Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

બાંધકામ વેસ્ટનું રિસાઇકલીંગ કરી મ.ન.પા.ના રસ્તા અને બાંધકામમાં ઉપયોગ થઇ શકેઃ કેતન પટેલ

શહેરમાં ગંદકીના ગંજ માટે બાંધકામ વેસ્ટ જવાબદાર : રિસાઇકલીંગ કરી પેચ વર્ક, મેટલીંગ કામ ત્થા ભરતીમાં ઉપયોગ થઇ શકે : તંત્રને આર્થિક ફાયદા સાથોસાથ ''વેસ્ટમાંથી બેસ્ટ''નો જોરદાર વિકલ્પ મળશેઃ મ્યુ.કમીશનરને સુચન કરતા બાંધકામ સમીતી ચેરમેન

રાજકોટ તા. ૧૮ :.. શહેરમાં જયાં ત્યાં બાંધકામ વેસ્ટનાં ઢગલાઓથી ગંદકીનું સામ્રાજય ફેલાઇ રહ્યુ છે ત્યારે આ બાંધકામ વેસ્ટને રિસાઇકલીંગ કરી તેનો ઉપયોગ મ.ન.પા.નાં  રસ્તાઓ ત્થા બાંધકામમાં ઉપયોગ કરવા બાબતે મ.ન.પા.ની બાંધકામ સમિતિનાં યુવા ચેરમેન કેતન પટેલે મ્યુ. કમિશનરશ્રીને કર્યુ છે.

આ અંગે કેતન પટેલે મ્યુ. કમિશનરશ્રીને પાઠવેલા પત્રમાં સુચન કર્યુ છે કે રાજકોટ શહેરમાં જુદા - જુદા વોર્ડમાંથી બાંધકામ વેસ્ટ જેમ કે કોઇ જુનું મકાન પડતું હોય તે ઇમલા માંથી નિકળતો વેસ્ટ જેવા કે, રેતી, કપચી, ઇંટ, પથ્થર વિગેરે નિકળતું હોય છે. જે રાજકોટ શહેરની આસપાસ, મુખ્ય રોડ, રાજમાર્ગો, વોંકળા, ખુલ્લી જગ્યાએ ઠાલવામાં આવે છે. જેથી ન્યુસન્સ પોઇન્ટ પણ થાય છે. જેને  દુર  કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ખર્ચ કરીને તે ઉપાડવામાં આવે છે. જે તમામ બાંધકામ વેસ્ટની સાઇડ પર નાખવામાં આવે ત્યાં પણ મોટા પ્રમાણમાં ઢગલા થવા પામે છે.

આથી આગામી સમયમાં આ વેસ્ટ બોજા રૂપ ન બને તેથી તેને પથ્થરના ક્રશર (ભરડીયો) માં ભૂકકો કરીને તેમાં કેમીકલ ઉમેરવામાં આવે તો તે મોરમની જગ્યાએ ભરતી ભરવામાં તેમજ અન્ય ઉપયોગમાં જેવા કે રસ્તાનાં ખાડા બુરવામાં પેચવર્ક તરીકે નવા રોડ પર મેટલીંગ કરવા માટે ઉપયોગમાં આવી શકે છે. જે બાબતે ઘટતુ કરવું જરૂરી છે. એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને અપીલ

આ તકે કેતન પટેલે એન્જીનીયરીંગનાં વિદ્યાર્થી મિત્રોને પણ અપીલ કરી છે કે જો કોઇ વિદ્યાર્થી મિત્રએ બાંધકામ વેસ્ટમાંથી રિસાઇકલીંગ  કરી તે મટીરિયલ્સનો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રોજેકટ બનાવ્યો હોય તો તેઓએ તેમનો મ.ન.પા.ની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રૂબરૂ મળવું તેવી અપીલ કરી છે. 

(3:57 pm IST)