિંહ પરમાર, વર્કિગ પ્રેસીડેન્ટ તરીકે ડો. આકાશસિંહ ગોહિલ, તેમજ રાજયના ખજાનચી તરીકે કલ્પેશભાઇ પારેખની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.

આ સભામાં અન્ય મહાનુભાવોમાં ડો. અજીતસિંહ ગોહિલ, ડો. મયુરધ્વજસિંહ જાડેજા, સંદિપભાઇ વાળા, કોૈશિકભાઇ સીંધવા, પંકજભાઇ વાઘેલા, શૈલેષભાઇ પરમાર, યશભાઇ ઠાકર, મુસ્તાકભાઇ સુમરા, મહિલા પ્રતિનિધી તરીકે કિરણબા જાડેજા, ટવીન્કલબેન મજેઠીયા ઉપસ્થિત રહેલ હતા.

બેઠકમાં ગુજરાત રાજયમાં રમત-ગમતને વધુ વેગ મળે, ગુજરાતના વ્યાયામ શિક્ષકો, કોચ, રેફરી જેવા તમામ પ્રશિક્ષકોને રીફ્રેશર કોર્ષ કરાવવો, કોચ માટે એનઆઇએસ કોર્ષ માટે પ્રોત્સાહિત કરવા રાજય કક્ષાની દરેક રમતના રેફરી તરીકેનું આયોજન રાજયકક્ષાએ કરવું. તેમજ ચાર ઝોન મુજબ રમત-ગમતની અલગ-અલગ તાલીમ યોજી રાજયના રમતવિરોને ઓલિમ્પીક લેવલ સુધી પહોંચાડવાનું આગોતરૂ આયોજન કરવું, આવા પ્રકારની તમામ બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ગુજરાત રાજના તમામ જિલ્લાઓ તેમજ મહાનગરોમાં (PEFI) ના ચેપ્ટરો-વિભાગો ચાલુ કરવામાં આવનાર છે. તે અંગેનું ચિંતન તથા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

અંતમાં ડો. ગોપાલભાઇ જોષીએ આભારવિધિ કરી હતી.

(4:03 pm IST)