Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

૩II કરોડા પડાવવા પીડીએમ કોલેજના ટ્રસ્ટીને ધમકી આપવા અંગે અંતે ગુનો નોંધાતા તપાસ

કોલેજના કર્મચારી સંજય પંડ્યાએ અગાઉના ટ્રસ્ટીઓ વિરૂધ્ધ કરેલી ફરિયાદ અંતર્ગત સમાધાન કરવા પેટે બળજબરીથી નાણા માંગ્યાનો આરોપ મુકાયો

રાજકોટ તા. ૧૮: પીડીએમ કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઇ મેરામભાઇ હેરભાને આ કોલેજમાં કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે નોકરી કરતાં બ્રાહ્મણ શખ્સે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૩ કરોડ ૫૦ લાખની ખંડણી માંગતાં અગાઉ તા.૬ના રોજ લેખિત અરજી થઇ હતી. આ અરજીની તપાસ બાદ આ મામલે માલવીયાનગર પોલીસ મથકમાં સંજય સુરેશચંદ્ર પંડ્યા (રહે. એચ. જે. દોશી હોસ્પિટલ સામે બી-માલવીયાનગરમાં 'હરભોલે') સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘનશ્યામભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પીડીએમ કોલેજ કેમ્પસમાં અમારી સાંસ્કૃતિક શિક્ષણ સમાજ ટ્રસ્ટની ઓફિસ આવેલી છે અને અમો ફરિયાદી સાંસ્કૃતિક  શિક્ષણ સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી છીએ. આ ટ્રસ્ટ પીડીએમ કોલેજનું સંચાલન કરે છે. અમારી સંસ્થા ઘણા વર્ષો જુની છે. તેમજ સોૈરાષ્ટ્રમાં સૌથી સારી કોલેજની પ્રતિષ્ઠા ધરાવે છે. ટ્રસ્ટી તરીકે આ વર્ષે જ મારુ નામ ઉમેરાયું છે. અન્ય ટ્રસ્ટીઓમાં મયુરભાઇ લાભભાઇ ખીમાણીયા, રાજુભાઇ રાવલ, જગદીશભાઇ ડોબરીયા, હિરેનભાઇ લાભભાઇ ખીમાણીયા પણ છે.

સંજય પંડ્યા અમારી સંસ્થામાં કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે નોકરી કરે છે અને ખુબ જ ઝનુની સ્વભાવના છે. તે ભુતકાળમાં પેપર કોૈભાંડ જેવા ગુનામાં સંડોવાઇ ચુકેલ છે. ૩૭૧અ૮-૧૮ના બપોરે ૧:૪૦ આસપાસ હું અમારી ટ્રસ્ટીની ઓફિસમાં હતો ત્યારે બીજા ટ્રસ્ટી મયુરભાઇ પણ હતાં. આ વખતે સંજય પંડ્યાએ આવી જેમ તેમ ગાળો બોલી ગેરકાયદેસર રીતે ઓફિસમાં ઘુસી જઇ વિશાલ મનોજભાઇ શાહ વિરૂધ્ધની ફરિયાદ રદ કરવા રૂ. ૩,૫૦,૦૦,૦૦૦ (સાડા ત્રણ કરોડ)ની માંગણી કરવા લાગ્યો હતો. મેં ગેરકાયદેસર રીતે રકમ આપવાની ના પાડતાં તે ગુસ્સે થઇ ગયેલ અને મારા હાથ-પગ ભાંગી નાંખવાની ધમકી આપી હતી. સંજય પંડ્યાએ અગાઉના ટ્રસ્ટીઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી હતી તેનો કેસ કોર્ટમાં પેન્ડીંગ છે. આ કેસમાં સમાધાન કરવા માટે સાડા ત્રણ કરોડ માંગી બળજબરીથી આ પૈસા માંગી ધમકી આપ્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમે તપાસ શરૂ કરી છે.

(2:29 pm IST)