Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

વીલ યાને વસીયતનામુ તમારી જાતે તૈયાર કરો

વીલ એટલે મરનાર વ્યકિતની ઇચ્છાનુસાર (તેની સ્વઉપાર્જીત એટલે કે જાતે કમાયેલ ધન દ્વારા વસાવેલ) માલ મિલ્કતોની પોતાની હયાતી બાદ વ્યવસ્થા તથા વહેંચણી કરવા ઇચ્છા દર્શાવતો પત્ર. વીલ મરનાર વ્યકિતની મિલ્કત બાબતે હયાતી બાદ અમલ કરવાનો કાયદેસર દસ્તાવેજ ગણી શકાય.

મિલ્કતનો ધારક પોતાની ઇચ્છા મુજબ, જે રીતે વ્યકિતને જેટલા પ્રમાણમાં ભાગ યાને હિસ્સો આપવા ઇચ્છતો હોય તે દર્શાવતો પત્ર એટલે વીલ. વીલને ગુજરાતી ભાષામાં વસિયતનામું કહે છે.

વીલ એક એવો દસ્તાવેજ છે, જેમાં વ્યકિત પાસે રહેલી બધી મિલ્કતોનું વિતરણ અને તે કોને કઇ રીતે આપવી તેની વિગત તથા અંદાજીત મુલ્યોનો ઉલ્લેખ હોય છે. વીલમાં સ્થાવર તથા જંગમ તમામ પ્રકારની સંપતિનો સમાવેશ કરી શકાય છે. આમાં બેંકના બચત ખાતામાં રહેલી રકમ, બેંકના લોકરમાં રહેલા ઘરેણા, મકાન, દુકાન, ખેતર, જમીન, ફેકટરી વગેરેનો સમાવેશ થાય છે. જીવનકાળ દરમ્યાન જે કંઇ કમાણી કરી હોય એના પણ તેનો અધિકારી હોય છે અને આ મિલ્કતને જેને પણ આપવી હોય તેને આપી શકાય છે. વ્યકિત પોતાની મિલ્કત મિત્ર કે પરિચિત વ્યકિતને અથવા અનાથ આશ્રમને પણ આપી શકે છે.

હિન્દુ વારસા ધારાની કલમ ૩૦ મુજબ વીલ કર્યા વગર મરનાર વ્યકિતની મિલ્કતમાં તેના માતા, પત્ની, પુત્ર અને પુત્રીનો સરખો ભાગ રહે છે. મિલ્કત વારસામાં પતિ જેટલુ જ પત્નીનું યોગદાન છે માટે મિલ્કતના ધારકે ઇચ્છાનુસાર સ્પષ્ટ વીલ બનાવવું હિતાવહ છે. જેથી મરનાર વ્યકિતના અવસાન બાદ સંતાનો/ વારસદારોને માલિકી હકક મેળવવામાં કાયદાકીય તકલીફ ન પડે. વસિયતનામાંથી વિધિસર અને શાંતિપૂર્ણ રીતે સંપતિની ફાળવણી થઇ શકે છે અને સ્પષ્ટતાને લીધે વારસદારો વચ્ચે સંભવિત ઝઘડા અટકાવી શકાય.

વીલ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની વિગતો :

 વીલ સાદા કાગળ પર, સારી કવોલિટીના પેપર કે લીલા રંગના પેપર પર લખો અથવા ટાઇપ કરાવો તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી લાગતી નથી.

 વીલ ઘરે બેઠા અને કોઇ વકીલ પાસે કે કોર્ટ કચેરીમાં ગયા વગર બનાવી શકાય છે. વધારે મિલ્કત કે કુટુંબમાં તકરાર હોય તો વકીલ પાસે પણ વીલ બનાવી શકાય.

 વીલ બનાવવામાં કોઇ કાયદોની લાંબી પ્રક્રિયા નથી.

 વીલ મોટી ઉંમરે જ બનાવવું જોઇએ તે માન્યતા હોવાથી ઘણા લોકો વીલ તુરત બનાવતા નથી પણ આજના સમયમાં આ અગત્યની કામગીરી છે.

 વીલ લખનાર વ્યકિતઓએ તેને દરેક પેઇઝ પર હસ્તાક્ષર કરવા જોઇએ.

 વીલમાં ઓછામાં ઓછા બે સ્વતંત્ર પુખ્ય વયની સાક્ષીની હાજરીમાં પોતાની સહી કરવી જોઇએ. વસિયતના અંતે તારીખ અને સ્થળ દર્શાવવા. સાક્ષીના નામ અને સરનામા લખવા.

 વીલની ચાર કોપી બનાવવી. એક પોતાની પાસે રાખે. એક એક સાક્ષીઓને આપે અને વકીલની હાજરીમાં કરેલ હોય તો એક કોપી વકીલને આપે.

  વીલનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત નથી. તમે ઇચ્છો તો નોંધણી કરાવવી હોય તો સાક્ષીઓને અને વીલ બનાવનારે રજીસ્ટ્રાર કચેરીએ હાજર રહેવું જોઇએ અને નોંધણી ફી ચુકવવી જોઇએ.

 વીલમાં ઇચ્છા થાય ત્યારે તેમાં સુધારા વધારો કરીને નવેસરથી વીલ બનાવી શકે છે જ્યારે નવી વસીયત બનાવે ત્યારે જુની વસીયત આપોઆપ રદ થઇ જાય છે. સૌથી છેલ્લે જે વીલ બનાવ્યું હોય તેને જ કાયદેસર માનવામાં આવે છે માટે વીલમાં સહી અને તારીખ  અવશ્ય લખવી.

 કાયદાકીય રીતે સ્ત્રી અથવા પુરૂષ બન્નેને વીલ બનાવવાનો અધિકાર છે. મહિલાઓને ૧૯૫૬માં આ અધિકાર મળ્યો હતો.

 વીલમાં ઘર, જમીન, બેંકમાં જમા થાપણ, પોસ્ટ ઓફિસ, રોકાણો,શેર, મ્યુ.ફંડમાં રોકાણો તેની કિંમત વિ.ની યાદી આપવી.

 વીલનો અમલ વ્યકિતના અવસાન બાદ અમલમાં આવવાનો હોવાથી વીલમાં વહીવટકર્તાને નિમણુંક કરવી હોય તો કરી શકાય.

 વીલ બનાવ્યું જ ન હોય અને કાયદેસર વારસદાર પુરવાર ન થાય તો બિનવારસ મિલ્કત સરકારને પ્રાપ્ત થાય છે. 

: સંકલન :

અરવિંદ વોરા

ડેપ્યુટી મેનેજર (રીટાયર્ડ)

એસ.બી.આઇ

મો. ૯૪૨૬૮ ૪૯૭૧૮

(3:53 pm IST)