Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગોવિંદબાગ પાસે ઝઘડો જોવા ઉભેલા વિશાલ ડોડીયા પર ધોકાવાળીઃ હાથ ભાંગી નાંખ્યો

તું શું અહિ ઉભો છો? તું કંઇ સાહેબ છો?...કહી તૂટી પડ્યાઃ એકટીવામાં પણ તોડફોડઃઝઘડો કરી રહેલા બે યુવાન અને બે યુવતિઓએ ભુંડી ગાળો દઇ ધોલધપાટ કરી

રાજકોટ તા. ૧૮: સંત કબીર રોડ પર બ્રાહ્મણીયા પરા ગોવિંદબાગ શાક માર્કેટ પાસે રહેતાં અને કુવાડવા રોડ પર દેવાંશ ટ્રાવેલ્સ નામે ઓફિસ રાખી ધંધો કરતાં વિશાલભાઇ વિજયભાઇ ડોડીયા (ઉ.૪૦) નામના કારડીયા રજપૂત યુવાનને ગોવિંદબાગ શાક માર્કેટ પાસે આવેલી દેના બેંક નજીક ઝઘડો જોવા ઉભા રહેતાં બે અજાણ્યા યુવાન અને બે અજાણી યુવતિએ 'તું શું અહિ ઉભો છો?' કહી લાકડી-ધોકાથી માર મારતાં હાથ ભાંગી જતાં અને એકટીવામાં પણ નુકસાન કરતાં ફરિયાદ થઇ છે.

વિશાલભાઇના કહેવા મુજબ તે પરમ દિવસે સાંજે છએક વાગ્યે માતા વિજ્યાબેનેને યાત્રાએ જવું હોઇ તેના પૈસા ભરવા માટે માતાને એકટીવામાં બેસાડી કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે તેમને મુકીને પરત ઘર તરફ જતાં હતાં ત્યારે બાલક હનુમાન ચોકથી આગળ દેના બેંક પાસે અજાણ્યા શખ્સો ઝઘડો કરતાં હોઇ પોતે એકટીવા સાઇડમાં પાર્ક કરી ઝઘડો જોવા જતાં ત્યાં બે યુવતિ અને બે યુવાન આશરે ૨૫ વર્ષનાએ 'તું અહિયા શું ઉભો છો, તું કંઇ સાહેબ છો?' કહી ગાળો દેવાનું શરૂ કર્યુ હતું. યુવતિઓએ પણ ભુંડી ગાળો આપી હતી.

બાદમાં એક શખ્સ રિક્ષામાંથી ધોકોલ લઇને દોડ્યો હતો અને જમણા હાથના કાંડા પર ઘા મારી દીધો હતો. બીજા શખ્સે કાઠલો પકડી ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ એકટીવામાં પણ ધોકા ફટકારી નુકસાન કર્યુ હતું. પોતે ભાગીને ઘરે પહોંચતાં હાથમાં દુઃખાવો થતો હોઇ સારવાર માટે જતાં ફ્રેકચર હોવાનું ખુલ્યું હતું. પરમ દિવસે હુમલાખોરો વિશે કોઇ માહિતી ન હોઇ ફરિયાદ કરી નહોતી. હાથમાં ફ્રેકચર આવતાં પોતાના ભાઇના કહેવાથી પોલીસ ફરિયાદ કરી છે.

બી-ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ પી. બી. જેબલીયાએ વિશાલભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આદરી છે.

(2:29 pm IST)