Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કોર્પોરેશન કચેરીનાં દરવાજા પાસે ફુવારાના સિમ્બોલમાંથી 'કબુતરો' ચોરાઇ ગયા!!

ખુદના આંગણાનું ધ્યાન નહી રાખનાર તંત્રવાહકો શહેરનું શું ભલુ કરશે? :એક દાયકા અગાઉ સેન્ટ્રલ ઝોન કચેરીનાં પ્રવેશ દ્વારનું ર થી રII લાખના ખર્ચે બ્યુટીફીકેશન થયેલઃ હાલમાં ફુવારા સહીતનું બાંધકામ જર્જરીતઃ તંત્રવાહકોની આબરૂનાં લીરા

સ્ટીલનો એક અક્ષર પણ ગાયબઃ મ્યુનીસીપલ કોર્પોરેશનનથી સેન્ટ્રલ ઝોન કચેરીનાં પ્રવેશ દ્વાર પાસેનાં ફુવારામાંથી સ્ટીલનાં બે કબુતરો ચોરાઇ જવાની ઘટના બની છે. જે ઉપરોકત તસ્વીરમાં સ્પષ્ટ દર્શાય છે. સાથોસાથ જર્જરીત ફુવારો અને આ સ્થળે સ્વાગતનાં લખાણમાંથી પણ સ્ટીલનો એક અક્ષર ગાયબ હોવાનું તસ્વીરમાં સ્પષ્ટ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૮ :.. મ્યુ. કોર્પોરેશનની માલ-મીલ્કતોમાં નાની-મોટી ચોરીનાં બનાવો અવાર-નવાર સામે આવે છે ત્યારે આ પ્રકારનો વધુ એક કિસ્સો  સામે આવ્યો છે. પરંતુ ચોરીની આ ઘટનામાં કોર્પોરેશનનાં તંત્ર વાહકોની આબરૂનાં 'લીરા' ઉડયા છે. કેમ કે કોર્પોરેશનની મુખ્ય કચેરીનાં પ્રવેશ દ્વાર પાસેથી કોર્પોરેશનના 'બે  કબુતર' વાળા સિમ્બોલની ચોરી થઇ ગઇ છે.

આ અંગેની વિગતો મુજબ અંદાજે ૧૦ વર્ષ અગાઉ એટલે કે એક દાયકા અગાઉ મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી કે જે ઢેબર રોડ પર આવેલ છે તેનાં કનક રોડ તરફ જવાનાં પ્રવેશદ્વાર પાસે ખૂબજ ગંદકી થતી હતી. જેનાં કારણે કચેરીમાં અસહ્ય દુર્ગાંધ ફેલાવી હતી. આથી તાત્કાલીન મ્યુ. કમિશ્નર શ્રી બ્રહ્મભટ્ટ દ્વારા આ સ્થળે સુંદર ફુવારો  બનાવડાવેલ અને તેમાં રાજકોટ મહાનગર સેવા સદન આપતુ હાર્દિક સ્વાગત કરે છે, તેવુ સ્ટીલનાં અક્ષરવાળુ લખાણ ત્થા રાજકોટ કોર્પોરેશનનો 'બે કબુતરો' નાં લોગો વાળુ સ્ટીલનું બોર્ડ મુકાવેલ ત્થા ફુવારો અને લાઇટીંગ સહિત બ્યુટીફીકેશન પાછળ તે વખતે ર થી રાા લાખનો ખર્ચ થયો હતો.

પરંતુ તંત્ર વાહકોએ તેની જાળવણીમાં બેદરકારી દાખવતાં ધીમે ધીમે ફુવારો બંધ થઇ ગ્યો અને આ સુંદર ફુવારો જર્જરીત થઇ  ગયો એટલું જ નહી આ સ્થળે લગાવેલ સીમ્બોલમાંથી સ્ટીલનાં 'બે કબુતરો' ની ચોરી પણ થઇ ગઇ આમ હાલમાં કોર્પોરેશન કચેરીનાં પ્રવેશ દ્વાર પાસેથી જર્જરીત ફુવારો અને કબુતર વગરનો સિમ્બોલ ઉપરાંત 'સ્વાગતના લખાણમાંથી પણ એક સ્ટીલનાં અક્ષરની ચોરી થઇ ગયેલ હાલત આ બધી બાબતોથી તંત્ર વાહકોની  આબરૂનો લીરા ઉડી રહયા છે અને લોકો પણ એવો કટાક્ષ કરી રહ્યા છે કે 'ખુદનાં આંગણાનુ ધ્યાન નહી રાખનાર તંત્ર વાહકો નાગરીકોનું શુ ભલુ કરશે ?'

(3:51 pm IST)