Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

અકસ્‍માત સર્જાતા સિંધી યુવાને કટરના ઘા ઝીંક્‍યાઃ ઘાયલ કોળી યુવાનના ભાઇઓએ સિંધી યુવાનનું અપહરણ કરી બેફામ ફટકાર્ર્યો

વિશાલ સિંધીને તેના પિતા અને ભાઇની નજર સામે જ કોળી યુવાનના ભાઇઓ બાઇકમાં ઉઠાવી ગયાઃ આંખે પાટા બાંધી પાઇપથી માર મારી હડમતીયા પાસે ફેંકી દીધોઃ પ્ર. નગર પોલીસે કાર્યવાહી કરી : પોપટપરાના વિપુલ કોળી અને રેલનગર ક્રિષ્‍ના પાર્કના વિશાલ સિંધીના બાઇક અથડાયા બાદ બબ્‍બે ગંભીર ગુના બન્‍યા

સાંજે છ વાગ્‍યે પેટ્રોલ પુરાવવા નીકળેલા વિપુલ કોળી (પ્રથમ તસ્‍વીર)ને વિશાલ સિંધી (બીજી તસ્‍વીર)એ કટરના ઘા ઝીંક્‍યા બાદ વિપુલના ભાઇઓએ વિશાલને શોધી અપહરણ કરી આંખે પાટા બાંધી પાઇપથી ફટકાર્યો હતો. બંને સિવિલ અને ખાનગી હોસ્‍પિટલમાં દાખલ છે

રાજકોટ તા. ૧૮: શહેરમાં વાહન અથડાવા જેવી બાબતમાં અગાઉ અનેક વખત મારામારીના બનાવ બન્‍યા છે. વધુ એક કિસ્‍સામાં સાંજે છએક વાગ્‍યે પોપટપરામાં રહેતાં કોળી યુવાનનું બાઇક રેલનગર સાધુ વાસવાણી રોડ પર સિંધી યુવાનના બાઇક સાથે અથડાતાં બોલાચાલી થતાં સિંધી યુવાને તેને આડેધડ કટરના ઘા ઝીંકી દઇ લોહીલુહાણ કરી નાંખ્‍યો હતો. બાદમાં ઘાયલ કોળી યુવાનના બે ભાઇઓએ સિંધી યુવાનનું તેના જ પિતા અને ભાઇની નજર સામે બાઇકમાં અપહરણ કરી આંખે પાટા બાંધી પાઇપથી બેફામ માર મારી હડમતીયા બેડી પાસે ફેંકી દેતાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે.

સાંજે છએક વાગ્‍યે હુમલામાં ઘાયલ થયેલો પોપટપરા-૬માં રહેતો વિપુલ વનરાજભાઇ વડેચા (ઉ.૨૪) નામનો કોળી યુવાન સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં પ્ર.નગરના પીએસઆઇ બી. જી. ડાંગર અને મહેશભાઇએ તેની ફરિયાદ પરથી બાઇક નં. ૪૬૩૪ના ચાલક સામે ગુનો નોંધ્‍યો હતો. વિપુલે જણાવ્‍યું હતું કે તે સાંજે વાંકાનેરથી સુરાપુરાના દર્શન કરી પત્‍નિ ભારતીને ઘરે મુકી પોતાના બાઇકમાં પેટ્રોલ પુરાવવા રેલનગરના પંપ તરફ જતો હતો. સાથે પડોશી કિશોર રમેશભાઇ ઉકેળીયા (ઉ.૧૩) પણ હતો. બંને સાધુ વાસવાણી કુંજથી આગળ પરસાણા પરિવારના સુરાપુરા દાદાના મંદિર પાસે પહોંચ્‍યા ત્‍યારે સામેથી એક બાઇક આવતાં તેની સાથે સામાન્‍ય અકસ્‍માત થતાં બોલાચાલી થઇ હતી.

ત્‍યારબાદ સામેના બાઇકના ચાલકે ખિસ્‍સામાંથી કટર છરી જેવું હથીયાર કાઢી હુમલો કરતાં પોતાને માથામાં, હાથમાં અને મોઢા તથા છાતી પર ઘા ઝીંકી દીધા હતાં. દેકારો થતાં એ શખ્‍સ ભાગી ગયો હતો. બાદમાં પોતે સાથેના કિશોરને લઇને જાતે જ બાઇક હંકારી સિવિલ હોસ્‍પિટલે પહોંચી ગયો હતો. અકસ્‍માત થવાને કારણે હુમલો થયો હતો.

કોળી યુવાનના ભાઇઓએ કર્યો વળતો ઘા

વિપુલ પર હુમલો થયાની જાણ થતાં તેના માતા, ભાઇઓ સહિતના પરિવારજનો હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતાં. વિપુલ સારવારમાં હતો ત્‍યારે બીજી તરફ તેનો મોટો ભાઇ જીતુ વડેચા અને મોટા બાપુનો દિકરો સુનિલ સહિતના હુમલાખોરને શોધવા નીકળી ગયા હતાં. લગભગ સાડા આઠેક વાગ્‍યે રેલનગર ક્રિષ્‍ના પાર્ક-૧માં રહેતાં અને ફ્રુટનો ધંધો કરતાં રાજેશભાઇ ગેદીમલ ટેકવાણી (ઉ.૪૬) નામના સિંધી આધેડ નાગરિક બેંક પાસે આવેલી પોતાની ફ્રુટની દૂકાન બંધ કરી ઘરે પહોંચ્‍યા ત્‍યારે તેના મોટા પુત્ર રાહુલે વાત કરી રહી કે નાના ભાઇ વિશાલને પોપટપરામાં રહેતાં શખ્‍સ સાથે માથાકુટ થતાં વિશાલે તેને કટરના ઘા મારી દીધા છે.

આથી ઝઘડો વધુ ઉગ્ર ન બને તે માટે રાજેશભાઇ અને રાહુલ સાથે મળી વિશાલને અમદાવાદ મુકવા જવા માટે નીકળ્‍યા હતાં. સાધુ વાસવાણી કુંજ રોડ પર પહોંચ્‍યા ત્‍યાં જ વિશાલે જેના પર હુમલો કર્યો હતો તેના સગાઓએ આવી ત્રણેયને રોક્‍યા હતાં. વિશાલને એક શખ્‍સે તે જે કટરથી વિપુલને ઇજા કરી છે એ કટર બતાવ' તેમ કહી બાઇકમાં પરાણે બેસાડી જ્‍યાં વિશાલે હુમલો કર્યો હતો એ તરફ બાઇક ભગાવ્‍યું હતું.

વિશાલને ઉઠાવનારાઓએ તેના વાહનની સ્‍પીડ વધારી દેતાં તેના પિતા રાજેશભાઇ અને ભાઇ રાહુલ પાછળ રહી ગયા હતાં. મદદ માટે પોલીસને ફોન કરી વિશાલનું અપહરણ થઇ ગયાનું જણાવતાં પોલીસની ગાડી પણ પહોંચી ગઇ હતી. વિશાલની શોધખોળ શરૂ કરી હતી અને તેને ફોન જોડવાનું પણ ચાલુ રખાયું હતું. ત્‍યાં વિશાલે ફોન રિસીવ કર્યો હતો અને પોતાને આંખે પાટા બાંધી પાઇપના ઘા ફટકારાયાનું તેમજ હડમતીયા ફાટક પાસે ફેંકી દીધાનું કહેતાં રાજેશભાઇ, રાહુલ અને પોલીસની ગાડી ત્‍યાં પહોંચ્‍યા હતાં અને વિશાલને સિવિલમાં સારવાર અપાવી મધુરમ્‌ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

આ બારામાં પોલીસે રાજેશભાઇ સિંધીની ફરિયાદ પરથી વિપુલ કોળીના ભાઇઓ જીતુ, સુનિલ અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૬૫, ૩૨૫, ૧૧૪ મુજબ અપહરણ કરી હુમલો કરવા સબબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

(12:27 pm IST)