Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મ.ન.પા.ના લોગોનો ખાનગી કોન્ટ્રાકટના વાહનોમાં ઉપયોગ નહી કરી શકાયઃ અમિત અરોરા

ભા.જ.પ.ની ઝંડીઓ બેનરો લગાડવામાં મ.ન.પાના નહી કોન્ટ્રાકટના વાહનોનો ઉપયોગ થયાનું મ્યુ.કમિશ્નરશ્રીની તપાસમાં ખુલ્યું: કોંગ્રેસ અને આપની ફરિયાદ બાદ તપાસ કરાવેલ

આમ આદમી પાર્ટી દ્વારા મ.ન.પા.ના વાહનોનો દુર ઉપયોગ ભા.જ.પ.ની ઝંડી-બેનરો લગાવવામાં ઉપયોગ થઇ રહ્યાની ફરીયાદ મ્યુ.કમિશનરને કરી હતી તે વખતની તસ્વીરઃ (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮ :.. ભાજપની જન આશિર્વાદ યાત્રાની ઝંડીઓ અને બેનરો લગાડવા માટે મ.ન.પા.નાં વાહનોનો દુર ઉપયોગ થઇ રહ્યાની ફરીયાદ બે દિવસ અગાઉ વિપક્ષ કોંગ્રેસે કરી હતી અને આજે આમ આદમી પાર્ટીએ પણ કરી હતી. આથી મ્યુ. કમિશનર અમિત અરોરાએ આ બાબતે તપાસ કરાવતાં ખાનગી કોન્ટ્રાકટનાં વાહનોમાં મ.ન.પા.નો લોગો લગાવેલ ને હોવાથી આ ગેરસમજ થઇ રહી હોવાનું ખુલ્યુ હતું. આથી હવેથી ખાનગી કોન્ટ્રાકટનાં  વાહનોમાંથી મ.ન.પા.નાં લોગો દુર કરાવી હવે પછી ખાનગી કોન્ટ્રાકટરોને તેઓનાં વાહનોમાં મ.ન.પા.નો લોગો લગાડવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

આ બાબતે મ્યુ. કમિશનરશ્રી અરોરાએ સ્પષ્ટ કર્યુ હતું કે ભાજપનાં કાર્યક્રમની ઝંડી બેનર લગાડવામાં જે લેડર (સીડી) વાહનોનો ઉપયોગ થઇ રહ્યો હતો તે ખાનગી કોન્ટ્રાકટરના છે. પરંતુ તેના પર મ.ન.પા.નો લોગો લગાડેલો હોવાથી આ ગેરસમજ સર્જાયેલ આથી હવેથી ખાનગી કોન્ટ્રાકટનાં વાહનોમાં મ.ન.પા.નો લોગો લગાડવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. 

(3:57 pm IST)