Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

લવમેરેજ કરનાર બહેનનું અપહરણ કરનાર નિતીન અને તેના ત્રણ મિત્રોની ધરપકડ

યુનિવર્સિટી પોલીસે ચારેયને ગોંડલ ચોકડીએથી પકડી ઇકો કાર કબ્જે કરી

રાજકોટ તા. ૧૮: રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ દ્વારકેશ પાર્ક-૭માં સનરાઇઝ એપાર્ટમેન્ટ ૨૦૨માં રહેતાં ગેરેજ સંચાલક યુવાને લવમેરેજ કર્યા હોઇ તેના સાળા મોટી પાનેલી ગામના નિતીન જેસાભાઇ સરેણાને આ લગ્ન પસંદ ન હોઇ તે તેના ત્રણ મિત્રો સાથે આવી બનેવીના ઘરમાં ઘુસી પોતાની બહેનનું ઇકો કારમાં અપહરણ કરી ગયો હતો. આ અંગેના ગુનામાં યુનિવર્સિટી પોલીસે નિતીન સહિત ચારેયને પકડી અપહૃતને મુકત કરાવી તેના પતિને સોંપી હતી.

પોલીસે ગોંડલ ચોકડી પાસેથી નિતીન જેસાભાઇ સરેણા (ઉ.૩૨-રહે. મોટી પાનેલી ઉપલેટા), નિતેશ હમીરભાઇ કદાવલા (ઉ.૨૩-રહે. ભગીરથ સોસાયટી-૫, યાર્ડ પાસે રાજકોટ), ભાવેશ કરસનભાઇ રાઠોડ (ઉ.૨૪-રહે. સંગીતાપર્ક મોરબી રોડ) તથા પરબત કાનાભાઇ ચાવડા (ઉ.૩૦-રહે. અમરદળ તા. રાણાવાવ)ને પકડી લઇ ઇકો કાર જીજે૧૦સીએન-૪૦૧૩ કબ્જે લીધી છે. સીસીટીવી ફૂટેજ ચેક કરી પગેરૂ શોધાયું હતું.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ બી. જી. ડાંગર, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, મહેન્દ્રસિંહ ડોડીયા, ઇકબાલભાઇ મોરવાડીયા, ફરીદભાઇ શેખ, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અજયભાઇ, દિપકભાઇ, જયંતિગીરી, રાવતભાઇ, સહદેવસિંહ, બલભદ્રસિંહ સહિતે આ કામગીરી મહેન્દ્રસિંહ ડોડીયા, અજયભાઇ અને દિપકભાઇની બાતમી પરથી કરી હતી. તસ્વીરમાં વિગતો જણાવી રહેલા અધિકારીઓ અને યુનિવર્સિટી પોલીસની ટીમ તથા પકડાયેલા આરોપીઓ જોઇ શકાય છે.   (તસ્વીરઃ અશોક બગથરીયા) 

(3:52 pm IST)