Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ભેળસેળીયા દૂધનો કાળો કારોબારઃ ઢાંકથી રાજકોટમાં ઠલવાતુ હતું હજારો લિટર દૂધ

પેડક રોડની શિવશકિત ડેરી, પેલેસ રોડની આશાપુરા ડેરીમાં ભેળસેળીયુ દૂધ આપી રાજા ટોળીયા બોલેરો લઇ પંચાયત ચોકમાં આવતાં પોલીસે પકડ્યોઃ દૂધના સેમ્પલ ફૂડ વિભાગ દ્વારા લેવડાવાયાઃ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે

રાજકોટ તા. ૧૮: શહેરમાં ઉપલેટાના ઢાંક પંથકમાંથી સફેદ રંગની બોલેરો ગાડીમાં ટાંકીઓ રાખી તેમાં ભેળસેળીયુ-નકલી દૂધ રાજકોટમાં મોટા પ્રમાણમાં ઠલવાઇ રહ્યાની અને આ દૂધને બોલેરો પંચાયતનગર ચોકમાં આવી હોવાની માહિતીને આધારે યુનિવર્સિટી પોલીસે વોચ રાખી ઉપલેટાના ઢાંક ગામના રાજા ગોગનભાઇ ટોળીયા (ભરવાડ) (ઉ.વ.૩૪)ને સકંજામાં લઇ શંકાસ્પદ જણાતું ૧ હજાર લિટર દૂધ કબ્જે કરી સેમ્પલ લેવડાવ્યા બાદ જપ્ત થયેલા દૂધનો નાશ કર્યો હતો. ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલના નમૂના લેવડાવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ જરૂર જણાયે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાએ જણાવ્યું હતું કે ઢાંક ગામનો વિજય ભાભલુભાઇ માંકડ તેના ડ્રાઇવર રાજા ટોળીયા મારફત ભેળસેળીયુ દૂધ બોલેરો મારફત રાજકોટ મોકલતો હોવાની માહિતી મળતાં પીઆઇ એ. એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમે માલવીયાનગર પોલીસની ટીમ સાથે વોચ રાખી હતી. એ દરમિયાન બાતમી મુજબ પંચાયત ચોકમાં દૂધની બોલેરો આવતાં તેને અટકાવી તલાશી લેતાં બે ટાંકીમાં ૧ હજાર લિટર દૂધ મળ્યું હતું. આ દૂધ શંકાસ્પદ જણાતાં ચાલકની પુછતાછ કરતાં દૂધ ઢાંકથી વિજય માંકડ મોકલતો હોવાનું કબુલ્યું હતું.

પોલીસે દૂધની ટાંકીઓમાંથી સેમ્પલ લીધા હતાં અને બાદમાં આ શંકાસ્પદ દૂધનો નાશ કરાવ્યો હતો. ચાલક રાજાની પુછતાછ થતાં તેણે આ દૂધ પેલેસ રોડ પર આશાપુરા ડેરીમાં અને પેડક રોડની શિવશકિત ડેરીમાં આપ્યાનું અને પંચાયત ચોક તરફ બીજી ડેરીમાં આપવા જતો હોવાનું કબુલ્યું હતું.

દૂધમાં શેની ભેળસેળ હોય છે? કેટલા સમયથી આવુ દૂધ રાજકોટમાં આવે છે? કોને કોને અપાય છે? એ સહિતની વિગતો દૂધ મોકલનાર વિજય માંકડ હાથમાં આવ્યા પછી બહાર આવશે. પ્રાથમિક રિપોર્ટમાં દૂધ અખાદ્ય હોવાનું બહાર આવ્યું છે. પણ તેનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. પકડાયેલા રાજાએ કહ્યું હતું કે પોતાને વિજય ઢાંકથી ફોન કરે એ મુજબ એ સ્થળે દૂધ પહોંચાડવાનું હોય છે.

પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી, રાવતભાઇ ડાંગર, બલભદ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી. 

(3:55 pm IST)